Friday, 10 February 2017

'મર્યા બાદ પણ ના મરે એ મોહબ્બત???'


સાત-આઠ વર્ષના એ છોકરાને એના નાનાએ ખાદીનો 'ધોળા બાસ્તા' જેવો નવો નકોર ઝભ્ભો લાવી આપ્યો છે. એના નાના પહેરે તદ્દન એવો જ ઝભ્ભો મળ્યાનો બાળકનો હરખ સમાતો નથી. નહાઇને એણે તદ્દન નાનાની માફક જ 'પાથી વગરના ઉભા' વાળ ઓળવ્યા છે અને એ નવો ઝભ્ભો પહેર્યો છે. ઝભ્ભા પર વારે ઘડીએ હાથ ફેરવતો ફેરવતો એ ઘરની બહાર જવાં હજુ દોટ લગાવવાનો જ હતો કે એને અટકાવાય છે. શરત રખાય છે કે નવો ઝભ્ભો પહેરવો હોય તો ઘરની બહાર જવાને બદલે નાનાની બાજુમાં જ બેસીને ટીવી પર આવી રહેલી ફિલ્મ જોવી. છોકરા માટે ઘરમાં એક જ જગ્યાએ બેસી રહેવું કાઠું કામ છે પણ એ કાઠાં કામનું ઇનામ મોટું છે. ઝભ્ભા માટે એણે ઘરની બહારના 'ઘર'માં પગ મુકવાનું માંડી વાળ્યું ને એ નાનાની બાજુમાં જઇને બેસી ગયો.

''કીની ફિલમ સે?'' 'અમિતાબચન' ને જ ઓળખતા અને એ સિવાય 'ધમ્મા'ની જ 'ફિલ્મુ' જોતા એ ટબૂડાએ પૂછ્યુ.
'શિવાજી બીડી'ના ધૂણી રહેલા ધૂમાડાને પેલે પાર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પર ચાલી રહેલી ગુજરાતી ફીચર ફિલ્મને આ પાર આરામ ખુરસી પર બેઠાં-બેઠાં જોઇ રહેલા ગુજરાતી ફિલ્મોના શોખીન જીવડાએ જવાબ આપ્યો.''વીર માંગડા વાળાની''
'ઇ કૂન?' બાળકે ફરી પૂછ્યું
'વીર માંગડા વાળો. ઇ તા ભૂત હતો. ઇની પદમા હાટુ ભૂત થય ને ભટકતો'તો'
'તી પણ ઇ ભૂત કીમ થ્યો?' ભૂતનું નામ સાંભળીને એને ડર તો લાગ્યો પણ એના માસુમ મનમાં પેદા થયેલો પ્રશ્ન એ રોકી ના શક્યો.
'ઇને દુસમનોએ મારી નાઇખો. પણ ઇને પદમા હારે લગન કરવા'તા ઇ ના થ્યાં તી ઇ ભૂત બય્નો'
કોઇને મારી નાખવું કે મરી જવું જવું એની તો છોકરાને જાજી ખબરું ક્યાંથી હોય પણ એને એટલી જાણ તો ચોક્કસથી થઇ ગઇ કે માંગડાવાળો પદમા માટે ભૂત થયો.

બહાર રમવા જવાનો હરખ હેઠો મેલી, નવા ઝભ્ભા પર વારેઘડીએ હાથ ફેરવતાં-ફેરવતાં એણે એ ફિલ્મ પુરી કરી... જીવતે જીવ અધુરા રહી ગયેલા પ્રેમને પુરો કરવા પ્રેત બનતા માંગડાની ફિલ્મ...

***

ભાણવડ જાનમાં આવેલા કેટલાક જૂવાનીયાઓ 'ઠીઠીયોઠી' કરતાં આગળ વધી રહ્યાં છે. એ જૂવાનીયા ભેગો એક દસ-બાર વર્ષનો છોકરડો છે. એના મામા ભેગો એ પણ જાનમાં આવ્યો છે. મારગના 'કાંકરાઓને' ઠેબે ચડાવતા ચડાવતા એ એના મામાને પૂછી બેસે છે, 'ક્યા જાયેસ આપણે?'

'ભૂતવડલે... માંગડા પાહેં'
'હેં?' માંગડાનું નામ સાંભળતા જ પદમાનો પ્રેત થઇ ગયેલો પ્રેમી ઉપેન્દ્ર ત્રિવેદીનાં રુપે એની આંખોની રીલમાં દોડવા લાગે છે. ભૂતનું નામ સાંભળીને ડર લાગવાને બદલે એને રોમાન્ચ અનુભવાય છે અને એક ઘેઘુર વડલા તરફ એના મામાએ ચીંધેલી આંગળી તરફ એ દોડી જાય છે. 'ભૂતવડલે' પહોંચતા જ ટળવળ થતીએ નાની આંખો સ્થિર થઇ જાય છે. શાંત થઇ જાય છે. એ વડલામાં કદાચ એને કોઇ ખેંચાણ અનુભવાય છે. એના મામા અને એના ભાઇબંધો બધા આજુબાજુ આંટા મારવા લાગે છે. 'પાણાં-ટેકરા' શોધીને બેઠક જમાવે છે પણ એ નાનકડો છોકરો ચૂપચાપ વિશાળ વડલા નીચે ઉભાં રહીને એને જાયો કરે છે. વડવાઇઓમાં એ હાથ પરોવે છે, જાણે 'માંગડાવાળા' સાથે હાથ મિલાવતો હોય એમ! આ વડલામાં રહેતા પદમાના પ્રેમીના પ્રેતની વાત કરતી ફિલ્મ એને યાદ આવી જાય છે ને 'માંગડાવાળો હજુય આ વડલામાં રહે છે' એવું એના મામાનાં મોઢે એને સંભળાય છે.

મરી જવું એ શું એની હવે એને ખબર પડે છે અને એટલે જ એને સવાલ થાય છે કે 'મર્યા બાદ પણ કંઇ જીવતું રહી જતું હશે?

***

બોર્ડની ભારે ભરખમ પરીક્ષા આપીને હવે એ સાવ હળવોફૂલ થઇ ગયો છે. એની હમઉમ્ર જ્યાં રહે છે એની શેરીઓમાં સાયકલ ચલાવી ચલાવીને એ થાકે એટલે એની મહેબૂબ જેવી ચોપાટીએ એ દોડ્યો આવે છે, એના દિલદાર દરિયાને મળવા. પોરબંદરના દરિયા સાથે એક દિવસ આવી જ દિલ્લગી કર્યા બાદ એ સાયકલનું 'હેન્ડલ' દરિયા કિનારે આવેલી સ્ટેટ લાઇબ્રેરી તરફ ફેરવી દે છે. વિક્ટોરિયન યુગનો અણસાર આપતા એ આલિશાન મકાનમાં એના હાથ એક 'મહાન પુસ્તક' લાગે છે. 'મહાન મેઘાણી' એ લખેલું 'સૌરાષ્ટ્રની રસધાર'. પુસ્તકના પાનાં ઉલટતાં ઉલટતાં એના હાથ અટકી જાય છે. એના ચહેરા પરના ખીલની રાતાશ વધુ રાતી થઇ જાય છે અને મૂંછનો ફૂટેલો દોરો વધુ પહોળો થઇ જાય છે. દરિયાની ખારાશથી ખારા થઇ ગયેલા હોઠ પર સતત જીભ ફેરવતા ફેરવતા ને સમંદરના ઠંડા હેમ જેવા પવનની પલટન વચ્ચે એ 'ભૂત રુએ ભેંકાર' પુરી કરે છે. એનું દિલ ભરાઇ આવે છે. આંખો સામેથી 'પદમા પદમા' કરતો માંગડો હટતો નથી.
ફરી એને એ જ પ્રશ્ન થાય છે, 'મર્યા બાદ પણ કંઇક મરતું નહી હોય?'

***

કોલેજની એની મામુલી ખીસાખર્ચી બચાવીને એ ફિલ્મ જોવા દોડી જાય છે. એના ભાઇબંધને એ ફિલ્મ બોરિંગ લાગે છે પણ એને એને ભારે રોમાંચક. 'એક ભૂત એક જીવતી-જાગતી ઔરતના પ્રેમમાં પડે છે અને એના પતિનું રુપ ધારણ કરીને એની સાથે રહેવા લાગે.' એના રુએ રુએ રોમાંચ જાગે છે અને એના ભાઇબંધના મોઢાની ગાળો સાંભળે છે. '@#@# આવી જ ફિલ્મું ગમે તને. ને ખબર ની આ સાહરુખનેય કાવ થ્યું કે આવી ભૂતિયા ફિમલ કરી!' એનો દોસ્ત 'પહેલી'ને હજુય મણ-મણની 'પધરાવી રહ્યો' છે પણ એના કાનમાં તો બસ વિજયદાન દેથાના પ્રેત બનેલા હીરોએ લાચ્છીને કહેલી વાત જ ગૂંજી રહી છે, '... સાંસ લેના દૂભર હો જાતા હમારા... દમ ઘૂંટ જાતા હમારા...' મરેલી વ્યક્તિના માઢે કહેવાયેલી શ્વાસ લેવાની ને દમ ગૂંગળાઇ જવાની વાત...
'પ્રેમના પ્રેત'ની એ વાત ફરી એને પૂછી લે છે 'મર્યા બાદ પણ જે મરતું નહીં હોય એ શું હશે?'

***

'દિલ્લી'માં રખડવું એનો 'બેસ્ટ ટાઇમ પાસ' છે. એ નવરો પડે એટલે 'દિલ્લી' ખૂંદી વળે. ને એક દિવસ આવી જ રીતે 'દિલ્લી' ખૂંદતા-ખુંદતા એ તૂર્કમાન ગેટ પાસ પહોંચી જાય છે. અહીં એના પગ એને એ જગ્યાએ દોરી જાય છે જ્યાં સાવ ખસ્તાહાલમાં 'મલ્લકા-એ-હિંદ' પોઢી છે. દાઢીમાં હાથ ફેરવતો ફેરવતો એ ચૂપચાપ એને જોઇ રહે છે. ખંડેરો એને ગમે છે અને ઇતહાસ એને આકર્ષે છે. પણ રઝિયા સુલતાનની કબ્રને જોતા જ એક અજીબ ઉદાસી એને ફરી વળે છે. એ ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળે છે.

નજીકમાં આવેલી લારી પાસે એ ઉભો રહી જાય છે ને એક કોફીનો ઓર્ડર આપે છે. બાજુમાં ઉભેલો ને રઝિયા સુલતાનની કબ્ર કરતા પણ વધુ ખસ્તા જણાતો એક 'ચચ્ચા' એની સાથે એ વાતોએ વળગે છે...

ને એ બુઝુર્ગ બોલી ઉઠે છે,,,

'મીયાં! ચાંદની રાત કો રઝિયા ઔર ઉસકે આશિક યાકુત કો યહાં ઘૂમતે કીતને લોગોને દેખા હૈ!'

એ બુઝુર્ગની વાત સાથે જ ફરી એના દિલો-દિમાગમાં 'માંગડો', 'ભૂત રૂએ ભેંકાર' અને 'પ્રેમ' ડોકાઇ જાય છે. ને ડોકાતા સાથે જ ફરીથી એ જ સવાલ પણ કરી જાય છે...

'મોત મહોબ્બતને નહીં મારી શકતું હોય?'

***

એ ટ્રેલર જુએ છે... ફરી ફરી ને જુએ... ટ્રેલર રોમાંચ જગાવી રહ્યું છે... કંઇક યાદ અપાવી રહ્યું છે... ભૂત બનીને ભમતી ને બલાની ખુબસુરત દેખાતી અનુષ્કા આંખોમાંથી હટતી નથી. ને જેટલી વખતે એ દેખાય છે, એટલી વખત એ ભૂતને પૂછાયેલો પ્રશ્ન ગૂંજાય છે.

'કોઇ આપકા કામ થા જો આપકા પુરા નહીં હુઆ?'

ને જવાબ અપાય છે 'શાયદ'

3 મિનિટના ટ્રેલરમાં ત્રણ અક્ષરનો શબ્દ 'શાયદ'...

'શાયદ' ઘણું કહી જાય છે...

'મર્યા બાદ પણ ના મરે એ મોહબ્બત???'

Saturday, 21 January 2017

દરગાહ-એ-હઝરત નિઝામુ્દ્દીનઃ કુન ફાયા કુન.. કુન ફાયા કુન

'રોકસ્ટાર'ની સૌથી મોટી ખાસિયત ખુદ 'રોકસ્ટાર' જ છે. એ એક ફિલ્મ માત્ર નથી પણ એક એક્સપેરિયન્સ છે. એ અનુભવ છે જે ભૂલાતો જ નથી. હિર વગરના જોર્ડનની જઝ્બાતી જદ્દોજહદ, એની અધુરપ, એની એકલતા, એની અગન અને એની લગન 'રોકસ્ટાર'ને એક એવી રુહાનિયત બક્ષે છે કે તમે જાણ્યે-અજાણ્યે એની રુમાનિયતમાં ખેંચાયા કરો. ભાગ્યે જ એવો દિવસ ગયો હશે જ્યારે મેં 'રોકસ્ટાર'ના સોંગ્સ નહીં સાંભળ્યા હોય! એને અનુભવ્યા નહીં હોય! અને કદાચ એટલે જ, રુહમાં ઉતરી ગયેલો 'રોકસ્ટાર' સાથેનો રાબ્તા, મારા નાસ્તિક પગને હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ ખેંચી ગયો... 

મન કે મેરે યે ભરમ
કચ્ચે મેરે યે કરમ
લેકે ચલે હૈં કહાં મેં તો જાનુ હી ના..
કદમ બઢા લે... હદો કો મિટા લે...
આજા ખાલી પન મેં પી કા ઘર તેરા...

દરગાહના રસ્તે વેચાઇ રહેલા ચાંદીના બર્તન 


જે મહેક તમારા પગને રોકી રાખે એ... 

દરગાહના રસ્તા વચ્ચે પડતી બંગલેવાલી મસ્જિદ 

દરગાહના રસ્તે લાગેલું બઝાર

જવાની ખર્ચીને બૂઢાપો વેચી રહેલો બંદો 

રેસ્ટરૉ પર સજાવેલી શિરમાલ

ગંગા-જમુની અખબાર

ગંગા-જમુની કિતાબે


દરગાહના રસ્તે પડતી એક દૂકાન

ઇસતક્બ઼ાલ કરતા ગુલાબ વ ઇત્ર 

ખુસરો દરિયા પ્રેમ કા, સો ઉલટી વા કી ધાર... જો ઉબરા સો ડૂબ ગયા, જો ડૂબા હુવા પાર

રંગરેઝા... રંગરેઝા

 'જબ જાન મેરી નિકલે... તુ મેરે સામને આ જાના...' 'ખુદાને મહેબુબ માનતી સુફી તેહઝીબ 

'કાગા સબ તન ખાઇયો મેરા, ચુન-ચુન ખાઇયો માંસ ય
યે દો નૈના મત ખાઇયો, મોહે પિયા મલિન કી આસ'
બાબા ફરીદને લલકારતા કવ્વાલ.. 

કાનમાં ગુંજી રહેલા શબ્દો 'મેં હોશહવાઝ ખો બેઠા તુમને જો કહાં હસ કે યૈ હૈં મેરા દિવાના... "


Sunday, 15 January 2017

હિંદુસ્તાન, સાચી જમ્હુરિયત અને પાકિસ્તાની રેફ્યુજી: મુહાજિર હૈં મગર એક દુનિયા છોડ આયે હૈં


ચંદ દરવાજ઼ે પર લટકતે હુએ બોશિદા સે કુછ ટાટ કે પર્દે 
એક બકરી કે મમિયાને કી આવાઝ
ઔર ધુંધલાઇ હુઇ શામ કે બે-નૂર અંધેરે
ઐસે દિવારો સે મુહ જોડ કે ચલતે હૈં યહાં....

'ગલી કાસિમ જાન'નું ગુલઝારે કરેલું 'ગ઼ાલિબ કા પતા' વાળું ઇન્ટ્રોડક્શન યાદ આવી જાય જ્યારે 'મજનુ કા ટિલ્લા' પર આવેલી 'પાકિસ્તાની રેફ્યુજી કી બસ્તી'માં પગ મુકીએ. 'દિલ્લી'ની ચકાચૌંધ વચ્ચે આ 'બસ્તી' યુપી બિહારના કોઇ કસબાની યાદ અપાવી દે. જેમ તેમ કરીને જોડેલી ઝૂંપડીઓ, સાંધા-મેળ કરીને ઉભી કરેલી દિવાલો અને એ દિવાલો વચ્ચે તૂંટેલી ફાંટેલી 'વતનની માયા' વચ્ચે આવતીકાલના સપનાઓ સજાવતા 'પાકિસ્તાનીઓ'. પાકિસ્તાનથી આવેલા 120 જટેલા હિંદુ પરિવાર 'મજનુ કા ટિલ્લા' ખાતે રહે છે. પાકિસ્તાનમાં બહુમતી મુસ્લિમોના અત્યાચારોથી તંગ આવીને આ લોકો અહીં આવી ગયા છે અને હવે ક્યારેય 'વતન' પરત જવા નથી માગતા.
'મજનુ કા ટિલ્લા' ખાતે રહેતા પાકિસ્તાની રેફ્યુજી

સિંધ પાકિસ્તાનના હૈદરબાદથી ભારત આવી ગયેલા મહાદેવ અડવાણી કહે છે કે પાકિસ્તાનમાં રહ્યાં હોત તો મુસલમાન થઇ જવું પડત. જે તેમને મંજૂર નહોતું અને એટલે જ 2013માં તેઓ કુંભ મેળાનું બહાનું કરીને પોતાના બે ભાઇઓ સાથે ભારત આવી ગયા. મહાદેવનું 'અડધું કુટુંબ' હજુ પણ પાકિસ્તાનમાં જ છે અને ભારતના વિઝા મળે તેની રાહ જોઇ રહ્યું છે.
પાકિસ્તાની રેફ્યુજી મહાદેવ અડવાણી 

મહાદેવની માફક જ સોનાદાસ પણ 2011માં તિર્થયાત્રા કરવા માટેના વિઝા મેળવી પોતાના પરિવાર સાથે ભારત આવી ગયા. પાકિસ્તાનમાં તેમની હાલત 'કસાઇઓ સાથે રહેતા બકરા' જેવી હતી એવું ખુદ સોનાદાસ કહે છે. વાતચીત દરમિયાન સોનાદાસના ચહેરા પર સિકન અને ઝુબાં પર એક કિસ્સો આવી જાય છે. એક વખત એક મુસલમાન સાથે સોનાદાસનો ઝઘડો થઇ ગયો. વાત ગાળાગાળી પર આવી ગઇ અને મામલો સ્થાનિક કાઝી પાસે પહોંચ્યો. કાઝીએ બનાવની વિગત જાણવાને બદલે સીધું જ પૂછી લીધું કે 'એક મુસલમાનને ગાળો કાઢવાની તારી હિંમત કઇ રીતે થઇ?'
સોનાદાસે પોતાના ઘરની દિવાલ પર નરેન્દ્ર મોદીની તસવીર લગાવી છે  

મહાદેવની યાદ પણ સોનાદાસથી કંઇ અલગ નથી. મહાદેવ જણાવે છે કે 'અમારી કેટલીય કુંવારી છોકરીઓનું અપહરણ કરીને તેમને બળજબરી મુસલમાન બનાવી દેવાઇ. આ અંગે જ્યારે કેસ ચાલ્યો ત્યારે આરોપીઓએ બુરખો પહેરાવીને બીજી છોકરીઓને કોર્ટમાં રજુ કરી દીધી. ઓળખ માટે જ્યારે બુરખો હટાવવાનું કહેવાયું તો આરોપીઓએ છોકરીઓએ ઇસ્લામ અંગિકારી કરી લીધો હોવાનું જણાવી ચહેરો બતાવવાનો ઇન્કાર કરી દીધો.' મહાદેવના મતે પાકિસ્તાનમાં પબ્લિક, પાવર ને પોલિટિશ્યન્સ બધું જ બહુમતીનું છે. 'ઇસ્લામિક જમ્હુરિયત'માં 'કાફિરો'નું કોણ સાંભળે?
સુખનંદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ભારે આશાઓ છે.

185 લોકો સાથે 2013માં ભારત આવીને અહીં જ રહી ગયેલા સુખનંદ જણાવે છે કે પાકિસ્તાનમાં હિંદુઓને '32 દાંત વચ્ચે રહેતી જીભ'ની માફક રહેવું પડે. કોઇનો પણ વાંક હોય, ભોગવવું  હિંદુને જ પડે. ભારત  પોતિકું લાગતું હોવાનું કહીને સુખનંદ જણાવે છે કે 1947માં અમે અલગ પડી ગયા હતા પણ હવે અમારી 'ઘર વાપસી' થઇ ગઇ છે. સુખનંદને અહીં સૌથી મોટું સુખ 'ઇજ્જત કી રોટી' મળી રહેતી હોવાનું છે. સુખનંદ જણાવે છે કે અહીં ગમે ત્યાં છોકરીઓ મુક્ત રીતે ફરી શકે છે. જ્યારે પાકિસ્તાનમાં તો ક્યારે અપહરણ કરી લેવાશે એનો ડર જ સતાવ્યા કરતો.

પોતાનો ધર્મ બચાવવા માટે પાકિસ્તાનમાં પોતાની 32 વિઘા જમીન છોડીને અહીં આવી ગયેલા સોનાદાસ હવે મોબાઇલના કવર વેચે છે.  પોતાની સ્થિતિ વર્ણવતા સોનાદાસની આંખમાં આંસુ આવી જાય છે અને મને મુનવ્વર રાણા એ રીતે યાદ આવી જાય છે કે...

મુહાજિર હૈં મગર એક દુનિયા છોડ આયે હૈં
તુમ્હારે પાસ જિતના હૈ હમ ઉતના છોડ઼ આયે હૈં

સોનાદાસનું 'ઘર'

'મજનુ કા ટિલ્લા' ખાતે રહેતા આ 'પાકિસ્તાની હિંદુ'ઓ સરકાર પાસે જેમ બને તેમ જલદી નાગરિક્તા મળી જાય એવી માગ કરી રહ્યાં છે કે જેથી તેઓ નાનો મોટો ધંધો કે ખેતિવાડી કરી શકે. આ પાકિસ્તાની પરિવારોને હાલમાં દિલ્હીના વિઝા મળ્યા છે, જેને દર વર્ષે રિન્યૂ કરાવવા પડે છે.  નાગરિકતા મેળવી, દિલ્હી બહાર જઇ તેઓ ખેતિવાડી કરવા માગે છે.
બસ્તીમાં ધુંધલાઇ હુઇ શામ કે બે-નૂર અંધેરે

આંખોમાં ભારતની આવતી કાલના સપના સાથે 'પાકિસ્તાની બાળકો'
'મજનુ કા ટિલ્લા' ખાતે પાકિસ્તાની રેફ્યુજીની બસ્તી

સુખનંદ છેલ્લે એક વાત કરે છે કે હિંદુ-મુસલમાન તો ભારતમાં પણ રહે છે અને હળી-મળીને રહે છે. એકબીજાને ત્યાં લગ્ન પ્રસંગે આવે-જાય છે. એક બીજા સાથે ખાય-પી છે. પાકિસ્તાનમાં તો આવો વિચાર પણ ના આવે. કારણ કે ત્યાં તો 'ઇસ્લામિક જમ્હુરિયત' (ઇસ્લામિક લોકતંત્ર) છે જ્યારે ભારતમાં તો 'સાચી જમ્હુરિયત'. 'સાચી જમ્હુરિયત' સાંભળતા જ મને ભારતને 'હિંદુરાષ્ટ્ર' બનાવવા માગતા 'રાષ્ટ્રવાદીઓ' યાદ આવી જાય છે અને એક કંપારી છૂટી જાય છે.

Thursday, 15 December 2016

એ ઇનટરનેસનલ લિટ્ટી-ચોખા...

પ્રકૃતિ અને પરિસ્થિતિ એ કોઇ પણ પ્રદેશના ખોરાક પર ખાસ અસર કરવાની જ! 'કાઠિયાવાડી થાળી' અને એની 'મોંઘેરી મહેમાનગતિ' પાછળ પણ આ જ કારણો જવાબદાર હોવા જોઇએ! અહીં પહેલાથી જ પાણીની અછત અને એ અછતે અહીંના લોકજીવનમાં ‘અભાવ’ સર્જ્યો. અભાવોમા ઉછરેલી પ્રજામાં ઉદારી આપમેળે આવી જતી હોય છે. ભાર દઇને ભોજન કરાવવાની ‘કાઠિયાવાડી સંસ્કૃતિ’ પાછળ આ અભાવ એવી રીતે કામ કરી ગયો હોવો જોઇએ કે એક તો ઘરે આવેલો મહેમાન અછતનો માર્યો ક્યાંક ભૂખ્યો ના હોય કે ક્યાંક ઘરની અછત એ કળી ના જાય એવી ભાવના વિકસી. આ ભાવનાએ ‘ગળાના સમ’ દઇ-દઇને એક રોટલો વધુ ખવડાવવાની ખાનદાની જન્માવી. સાવ ઓછી વસ્તુઓ અને સસ્તા ધાનથી તૈયાર થતી ‘કાઠિયાવાડી થાળી’ પાછળ પણ આ જ અછત કામ કરી ગઇ હોવી જોઇએ. ને આવી જ ‘અછત’ની યાદ ત્યારે આવે કે જયારે દિલ્હીમાં તમે ઘી-માખણ અને મરી-મસાલાથી ભરપુર પંજાબી અને મુઘલાઇ ડેલિકસીઝ્ વચ્ચે સાવ સસ્તી અને સાવ સાદી પણ એટલી સ્વાદિષ્ટ ‘બિહારી લિટ્ટી-ચોખા’ને ચાખો. ઓફિસની બહાર માત્ર 20 રુપિયામાં મળતી લિટ્ટી-ચોખાની એક પ્લેટ પેટ ભરવા ઇનફ છે. બાટી જેવી દેખાતી અને અંદરથી સત્તુ ભરેલી લિટ્ટી અને રિંગણના ઓળો કે ‘મેસ પોટેટો’ની યાદ અપાવતા ચોખા સાથે ડુંગળી અને લીલા મરચાની ચટણી... બસ! આટલું જ! બપોરે આ લિટ્ટી-ચોખ્ખા ખાઇ બાપડા બિહારીઓ આખો દિવસ સાઇકલ રીક્ષાને ખેંચ્યા કરે...ભોજપુરીયા ગીતો લલકાર્યા કરે...
  
'એ ઇનટરનેસનલ લિટ્ટી-ચોખા જે ખઇલસ ના પઇલસ ધોખા
યુપી ચાહે બિહાર મે...

ગાર દે જંડા આઇ ગઇલ હો જહાં ગઇલ સંસાર મે...'

Monday, 21 November 2016

'મારા દીકરાના મારનારાઓ વિરુદ્ધ પણ મારે ફરિયાદ નથી કરવી... એ પણ કોઇ માનાં દીકરા હશે!'

(જંતર-મતર ખાતે પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે ટહેલ નાખતું બચ્ચીદેવીનું બેનર)

એનું નામ બચીદેવી... ગામ મહારાષ્ટ્રનાં ચન્દ્રપુરનું ધુગ્ધુસ...બચીદેવીના જુવાનજોધ દીકરા રાહુલને ગામના જ માથાભારે શૈલેષ ગીરી, રાજેશ ચૌધરી, રવિશસિંહ, નવલેશ નિષાદ, રાકેશ ઢિઢિકાલા અને નવીને મળીને મારી નાખ્યો. બચીદેવીએ પોતાના પુત્રના હત્યારાઓ વિરુદ્ધ મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન ને છેક વડાપ્રધાન સુધી અપીલ કરી પણ કંઇ ના વળ્યું. રાહુલના હત્યારા ગામમાં રાહુલની બાઇક લઇને જ ફરી રહ્યાં છે, ખુલ્લે આમ ફરી રહ્યાં છે પણ પોલીસને ના તો હત્યારા દેખાઇ રહ્યાં છે કે ના તો બાઇક દેખાઇ રહી છે. આખરે થાકી-હારીને એક મા જંતર-મંતર ખાતે ભૂખ હડતાળે બેઠી છે, દીકરાને ન્યાય અપાવવા, પુત્રના હત્યારાઓને સજા અપાવવા... પણ ઠંડીમાં ઠરી ગયેઇ સરકારની સંવેદનશીલતા સુધી બચી દેવીની પીડ પહોંચી શકી નથી...

દેશના અંતરીયાળ વિસ્તારમાં તો આવું  બને એમા સરકાર શું કરે એવો કોઇ ફાંકો રાખે તો આ આ વાંચી લે...
(ઇન્ડિયા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ ફાતિમા નફિસ સાથે આવી રીતે વર્તી) 

એનું નામ ફાતિમા નફિસ... ગામ ઉત્તરપ્રદેશનું બદાયું... ફાતિમા નફિસનો જુવાનજોધ દીકરા નજીબનો ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી સાથે ઝઘડો થાય અને દેશના પ્રતિષ્ઠિત સંસ્થાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં તેના પર હુમલો કરવામાં આવે. લોહીલુહાણ કરી દેવાય અને બાદમાં ગૂમ કરી દેવાય. ફાતિમાએ પોતાના પુત્રને શોધવા માટે છેક રાષ્ટ્રપતિ સુધી અપીલ કરી પણ કંઇ ના વળ્યું. નજીબ પર હુમલો કરનારા આરોપીઓ દિલ્હીમાં અને જેએનયુમાં ફરી રહ્યાં છે, ખુલ્લેઆમ ફરી રહ્યાં છે, પણ પોલીસ ના તો એમની પૂછપરછ કરી રહી છે કે ના તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવાનું મન બનાવી રહી છે. આખરે થાકી-હારીને એક મા દેશની રાજધાનીમાં અધિકારીઓના દર ખટખટાવી રહી છે. ઠેર ઠેર ટહેલ નાખી રહ છે. પણ સત્તાના મદના ને રાષ્ટ્રપ્રેમના ઘેનમાં ઘેરાયેલી સરકાર સુધી ફાતિમાના નિસાસા પહોંચી શક્યા નથી.

***

ઉપરના બે કિસ્સાઓમાં સ્થળ, સંજોગો અને સમયકાળ અલગ અલગ છે. પણ સમસ્યા એકસમાન છે. એક કિસ્સામાં એક દીકરો મારી નખાયો છે, બીજા કિસ્સામાં એક દીકરો ગૂમ કરી દેવાયો છે. પણ બન્ને કિસ્સાઓમાં મા લડત આપી રહી છે. બચીદેવી પોતાના દીકરાના હત્યારાઓને સજા અપાવવા ભૂખ હડતાળે બેઠી છે તો ફાતિમા પોતાના ગૂમ થયેલા દીકરાના ભાળમેળવા ભૂખી-તરસી દિલ્હીની ખાક છાની રહી છે.

ગત 15 ઓક્ટોબરથી દેશના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ગુમ થયેલો Mscના વિદ્યાર્થી નજીબની હજુ સુધી કોઇ ભાળ મળી નથી. યુનિવર્સિટી તંત્ર અને  દિલ્હી પોલીસ પર આ મામલે પક્ષપાતી વલણ અપનાવી હાથ પર હાથ ધરી બેસી રહેવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. ત્યારે પોતાના પુત્રની ભાળ મેળવવા દિલ્હી પોલીસથી માંડી દેશના રાષ્ટ્રપતિ અને દિલ્હી-યુપીના મુખ્યપ્રધાન સુધીના દરવાજા ખખડાવી રહેલી નજીબની મા સાથે જ્યારે વાત કરી તો એક માની કકળતી આતરડી એવા કેટલાય પ્રશ્નો પૂછી બેઠી જેનો જવાબ આપવા કોઇ તૈયાર નથી.

યુનિવર્સિટી તંત્રને આ મામલે નિષ્ક્રિયા દાખવવાનો આરોપ લગાવતી નજીબની મા ફાતિમા નફિસે જણાવે છે કે જો વીસી દ્વારા યોગ્ય પગલા લેવાયો હોત તો તેમનો દીકરો આજે ગૂમ ના થયો હોત. નજીબના પરિવારજનોએ વીસીને આ મામલે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું જોકે, પોતાની કોઇ જ જબાદારી ના હોવાનું જણાવી વીસીએ આ મામલે હાથ ખંખેરી નાખ્યા હતા. આ અંગે વાત કરતા ફાતિમાએ ઉમેર્યું કે 'વીસી આ મામલે અમારી મદદ કરે એવી હવે અમને કોઇ જ અપેક્ષા નથી રહી. મદદ તો દૂરની વાત, અમારી સાથેનું એમનું વર્તન પણ એકદમ તોછડાઇપૂર્ણ હતું'
( જેમણે મારા દીકરાને માર્યો છે એ પણ કોઇ માના દીકરા હશે. હું નથી ઇચ્છતી કે એમની જિંદગી ખરાબ થાય: ફાતિમા નફિસ)

પોલીસે આ કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોપી દીધો છે. બનાવને એક મહિના કરતા પણ વધુ સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી આ મામલે કોઇ જ કડી નથી મળી. પરિવારજનોની દિવસે દિવસે આશા ધૂંધળી થઇ રહી છે. પણ પોતાનો દીકરો પરત આવશે જ એ ઉમ્મદી ફાતિમાએ કમ થવા નથી દીધી. એ કહે છે કે 'જ્યારે પણ કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવે તો મને થાય છે કે મારા નજીબની કોઇ ભાળ આપશે. પણ એ એ આશ એ ફોન સાથે જ ખતમ થઇ જાય છે. મારા પરિવારજનોના કોઇનો ફોન હું નથી ઉપાડતી. એ બધા એક વાત પૂછે કે છે કે શું થયું કંઇ ખબર પડી. મારે શું જવાબ આપવો?

14 ઓક્ટોબરની રાતે નજીબ અને એબીવીપીના કેટલાક વિદ્યાર્થીઓ સાથે નજીબનો ઝગડો થયો હતો. જે બાદ નજીબ પર એબીવીપીના કાર્યકરો તૂટી પડ્યા હતા. એ રાતે નજીબે એની મા સાથે વાત કરી હતી. એ ઘટનાને યાદ કરતા ફાતિમા જણાવે છે કે ' 11 વાગ્યા સુધી હું એના કોન્ટેક્ટમાં હતી. એ બાદ જ્યારે સાડા બારે હું એના રુમે પહોંચી તો એ નહોતો. એનો બધો જ સામાન વેર વિખેર પડ્યો હતો. એનું લેપટોપ, એના કપડાં બધુ જ... એક ઓશિંકુ ફાડી નાખવામા આવ્યું હતું. સીડી પર એનું એક ચપ્પલ પડ્યું હતું.' નજીબની માના જણાવ્યા અનુસાર એની સાથે 11 વાગ્યે રાતે આટલી મોટી ઘટના બની છતા યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઇ પગલા ના ભરાયા. નો તો તંત્ર દ્વારા તેને હોસ્પિટલ લઇ જવાયો કે ના તેને કોઇ જાતની સુરક્ષા અપાઇ. નજીબનો રુમપાર્ટનર તેને હોસ્પિટલ લઇ ગયો હતો.

પોતાના દીકરાને કોઇએ કેદમાં રાખ્યો હોવાનું માનતી ફાતિમા જણાવે છે કે' એને ચોક્કસથી કોઇએ બંધક બનાવી રાખ્યો છે. જેની પાસે હોય એના માટે હું દૂઆ કરીશ કે અલ્લાહ તેને તૌફિક અદા ફરમાવે ને મારા દીકરાને છોડી મુકે. મારે એમના વિરુદ્ધ પણ કોઇ એક્શન નથી લેવું. મને માત્ર મારો દીકરો આપી દો. હું એમ પણ નહીં પૂછું કે એ ક્યાં હતો. હું બધી જ ફરિયાદો પાછી ખેંચી લઇશ. જેમણે મારા દીકરાને માર્યો છે એ પણ કોઇ માના દીકરા હશે. હું નથી ઇચ્છતી કે એમની જિંદગી ખરાબ થાય.'

હોસ્ટેલમાં આવ્યે નજીબને હજુ માત્ર દસ-15 દિવસ જ થયા હતા કે આ બનાવ બન્યો. 7મી ઓક્ટોબરે એ પોતાના ઘર બદાયુ આવ્યો હતો. 13મીએ હોસ્ટેલ પરત ફર્યો ને 14એ સંબંધીત ઘટના બની. નજીબ એકદમ શાંત પ્રકૃતિનો ને સીધો સાધો યુવક હોવાનું જણાવી એની મા ઉમેરે છે કે 'દિલ્હીથી લઇને બદાયુ સુધી ચાલ્યા જાવ. મારા દીકરાની કોઇ સાથે દુશ્મની નહોતી. એટલો સીધો દીકરો હતો કે એને કોઇ ગાળો આપે તો પણ એ એને વળતો જવાબ નહોતો આપતો. બસ! એટલું જ  કહેતો કે 'અલ્લાહ ઇન્સાફ કરશે એનો'. બધુ જ અલ્લાહ પર છોડી દેનારો નજીબ કોઇ પર હુમલો ના કરી શકે એવું માનતી ફાતિમા કહે છે કે 'મારો નજીબ  કોઇ પર પણ હાથ ઉઠાવી શકે એમ નથી! ને જો માની લો કે તેનો ઝઘડો પણ થયો તો પણ આવી રીતે કોઇ મારે? પહેલા ત્રણ લોકોએ મળીને માર્યો એને. કડાથી માર્યો એને. ને બાદમાં બીજા 9 છોકરાઓએ મળીને ફરીથી એને માર્યો!' નજીબ પર હુમલો કરનારી ભીડ તેને વોર્ડનના રુમ સુધી ઢસડી ગઇ હતી. જ્યાં તેના પર 8 દિવસ અંદર જ હોસ્ટેલ છોડી દેવા સાથેનું માફીનામું પણ લખાવાયું હતું. નજીબની મા અંગે સવાલ કરે છે કે ' જે લોકોએ એને માર્યો એના વિરુદ્ધ કોઇ જ ફરિયાદ ના કરાઇ. માર પણ મારા દીકરાને પડ્યો. સજા પણ એને જ મળી ને માફી પણ એની પાસે જ લખાવાઇ. કેમ?'
(JNUમાં  ઠેર ઠેર નજીબની ભાળ આપનારને ઇનામ આપવાની જાહેરાત કરતા પોસ્ટર લગાવાયા છે) 

એબીવીપીએ આ મામલે નજીબ વિરુદ્ધ ધાર્મિક ભડકાઉ અને પાકિસ્તાન સંબંધીત સુત્રોચ્ચાર કર્યા હતા. નજીબને પાકિસ્તાન ચાલ્યા જવાનું પણ કહેવાયું હોવાનું ફાતિમા જણાવે છે. જે મામલે  યુનિવર્સિટી પ્રોક્ટર દ્વારા વિક્રાંતસિંહ નામના આરોપીને શો-કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.

( JNUની અદર અને બહાર ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન આ મામલે લડત ચલાવી રહ્યું છે.)
જેએનયુ સ્ટુડન્ટ યુનિયન પ્રેસિડેન્ટ મોહિતકુમારે યુનિવર્સિટી તંત્ર પર આ મામલાને દબાવી દેવાનો આરોપ લગાવ્યો છે. મોહિતે એવું પણ જણાવ્યું કે યુનિ.ના પ્રેસ રિલિઝમાં નજીબને જ દોષીત ઠેરવાયો હતો. જે અંગે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવાતા 'દોષિત' શબ્દ પરત ખેંચવાની તંત્રને ફરજ પડી હતી.

અંકિત, વિક્રાંત, સુનિલપ્રતાપસિંહ, વિજેન્દર ઠાકુર, સંતોષ, અભિજીત, અર્નબ ચક્રવર્તી, અને એ સીવાયના બે લોકોએ નજીબ પર હુમલો કર્યો હોવા છતાં તેમના વિરુદ્ધ કોઇ જ પગલા નથી લેવાયા એવું મોહિત જણાવે છે. મોહિતના મતે આરોપીઓ આજે પણ કેમ્પસમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે ને તંત્ર તેમજ ખુદ દિલ્હી પોલીસ તેને બચાવી રહી છે. નજીબને બચાવવા અંગે એક પણ શબ્દ ના ઉચારનારા વાઇસ ચાન્સેલર નજીબ પર હુમલો કરનારાઓ સાથે બે વખત બેઠક કરી ચૂક્યા છે. મોહિત ઉમેરે છે કે ' પહેલા જેએનયુમાં વૈચારિક લડાઇ લડતું એબીવીપી કેન્દ્રમાં નેતૃત્વ પરિવર્તન થતાની સાથે જ તે મારપીટ  પર ઉતરી આવ્યું  છે.' મોહિતના મતે  એબીવીપીમાં ' હવે અમારુ કોઇ જ કંઇ ના બગાડી શકે'ની માન્યતા આવી ગઇ છે. જેને કારણે એક માથી એનો દીકરો દૂર કરી દેવાયો છે.

આ દરમિયાન હજુ સુધી નજીબ સાથે એની કોઇ જ ભાળ મળી નથી. જેએનયુમાં ડાબેરી વિચારધારાના ગઢના કાંગરા ખેરવવા એબીવીપી દ્વારા કરાઇ રહેલા પ્રહારો અને એને પહોંચી વળવા વામપંથી વિદ્યાર્થી દ્વારા કરાઇ રહેલા પ્રયાસોની લડાઇ વચ્ચે એક માનો દીકરો ગૂમ થઇ ગયો છે. એનું દર્દ કદાચ ટીવી પર બે મિનિટના ન્યૂઝ પેકેજમાં કે ચાર કોલમના આર્ટિકલમાં વ્યકત કરી શકાય એમ નથી. કદાચ એટલા માટે કે એ દર્દ, એ પીડાને જેએનયુના એડમિનિસ્ટ્રેશન, દિલ્હીની પોલીસ અને નીંભર કેન્દ્ર સરકારે હાથ મસળતા-મસળતા શિયાળાની ઠંડી સાથે ઉડાવી  દીધું છે.


***

રાજ્ય અને લોકો વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઇએ. રાજ્ય એ તમારો જ એક ભાગ છે એ બતાવવા એણે સતત અહેસાસ કરાવવાનો રહે છે. જ્યારે બન્ને વચ્ચે આ અહેસાસમાં કમી આવે ત્યારે સ્થિતિ પીડાદાયક બની રહેતી હોય છે.
- રવિશ કુમાર





*અહીં માત્ર પીડિતનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે.
* TIMES INTERNET માટે કરેલી સ્ટોરીમાંથી...


Saturday, 22 October 2016

અબ લગન લગી કી કરીયે

સમય એની ચાલ ચાલી જાય ને સંબંધોમાં અંતર આવતું જાય... નજરો સામે જ રહેતી વ્યક્તિ આંખોમાંથી ઓજલ થવા લાગે.... દિવસો ગુજરવા લાગે... જે વ્યક્તિની ટેવ પડી ગઇ હોય એના વગર રહેવા મને ટેવાઇ જવા લાગે... ડાયલ લિસ્ટમાં જેનું નામ સૌથી ઉપર હોય એ ધીમે ધીમે નીચે જવા લાગે.... ધીમે ધીમે લિસ્ટમાંથી જ હટી જાય ને એ નામ સર્ચ કરવું પડે... ઇનબોક્સના ખાસ મેસેજીસ ડાઉન થતા જાય... એટલા ડાઉન કે શોધવા માટે સ્ક્રોલ ડાઉન કરવું પડે....ને એનાથીય વધુ, અંતરમાં રહેલો ચહેરો યાદોમાં ફેરવાવા લાગે... માણસ જાણે મમી બની રહ્યો હોય એમ, એના પર સમયના લપેટા લાગ્યા કરે અને આંખોમાંથી દૂર ના હટતી વ્યક્તિ 'યાદ' બની તડપાવા લાગે...

સમય... સમય સૌથી મોટો ષડયંત્રકારી છે... એની ચોપાટે માણસો મ્હોરા બને ને સમયને સથવારે ચાલો ચાલે... એની એક ચાલે એ 'સંબંધમાં અંતર' લાવી દે ને 'અંતરના સંબંધ' પણ ભૂલાવી દે. એક ચાલે એ હજારો માઇલોને મિનિટમાં કાપી નાખે ને એક જ ચાલે એ ગમે તેવી ક્લોઝનેસ વચ્ચે કિલોમિટરના અંતર આણી દે. પણ માથાકુટ એ કે માણસ ક્યાં સમજી શકે સમયની આ શરારતો... સમયની આ ચાલો...

... એક લાઇનમાં સમજવું હોય તો સૈયદ કાદરીને યાદ કરવા પડે... કાદરી સા'બ બખુબી કહે છે કે 'અપને હી પૈશ આયેં હમસે અજનબી...વક્ત કી સાજ઼િશ કોઇ સમજ઼ા નહીં...'

વક્તની સાજ઼િશ સામે માનવી મિનિટોમાં મગતરો બની જાય...પોતાનાઓ વચ્ચે પરાયો બની જાય... પારકો બની જાય... પણ, તોય, સમયના શસ્ત્રો હેઠા પડે જ્યારે સંબંધ 'અંતર'માં બંધાયો હોય...અંતરઆત્મામાં રચાયો હોય... સમયની ચોપાટના મહોરા બનેલા માનવીઓના સંબંધો દાવ પર લાગતા હોય છે પણ, સંબંધો પર જ જીવતા માનવીઓ અસ્તિત્વનો અંત આણીને પણ એ સંબંધને સાચવી લેતા હોય છે... બચાવી લેતા હોય છે...

પણ, બને!!! ઘણી વખત એવું બને કે 'અંતર'ના એ સંબંધને સાચવવા માટે, એને સમયના ષડયંત્રથી બચાવવા માટે, એમા 'અંતર' ઉમેરવું પડે... સંબંધ જેટલો નજીકનો હોય, એમા દૂરીઓ પણ એટલી જ ઉભી કરવી પડે... જેનાથી દૂર રહીને જીવવાની કલ્પના પણ શક્ય ના હોય એને જ દૂર રાખીને જીવી લેવું પડે!!! આંખોમાં યાદ ભરી, દિલમાં ઇર્શાદ કામિલના અલ્ફાઝ ભરી ગાઇ લેવું પડે...
ગાઇ લેવું પડે કે,,,

કુછ રિસ્તો કા નમક હી દૂરી હોતા હૈ,
ના મિલના ભી જરુરી હોતા હૈં...

...ને એ ગાતી વખતે બુલ્લે શાહની માફક પગમાં ઘૂંઘરુ બાંધી નાચવું પડે... ખૂદને ભૂલી જઇ નાચવું પડે... મુર્શિદને મનાવવા નાચવું પડે... મારો મુર્શિદ નચાવે એ એમ નાચવું પડે...

અબ લગન લગી કી કરીયે
ના જી સકીયે ના મરીયે
અબ લગન લગી કી કરીયે.

‘ઓર હો...મોમેન્ટ’નો સાક્ષાત્કાર

જિંદગી સાલી ગજબની ગેમ રમતી હોય છે, નહીં! એવા મુકામે તમને લાવતી હોય કે તમારી રગે-રગમાં વંટોળ ઉઠે ને તમારું રોમે-રોમ એ વંટોળને મુઠ્ઠીમાં ભરીને ભીતરમાં જ દાબી દેવા ઉધામા કરે. અંદર આગ ઉઠે બહાર મુશળાધાર વરસાદ પડે. અંદર ખતરનાક ખાલીપો સર્જાય ને બહાર બેદર્દ મહેફીલો મંડાય. દિમાગ હા કહે ને દિલ ના પાડે. દિલ અને દિમાગ વચ્ચેનો જંગ એ આ જ! જહન અને જઝબ્બાત વચ્ચેની જેહાદ એ આ જ! આ એ ક્ષણ હોય જ્યારે માણસ જિંદગીમાં સૌથી વધુ બેબસ હોય, સૌથી વધુ હેલ્પલેસ ફિલ કરતો હોય છે. જિંદગીની સૌથી નાલાયક, નિર્દય, નિષ્ઠુર ક્ષણ એ આ જ! જ્યારે એનો ખુદ પર કોઇ વશ ના હોય ને પરિસ્થિને વશ કરવાની એની ઔકાત ના હોય. શું કરવું એને સૂજતું ના હોય અને જે સૂજતું હોય એ કરી શકતો ના હોય એવી એક ક્ષણ. જિંદગીની સૌથી નાલાયક, નિર્દય, નિષ્ઠુર ક્ષણ એ આ જ! ‘ઔર હો...મોમેન્ટ’ એ આ જ! અત્યાર સુધી સૌથી વધુ વખત સાંભળેલા મોસ્ટ ફેવરિટ મૂવી રોકસ્ટારના સોંગ ‘ઓર હો’નો સાક્ષાત્કાર એ આ જ!.
મેરી બેબસી કાં બયાં હૈં, બસ ચલ રહા ના ઇસ ઘડી
રસ હસરતા કાં નીચોડ દૂં, કસ બાંહો મેં આ તોડ દૂં
ચાહૂં ક્યાં જાનું ના, છીન લૂં, છોડ દૂં
ઇસ લમ્હે ક્યાં કર જાઉં...
ઇસ લમ્હે ક્યાં કર દૂં
જો મુજે ચૈન મિલે આરામ મિલે...
હીરને મેળવી લેવાની-કિસ્મત પાસેથી માગી લેવાની, એને પામી લેવાની-દુનિયા પાસેથી આંચકી લેવાની, એને ઝુંટવી લેવાની-ખુદની કરી લેવાની જોર્ડનની ઇચ્છા ને હીરને છોડી દેવાની-એને ભૂલી જવાની, એના પરાયાપનને સ્વિકારી લઇ-વાસ્તવિક્તા ને અપનાવી લઇ ચાલી નીકળવાની જોર્ડનની જઝ્બાતી જદ્દોજહદ એ આ ક્ષણ. આ જ એ ‘ઓર હો...મોમેન્ટ’
તુજે છીન લું યા છોડ દૂં
તુજે માંગ લું યા મોડ દૂં
ઇસ લમ્હે ક્યાં કર જાઉ....
આ જ એ લમ્હા હોય કે માણસ બીચારો મગતરો બની રહે. કિસ્મત સામે હારી જાય ને જિંદગી એને ડારી જાય. હસરતોના ગૂંચવાડા સર્જાય ને લાગણીઓની આંટીઘૂંટીમાં એ ગુંચાય. એ તાળા મારેલા કમાડ પર ટકોરા માર્યા કરે ને બહેરા કાનો સામે ઉંહકારા ભર્યા કરે. ના કમાડને ખોલનાર કોઇ મળે કે ના એ ઉંહકારાને સાંભળી સાંત્વના કોઇ પાઠવી શકે એવી આ ક્ષણ. આ જ તો એ ‘ઓર હો...મોમેન્ટ’
મૈં હસરત મેં ઇક ઉલજ઼ી ડોર હુઆ, સુલજ઼ા દે હો
મૈં દસ્તક હૂં તૂ બંદ કિવાડો સા, ખુલ જા રે હો...
આવી ક્ષણનો સાક્ષાત્કાર થાય ત્યારે શું થાય? જિંદગી અને મોત વચ્ચે કશ્મકશ પૈદા થાય ત્યારે શું થાય? પાછળ હટવું અશક્ય હોય ને આગળ વધવું મુશ્કેલ હોય ત્યારે શું થાય? દુનિયાદારીને લાત મારીને નાદાર બની જવાની વૃતિ વર્તાય ને એવી નાદારીમાં પાછા દુનિયાદારીના સબક સર્જાય ત્યારે શું થાય??? ત્યારે રોમ-રોમમાં આગ લાગે, અંગ-અંગમાં દાહ જાગે, માંસના લોંચા પીગળવા લાગે ને પથ્થર બનાવી દીધેલું કાળજું ઓગળવા લાગે. પણ અસફોસ... અફસોસ કે કંઇ જ ના થઇ શકે...કંઇ એટલે કંઇ જ ના થઇ શકે...
બસ! કાનમાં ઇર્શાદ કામિલના શબ્દો ગૂંજ્યા કરે...
મેરી બેબસી કાં બયાન હૈં...

Sunday, 5 June 2016

ખામોશ રાત

હાથમાંથી સરી રહી રહેલા સંબંધના અવસાદનો સ્વાદ વોદકામાં આઇસ સાથે મેળવીને ગ્લાસ હલાવી લીધો. આઇસ ક્યૂબ ઓગળવા લાગી અને તમન્નાઓ ઉઠવા લાગી. ઢળી રહેલી સાંજની બોજ઼લ ખામોશીએ અરમાનોનો બોજ વધારી દીધો. કેટલાક સંબંધો હાથમાંથી સરી જવા માટે જ બનતા હશે? ધૂંધળી ક્ષીતિજને પાર ડૂબી રહેલો સૂરજને હું પૂછી બેઠો.ને સરી જવું હોય તો એ સંબંધ બંધાય જ શું કરવા? વોદકાનો એક મોટો ઘૂંટ પેટમાં પડ્યો ને રૂવે રૂવું બોલી ઉઠ્યું, પણ કેમ? કેમ આવું થાય? ઠંડા પવનની લહેરકી ઉઠી ને કાનમાં કહી ગઇ કે એવા સંબંધો પણ હોય કે એની આરી ચાલે ને એના બૂઠા આરા મનના માંસને સહનના થાય એટલી પીડાથી કાપ્યા કરે! ચાલ્યા કરે!

પણ મન તોય એ સંબંધને જકડી રાખવા ધમપછાડા કરે તો? મેં ફરી સવાલ કર્યો પણ આ વખતે ના સૂરજ કંઇ બોલ્યો કે ના પવનની કોઇ લહેર ઉઠી. મનના એ ધમપછાડાને મહોબ્બત કહેવી કે મુર્ખામી? મેં પાછું પૂછ્યું.દરિયાને પેલે પાર સુરજ ડૂબી ગયો અને રાતના અંધકાર સાથે સંદેશો મોકલતો ગયો કે મુર્ખામી વગર મહોબ્બત શક્ય ક્યાં છે?

મેં વોદકાનો વધુ સીપ માર્યો.આસમાનમાં એક તારો ઉગ્યો ને બોલ્યો કે કિસ્મત જેવુ પણ કંઇ હોય યારા!સરકી રહેલો સંબંધ સરકી જ જવાનો.એને પકડી રાખવાનો પ્રયાસ મોજા ખેંચાય એમ હાથમાંથી શરીર આખાની ચામડી ખેંચી કાઢે. સ્નેહના એવા તાંતણાઓ પણ મન ફરતે બંધાયા હોય કે શ્વાસ પણ ના લેવા દે ને છોડવા પણ ના દે. જીવવા પણ ના દે ને મરવા પણ ના દે. થાય! આવું પણ થાય! કરમમાં લખાયું હોય તો આવું પણ થાય! મારી અંદરથી એક ઉંડો નિસાસો નખાઇ ગયો. રાતની કાળાશ વધુ ઘેરી થઇ. મેં વોદકાનો ગ્લાસ ખાલી કરી નાખ્યો ને બીજો નિસાસો ઉઠે એ પહેલા જ એને એમા ડૂબાડી દીધો.

તમને હતા ના હતા કરી દે એને મહોબ્બત કહેવી કે મોક્ષ?મારાથી પુછી લેવાયું.ફરી પછ્યું. ફરી ફરીને પૂછ્યું પણ કોઇએ એટલે કોઇએ જવાબ ના આવ્યો...વધુ એક ખામોશ રાત ખીલી ઉઠી. મેં

મોબાઇલમાં મ્યુઝિક પ્લેયર ઓપન કર્યું અને ગ઼ુલામ અલી ગાઇ ઉઠ્યા.....

તો ક્યા યે તય હૈ કિ અબ ઉમ્ર ભર નહીં મિલના

તો ફિર યે ઉભ્ર ભી ક્યો, તુમ સે ગર નહીં મિલના


(તસવીરઃ રવિ પરમાર)

Sunday, 31 January 2016

મારો સરવાળો...તારો સરવાળો..

વન ઓફ માય ફેવરિટ ફિલ્મ ‘ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર’માં એક અદભૂત ડાયલોગ આવે છે, ‘ધી વર્લ્ડ ઈઝ નોટ અ વિશ ગ્રાન્ટિંગ ફેક્ટરી.’ વિશ્વ એ કંઈ વરદાનની ખાણ નથી કે તમે માગો એ બધુય મળી જાય. ઈચ્છો એ બધુય હાજર થઈ જાય. જે સપના જુઓ એ બધાય સાકાર સાકાર થઈ જાય, હકીકતમાં ફેરવાઈ જાય. અહીં તો તમારી ઈચ્છાઓ એમને એમ પડી રહે. સપનાઓ સળગીને રાખ થઈ જાય તોય કોઈ ભાવેય ના પૂછે. કારણ કે આ જ તો દુનિયા છે! દુનિયાની આ જ તો નિયતિ છે! એનો અફસોસ શો? ને અફસોસ કરવો તોય કેટલો કરવો? કેટલી કેટલી વાર કરવો? જે કિસ્મતની લકીરોમાં નથી લખાયેલું એને મેળવવા કંઈ ચાકુથી હથેળીઓ પર રેખાઓ થોડી કોતરી શકાય? થવાનું તો એ જ છે જે પહેલાથી લખાયેલું છે! થઈ તો એ જ રહ્યું છે જે પહેલાથી લખાયેલું હતું! એફિલ ટાવર પરથી કુદી જાવ કે મરીના બીચ પર ડૂબી જાવ, લેખમાં મેખ કોણ મારવાનો? હું કે તું, બસ નિયતિની ચોપાટની ચળકાટ વધારનારા પ્યાદા માત્ર! ના તો આપણે ચાલ ચાલી શકીએ કે ના તો આપણે રમત અધુરી છોડીને ઉભા થઈ શકીએ. નસીબે નક્કી કરેલી રમત રમતા જઈએ. જન્મીએ, મોટા થઈએ, પ્રેમમાં પડીએ, વિખુટા પડી જઈએ, મરી જઈએ. મને બહુ ગમતી ‘કાઈટ્સ્’ ફિલ્મના કોન્સેપ્ટની જેમ જ તો!

આકાશમાં ઉડતી બે પતંગોને લાગતું હોય કે એની ઉડાણમાં આકાશ આખું સમાઈ જશે, મપાઈ જશે. પણ હકીકત તો કંઈક અલગ જ હોય! આસ્માંમાં આંખમીચામણી કરતી એ પતંગોની દોર તો કોઈ બીજાના હાથમાં હોય! એ ઈચ્છે એટલી ઢીલ આપે ને એની મરજી પડે ત્યારે ખેંચ મુકે. એકબીજાના પેચમાંથી ક્યારે અલગ ના થવાનું વિચારી ઉડ્યા કરતી પંગતોના પેચ ક્યારે છૂટી જાય, ક્યારે કપાઈ જાય કોને ખબર? ક્યારે એની ઈચ્છાઓ અધુરી રહી જાય? સપનાઓ ક્યારે સળગીને રાખ થઈ જાય કોને ખબર? ખબર તો બસ માત્ર એટલી જ કે જે મળ્યું એને બાંહોમાં ભરી લેવાનું. બથ ભરીને ભીંસી નાખવાનું. થોડું હસી લેવાનું ને છાતી ફાડી રડી લેવાનું

...પણ,,, પણ,,, પણ,,,જે ના મળ્યું એનું??? જે પાછળ છૂટી ગયું એનું??? એનું શું??? ઓ યારા! એનો ખાલિપો જ તો જિંદગીનો જશ્ન હશેને! એ ખલિશ, એ ખલા જ તો કોઈ વગર ગુજારી કાઢેલા દિવસોને જિંદગીનું નામ આપશેને! એનું જ તો સેલિબ્રેશન હશેને જિંદગીની શામનું! દરિયાને પાર જિંદગીની માફક ડૂબતો સુરજ જોતા જોતા, કાંપતા હાથે વ્હિસ્કીનો ઘૂંટ ભરતા ભરતા, બૂઢ્ઢી આંખોએ જવાનીની રવાની યાદ કરતા કરતા જે ડૂસકુ ભરાઈ જાય કે હાસ્ય રેલાય જાય એ જ તો હશે જિંદગીનો હિસાબ! મારો સરવાળો...તારો સરવાળો...મારી બાદબાકી...તારી બાદબાકી....

તારો ભરી એક રાત મેં
તેરે ખત પઢેંગે સાથ મેં
કોરા જો પન્ના રેહ ગયા
એક કાંપતે સે હાથ મેં
થોડી શિકાયત કરના તું
થોડી શિકાયત મેં કરું
નારાઝ બસ ના હોના તું
ઝિંદગી...


(ફેસબૂક પર લખેલી પોસ્ટ... બસ યું હી...  )

Tuesday, 16 June 2015

ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર્ઝ: જો તું મેરા હમદર્દ હૈ, સુહાના હર દર્દ હૈ...





જિંદગી કુત્તી કમિની ચીજ છે. એનો સ્પેલિંગ Lથી નહીં Cથી શરૂ થવો જોઈએ. એ જેટલું આપે છે એનાથી હજારગણું લુંટી લે છે. એણે પસંદ કરેલા પાત્રોની પથારી ફેરવવા એ કંઈ બાકી નથી રાખતી. એનામાં કંઈ બાકી રહેવાય નથી દેતી. પણ તોય, તોય સાલીને સલામ કરવી ઘટે. એનાં દર્દને દિલ દઈ દેવું ઘટે. દિલે લગાડવું ઘટે. એની બેરૂખીનેય બથ ભરવી ઘટે, ને એની બેવફાઈને પણ બોસા કરવી ઘટે. કારણ???

...કારણ કે રૂંવે રૂંવે દઝાડતી એની દાસ્તાનોમાં ક્યાંક મીઠી વિરડીય ફૂટે છે. પ્રેમની પરબેય બંધાય છે. એના પિંઢારીપણાને એટલા માટે માફ કરી દેવું પડે કે એ દર્દ આપે છે તો હમદર્દ પણ આપે છે. આંસુ આપે છે તો લૂંછનારેય આપે છે. પણ...

... પણ તોય એના પેલા પસંદ કરેલા પાત્રો પ્યાસા જ રહે તો? બધુંય પામીને પણ અધૂરા રહે તો? 'પુરે સે ઝરા કમ' રહે તો? તો ફોલ્ટ કોનો, જિંદગીનો? એણે પસંદ કરેલા પાત્રો નો? કે દૂર 'આસ્માં મેં કહીં' ટમટમતા એમના સ્ટાર્ઝનો? હા, ફોલ્ટ એમનો, સ્ટાર્ઝનો. ફોલ્ટ એમના સ્ટાર્ઝનો...


***

હેઝલ ગ્રેસ લેન્કાસ્ટર. જિંદગી શરૂ થયા પહેલાં જ આથમવાના એંધાણે અભડાવેલી કિશોરી.ચારેય બાજુ જિંદગીના જંગલ વચ્ચે થાઈરોડ કેન્સરને કારણે સુકાઈ રહેલી અમેરિકન ટિનેજર. ઘર અને હોસ્પિટલ એ જ એની જિંદગી. દિવસ આખો બોરિંગ ટીવી શોઝ જોવા અને દિવસમાં ત્રણ વખત 8 પ્રિસ્ક્રિપ્શન ડ્રગના ડોઝ લેવા. વારંવાર એકની એક બૂક વાંચ્યા કરવી અને વિચાર્યા કરવું. મૃત્યુ અંગે વિચાર્યા કરવું. એ જીવતી નથી જીવવાની વેઠ ઉતારે છે. જિંદગી એને ઢસડતી હોય એમ એ ઓક્સિજનની કેન્યુલા ટેન્કને ઢસડ્યા કરે છે. સૂરજ ઉગે છે. બારી બહાર દુનિયા આળસ મરડીને ઉભી થાય છે. પંખીઓ ચહેકવા લાગે છે. રાત પડે છે. આસ્માનમાં સિતારા ટમટમવા લાગે છે. પણ એની જિંદગીમાં કંઈ ફેર પડતો નથી.
    
હેઝલની જિંદગી જીવતી નથી, વિતાવે છે. એની લાઈફમાં એવું કંઈ જ નથી કે જેને જીવ્યું કહી શકાય. એના પેરેન્ટ્સને લાગે છે કે હેઝલ ડિપ્રેશનનથી પીડાય છે. પણ, ના એ ડિપ્રેશનથી નહીં 'જિંદગી'થી પીડાય છે. એમને છે કે હેઝલનું ડિપ્રેશન એ કેન્સરની સાઈડ ઈફેક્ટ છે. પણ હેઝલ એને કેન્સરની નહીં, મૃત્યુની આડઅસર માને છે. હેઝલ મરી રહી છે અને એને એ ખબર છે. મરવાની બીકે એનું જીવવાનું છૂટતું જાય છે. હેઝલની જિંદગીનાં શાંત પડી ગયા પાણીમાં લહેર ઉઠે અને એકલી અટુલી રહેવાને બદલે કેટલાંક મિત્રો બનાવે એવું ઈચ્છતા પોતાના પેરેન્ટ્સની ઈચ્છાને વશ થઈને એ કેન્સર પેશન્ટ્સના સપોર્ટ ગૃપમાં એન્ટર થાય છે. એ બોરિંગ સપોર્ટ ગ્રુપ જ એની જિંદગીનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. અહીં જ એની મુલાકાત કુત્તી કમિની જિંદગીની બીજી બાજુ સાથે થાય છે. મોહબ્બત સાથે થાય છે. જીવનભર દર્દથી નવાઝનારી જિંદગી હેઝલની મુલાકાત તેના હમદર્દ સાથે કરાવે છે. અહીં હેઝલ ઓગ્સ્ટસને મળે છે.

મિલ હી જાયેંગા કભી દિલ કો યકીન રહેતા હૈ,
વો ઈસી શહર કી ગલીયો મેં કહીં રહેતા હૈ.
-અહમદ મુસ્તાક

ઓગ્સ્ટસ વોટર્સ. બોન કેન્સરને કારણે પોતાનો એક પગ ગુમાવી દેનારો ટીનએજ ટેમ્પ્ટેશન. ઓગ્સ્ટસની જિંદગી પણ કેન્સરનો ભોગ બની છે. પણ આ બંદો નોખી માટીનો છે. એ જિંદગી જીવવાનું જાણે છે. કેન્સર સાથે પણ અને એની સાઈડ ઈફેક્કટ સાથે પણ. એ મિત્રો બનાવે છે. વીડિયો ગેમ્સ રમે છે. ડ્રાઈવિંગ ટેસ્ટમાં ચાર વખત ફેઈલ થયા બાદ પણ ગાડી ચલાવે છે. પોતાના ખાસ મિત્ર આઈઝેકને એની ગર્લફ્રેન્ડ ડીચ કરે તો એની કાર પર ઈંડા ફેકવા એ આઈઝેકને ઉશ્કેરે છે. એ સિગારેટ પીવે છે પણ એને સળગાવતો નથી. ખાલી દાંત વચ્ચે રાખે છે. જીવલેણ સિગારેટને દાંત વચ્ચે દબાવી દેવાનો આનંદ ઉઠાવે છે. એનો આ જ મેટાફોર એની જ઼િંદાદિલીની દાસ્તાન રજૂ કરે છે.  if you feel the rainbow, you have to deal with rain એ ગસની ફિલોસોફી છે.

મેરે રુકને સે મેરી સાંસે ભી રૂક જાયેંગી,
ફાંસલે ઔર બઢા દો કે મેં ઝિંદા હું અભી.
-સુદર્શન ફકિર

ઓગ્સ્ટસ અને હેઝલ પર મિત્રતાની દેવી કૃપા વરસાવે છે. બન્ને વચ્ચે દોસ્તી બંધાય છે. હેઝલ ગઝને પોતાની ફેવરીટ બૂક 'એન ઈમ્પેરિયલ એફ્લિક્શન' વાંચવા આપે છે. આ પુસ્તક એક કેન્સર પીડિત છોકરીની દાસ્તાન છે અને એટલે જ હેઝલને એ પોતિકી લાગે છે. હેઝલ માટે ઓગ્સ્ટસ બૂક વાંચે છે. એ જ સુરજ ફરી ઉગે છે. બારી બહારની એ જ દુનિયા આળસ મરડીને ઉભી થાય છે. પંખીઓ પહેલા જેવા જ ચહેકવા લાગે છે. રાત પડે છે. આસ્માનમાં એ જ સિતારા ટમટમવા લાગે છે. પણ, હવે હેઝલની જિંદગીમાં લહેર ઉઠે છે. હેઝલનું ધ્યાન વારેઘડીએ ફોન પર જાય છે. એના કાન ફોનની બિપ સાંભળવા સણસણવા લાગ્યા છે. એને ગસનો અવાજ સાંભળવો છે. એની આંખોને ગસનો મેસેજ વાંચવો છે. પ્રેમમાં પડવાની સૌથી સરળ આ નિશાનીઓ. તમારા અસ્તિત્વ પર કોઈ છવાવા લાગે. 24 કલાકમાં 25 કલાક એના વિચારોમાં જ વીતે. ગઝ હેઝલની હસ્તી પર હાવી થવા લાગે છે. હેઝલ પોતાની હાલત ભૂલવા લાગે છે. એ ગઝને ચાહવા લાગે છે.

રફ્તા રફ્તા વોહ મેરી હસ્તી કા સામાન હો ગયે,
પહલે જા, ફિર જાન-એ-જાન, ફિર જાન-એ-જાના હો ગયે.
-તસલીમ ફાઝિલ

આ દરમિયાન અચાનક અંત આણી દેતી જિંદગીની જેમ હેઝલે આપેલી બૂકનો એન્ડ પણ અચાનક જ આવી જાય છે. ગઝને આ વાત અકળાવે છે અને હેઝલને મુંઝવે છે. એમ્સ્ટર્ડમમાં નિરાશ્રિત જીવન જીવતા બૂકના મિસ્ટિરિયસ લેખક વેન હાઉટેનનો ગઝ કોન્ટકેક કરે છે. રહસ્ય પરથી પડદો ખાનગીમાં જ ઉઠાવવાની શરત રાખ્યા બાદ ગઝ અને હેઝલ એમ્સટર્ડમ જવાનું નક્કી કરે છે. પણ ફોરેન વિઝિટ માટે પૈસા ક્યાં? જેટલા પૈસા હતા એ તો લાન્કાસ્ટર દંપત્તિએ હેઝલની ટ્રીટમેન્ટ પાછળ ખર્ચી નાખ્યા. હેઝલને લાગે છે કે એની એના ફેવરિટ લેખકને મળવાની વિશ ક્યારેય પૂરી નહીં થઈ શકે. કોઝ વર્લ્ડ ઈઝ નોટ વિશ ગ્રાન્ટિંગ ફેક્ટરી. વિશ્વ વિશ ગ્રાન્ટિંગ ફેક્ટરી નથી પણ હેઝલ જેના માટે વિશ્વ હતી એ તો છે જ ને. ગસનો હેઝલ પ્રત્યેનો પ્રેમ એમ્સટર્ડમની ટિકિટના સ્વરૂપે ઉભરાય છે.

હેઝલ, ઓગ્સ્ટસ, અને હેઝલની મોમ, ત્રણ દિવસ માટે એમ્સ્ટર્ડમ જાય છે. પણ અહીં વેનને મળવાનો ઉત્સાહ બૂમરેગ સાબિત થાય છે. પિયક્કડ, સનકી લેખક ટીનએજ કપલ સાથે તોછડાઈ કરે છે, અપમાન કરે છે. પણ હીરા માટે વખણાતું યુરોપનું આ શહેર બન્નેના દિલ ઝગમગાવી દે છે. અહીં બન્ને એકબીજામાં ઓગળી જાય છે. દોઢ બે દાયકા સુધી જિંદગીએ આપેલા દર્દ, ઝખ્મોનું સાટું એક ત્રણ દિવસની એમ્સ્ટર્ડમ ટૂરમાં એક સામટું વળી જાય છે.

બઝ્મ એ ખયાલ મે તેરે હુશ્ન કી શમા જલ ગઈ,
દર્દ કા ચાંદ બુજ ગયા, હિજ્ર કી રાત ઢલ ગઈ.
-ફૈઝ અહમેદ ફૈઝ

બન્નેની જિંદગીએ હજુ કરવટ બદલી જ હોય કે ફરીથી તેમના સ્ટાર્ઝ પોતાની ઔકાત બતાવી દે છે. ગઝ પર કેન્સરનો ફરી અટેક થાય છે. ગઝની તબિયત લથડતા લાગે છે. ગઝને સમજાઈ જાય છે કે બસ, હવે કારવાં આગળ નહીં વધે. એ હેઝલ અને આઈઝેકને પોતાની પ્રિફ્યુનરલ યુલજીમાં માટે બોલાવે છે. બસ એના આઠ દિવસ બાદ ગઝ ચાલ્યો જાય છે.

જબ તબિયત કિસી પર આતી હૈ,
મોત કે દિન કરિબ હોતે હૈ.
-નૂહ નારવી


ગઝ ચાલ્યો ગયો પણ એનો પ્રેમ ચાલ્યો ગયો? ના, એનો પ્રેમ હંમેશા હેઝલ સાથે રહેવાનો. ગઝના ફ્યુનરલમાં પેલો ખડુશ લેખક વેન આવે છે અને હેઝલ માટે ગઝે લખેલી યુલજી આપીજાય છે. ગઝે હેઝલ માટે પોતાના મોત પહેલા વેન પાસે લખાવેલો પ્રેમ સંદેશ.

****

પ્રેમ કેટલો મળે એ મહત્વનું નથી. પ્રેમ મળે છે કે નહીં મહત્વનું એ છે. ગઝ અને હેઝલનો પ્રેમ ત્રણ દિવસ કે આઠ દિવસ કે એક મહિનો કે કેટલાંક મહિના પૂરતો જ ભલે હોય, પણ પ્રેમ એ પ્રેમ છે. એ પૈસાની થેલી નથી કે એમાંથી સિક્કા કાઢીને ગણી શકાય. એ લાગણીનો સંમદર છે. દરિયા એ જઝબાત છે. એમા ડૂબવાનું હોય એની ઘનતા માપવાની ના હોય. એના દરેક સ્વરૂપને સામી છાતીએ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. જેમ ગઝ કહે છે કે ઓહ, આઈ વૂ઼ડન્ટ માઈન્ડ હેઝલ ગ્રેસ, ઈટ વૂડ બી અ પ્રિવિલેજ ટુ માય હાર્ટ બ્રોકન બાય યુ. એને દિવાના બનીને અપનાવાનો હોય, એક શું બીજું દિલ હોત તો એ પણ આપી દેત. તને તોડવા માટે. એવા દિવાનાપન સાથે.

ગઝ માટે મિનિંગફુલ લાઈફનો મતલબ હતો કે લોકો એને યાદ કરે. પણ મહત્વનું શું? તમારા ગયા બાદ લોકો તમને યાદ કરે એ કે તમારા ગયા બાદ પણ કોઈ એક તમને પ્રેમ કરે એ? હેઝલે ગઝની લાઈફ મિનિંગફુલ બનાવી દીધી. એટલા માટે નહીં કે ગઝના મૃત્યુ બાદ એણે તેની યાદ જીવતી રાખી. પણ એટલા માટે કે ગઝનું મૃત્યુ પણ હેઝલના દિલમાં એનો પ્રેમ ઘટાડી ના શક્યું. હા, ગઝ હેઝલને છોડીને ચાલ્યો ગયો. એની અંદરથી કંઈક છીનવી ગયો. કંઈક તોડી ગયો. કેન્સરની પીડાને હંમેશા દસમાંથી નવ નંબર આપનારી હેઝલે પોતાનો દસ નંબર બચાવી રાખ્યો હતો. પોતાના પ્રેમીનું મૃત્યુ એના માટે દસમો નંબર હતું. જિંદગીના ધોમધખતા તાપમાં બે ઘડી હેતના છાંયડે બેસીને વિસામો મળ્યો, ના મળ્યો કે એ છાંયડોય છીનવાઈ ગયો. પૂર્ણતાને આરે આવીને એક પ્રેમ અધૂરો રહી ગયો. પૂરે સે ઝરા કમ રહી ગયો... આસ્માનવાલો સદકે તુમ્હારે...

****

થોડા સમય પહેલા જોન ગ્રીનની ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર નોવેલ આવી હતી. ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર્ઝ. બૂક વાંચવાની ભારે ઈચ્છા હતી પણ બંદાના સ્ટાર્ઝમાં બૂક વાંચ્યા પહેલા એના પરથી બનેલી ફિલ્મ જોવાનું લખ્યું હશે. ફિલ્મમાં વિશુદ્ધ પ્રેમનું તત્વ ઝીલાયું છે. એ હસાવે છે, રડાવે છે. એમા દુઃખ છે, દર્દ છે. પ્રેમ છે. પીડા છે. અને એનાથી વધુ અધૂરપ છે. આસ્માનના સિતારાઓએ સર્જેલી અધૂરપ. એના વાંકે વસુધા પર વેઠતા પાત્રોની અધૂરપ ને એ અધૂરપના આયનામાં ડોકાયા કરતી ફરિયાદ. ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર્ઝ... વન ઓફ માય ફેવરીટ મૂવિઝ...


એવરીબડી શૂડ હેવ ટ્રુ લવ, એન્ડ ઈટ શૂડ લાસ્ટ એટ લીસ્ટ એઝ લોંગ એઝ યોર લાઈફ ડઝ
- ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર્ઝમાંથી


The Fault in Our Stars
Directed by: Josh Boone
Starring: Shailene Woodley (Hazel Grace Lancaster), Ansel Elgort (Augustus Waters)

*(આ ના તો ફિલ્મ રિવ્યૂ છે કે ના તો સિનેમેટોગ્રાફીની સમજ. અહીં વાત માત્ર પ્રેમની છે. સિનેમામાં
ઝીલાયેલા સ્નેહની દાસ્તાન. મારી કેટલીક મનપસંદ લવસ્ટોરીઝની દાસ્તાન)

Thursday, 22 May 2014

ઉનાળોઃ રૂએ રૂએ રોમાંચનો અનુભવાતો ઉકળાટ

ગ્રીષ્મને આતે હી,
ચુરા લીએ
હમારે સારે કવચ...

એક લંબે અંતરાલ તક
હમ ઘીરે રહે ઈક
ગહરી, શ્વેત ખામોશી મે...

આહે ગુંથતી ગઈ
કભી ચોટિયો મેં
કભી જહાજ કે પાલો મેં!

જો સમંદર પર
લાતી હૈ હવાએ
વો જુદા નહીં હોતી હમ સે

એક નિગાહ કે અલાવા
હર કુછ અનંત હરિયાલી મેં

-માર્ગુસ લતિક

  
ઉત્તર યુરોપમાં પરીઓની કહાનીમાં હોય એવો એક ખૂબસુરત દેશ આવ્યો છે, ઈસ્ટોનિયા. આજ દેશના કવિ માર્ગુસ લતિકની ગ્રીષ્મ પર લખાયેલી કવિતાનો ઉપરોક્ત હિંદી અનુવાદ છે. ગ્રીષ્મ પર લખાયેલી કેટલીક શ્રેષ્ઠ કવિતાઓમાં જેને સ્થાન આપવું ઘટે એવી આ કવિતા સમય, સંજોગ અને સમસ્યા એમ ક્યાંય પણ ભારત સાથે મેળ ના ખાય એવા દેશની ગ્રીષ્મનું ઈસ્ટોનિયન વર્ઝન છે. ઈસ્ટોનિયન બેકગ્રાઉન્ડને લીધે એમા વિષાદ છે, વિલાપ છે. વલવલાટ છે. પણ, એ યુરોપની વાત છે. આપણી વાત અલગ છે. ગ્રીષ્મ ભારતમાં આવતાની સાથે જ  રોમાંચક બની જાય છે. રોમેન્ટિક બની જાય છે. રસપ્રદ બને છે રંગદાર બને છે. કોઈ અફઝલ આશિકની જેમ જ. એને અંગ લગાડતા દાઝી જવાય. એની નજીક જતાં ઓગળી જવાય. એની આંખોમાં આંખો મિલાવતા અંજાઈ જવાય ને તોય ખુદની ફનાગીરી વહોરીને પણ એને આંલિગવો પડે એવો આ ઉનાળો. ગાલિબને યાદ કરીએ તો આગનો દરિયો એટલે આ ઉનાળો. એને અનુભવવા માટે એમા ડૂબવું પડે. ડૂબીને પાર થવું પડે.

શિયાળો જેટલો સેક્સી, ઉનાળો એટલો જ એક્સાઈટેડ છે. ઉનાળાનો કણ કણ ઉત્તેજક છે, એની ક્ષણ ક્ષણ ઉત્તેજનાત્મક છે. પરસેવે ભીના થયેલા વિજાતિય પાત્રના હાથમાં હાથ નાખીને અનુભવાતો આલ્હાદક અનુભવ એટલે ઉનાળો. લાલ ટમેટા જેવા થઈ ગયેલા ગૌર ચહેરા પર બાઝેલા પરસેવાના બિંદુએ સર્જેલું મેઘધનુષ એટલે ઉનાળો. ભીની ભીની પાંપણોએ વધારી દીધેલી આંખોની 'કુમળાશ' એટલે ઉનાળો. નાક અને ગાલની ગહેરાઈ વચ્ચેની ટપકતી ખારાશને પ્રિયાના હોઠના જામમાં ભરી પીવાનો 'પાવન અવસર' એટલે ઉનાળો. ગૌરવર્ણા ગળેથી દોડીને ને બે સ્તન વચ્ચેની ખીણમાં ખૂદી પડતો શરમનો શેરડો એટલે ઉનાળો. ને એ જ મખમલી છાતી પર અનુભવાતો 'ભીનો ઉકળાટ' એટલે ઉનાળો.


સંસ્કૃત સાહિત્યમાં ઉનાળાનું એવું ઉતેજનાત્મક વર્ણન કરાયું છે કે આજનો સુસંસ્કૃત સમાજનો પરસેવો છૂટી જાય. ભર્તૃહરિ 'શૃંગારશતક'માં ઉનાળાની ગ્રીષ્મનું વર્ણન કરતાં કહે છે કે

अच्छाच्छचन्दनरसार्द्रतरा मृगाक्ष्यो
धारागृहाणि कुसुमानि च कौमुदी च ।
मन्दो मरुत्सुमनस: शुचि हम्‌र्यपृष्ठं
ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥

અર્થાત સ્વચ્છ તથા ચંદનના હળવા લેપથી ભીની ભીની થઈ ગયેલી મૃગનયનીઓ, ફૂવારા ધરાવતા ભવનો, ફૂલો અને ચાંદની, મંદ મદ વાતો વાયરો, વેલીઓ અને અગાસી. આ બધું ઉનાળામાં મદને અને મદન એટલે કે કામને ઉદ્દદિપક કરનારું બની રહે છે. ઉનાળાને આટલો એક્સાઈટેડ ગણાવ્યા બાદ પણ ન અટકતા ભર્તુહરી ઉનાળાના આગોશમાં સમાઈ જતા લખે છે કે


स्त्रजो ह्यद्यामोदा: व्यजनपवनश्चन्द्रकिरणा:
पराग: कासारो मलयरज: शीधु विशदम्‌: ।
शुचि: सौधोत्सड्ग: प्रतनु वसनं पंक्जदृशो
निदाधर्तावेतद्‌विलसति लभन्ते सुकृतिन: ॥

મતલબ કે મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ, વિંઝળાથી ફેંકાતો પવન, ચંદ્રના કિરણો, ફૂલોની પરાગરજ, જળાશયો, મદ્ય ને મહેલોનો સ્વચ્છ એકલો ઓરડો, અહીં સાવ ઓછા વસ્ત્રો ધારણ કરીને બેઠેલી કમલનયની સુંદરીઓ, ઉનાળાની ઋતુમાં ભાગ્યશાળી હોય તેમને જ આ સુખ પ્રાપ્ત થાય છે.



***


બ્લોગરબોયની આ ફેવરિટ ઋતુ સાથે નાઈન્સાફી થઈ છે. બહુત નાઈન્સાફી. આગ ઓકતો સૂર્ય, લુણો લગાડી દે એવી લુ, રૂએ રૂએ દાઝ દેતાં વાયરાઓ ને આવા જ વર્ણનો સાથે ઉનાળાને આપણે ત્યાં વધાવવામાં આવ્યો છે. જાણે ઉનાળાનું નહીં પણ ઈન્ડોનેશિયાના કોઈ જ્વાળામુખીની વાત કરાતી હોય. ગુજરાતી સાહિત્યકારોએ પણ ઉનાળાને અત્યાચારી ગણાવામાં કંઈ બાકી નથી રાખ્યું. અમુક અપવાદો બાદ કરતા 'બળબળતી બપોર' કે 'જોગી જટાળા'માંથી એ ભાગ્યે જ બહાર નીકળી શક્યા છે. બાકી, શિયાળા અને ચોમાસાની જેમ ઉનાળો પણ 'મ્હાણવા'ની ઋતુ છે. અનુભવવાની ઋતુ છે.

ધાબા પરથી ઉતરી આવેલી 'રોમાંચક રાત' સીડી વાટે ઉતરી ક્યારે સવારના શરણે થઈ જાય એનો ઉનાળામાં ખ્યાલ જ ના રહે. સામાન્ય રીતે ઉનાળાને આળસ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. પણ આળસુના પીરોય ઉનાળામાં સવાર સવારમાં ન્હાતા જોવા મળે ને એમા કોઈ નવાઈ પણ ના અનુભવાય. 'પિગળાવી' નાખતી બપોર એ ઉનાળાનું સૌથી 'હાર્ડકાર' ફોર્મ છે. પણ એ જ હાર્ડકોર ફોર્મમાં અજાણી હકીકત છુપાયેલી પડી છે. ઉનાળાની બપોરે ઉંચા ચડી ગયેલા નીલા આકાશને જોયું છે ક્યારેય? જાણે જીવ અને શિવનું મિલન થતું હોય એવું કોઈ ગુઢ રહસ્ય આ સમયે જ ઉજાગર થતું અનુભવાય છે. કદાચ આને જ અદ્વૈત કહેવાય છે!

બપોર એ ઉનાળાનું હાર્ડકોર રૂપ છે તો એનું સોફ્ટ સૌંદર્ય ખીલે છે સાંજે. ચોમાસા અને શિયાળા એમ બેયને આંટીને ફુલ માર્ક લઈ જાય એવી સાંજ એટલે ઉનાળાની સાંજ. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુમાં ઉનાળાની સાંજ સૌથી રોમેન્ટિક. અફકોર્સ, શિયાળામાં તો સાંજ જેવું કશું હોતું જ નથી. કાઠિયાવાડીમાં કહીએ તે રોંઢો થાયને સીધા જ અંધકારના ઓળા ઉતરવા લાગે એટલે શિયાળાની સાંજ પુરી. પણ, ઉનાળાની વાત અલગ. એનો વિલાસ અલગ. આખો દિવસ હિજ્રની હાલાકી ભોગવીને વિસાલ-એ-યારની ઘડી આવી હોય એમ ઉનાળાની 'હુંફાળી સાંજ' તમને આગોશમાં લેવા માટે બાહો પ્રસારતી દૂર ધુંધળી ક્ષિતીજને પાર ઉભી રહે. 'કહી દૂર જબ દિન ઢલ જાય...'

ઉનાળાની સાંજનો 'લુત્ફ' ઉઠાવવો હોય તો દરિયા કિનારે દોડી જવું. 'નર્મલી' રેતી પર બેઠા બેઠા પ્રિયપાત્રના ખોળામાં માથું મુકીને દૂર દરિયાઈ ક્ષિતીજને પાર ડૂબતા સૂર્યને નીહાળ્યા કરવો. કદાચ આને જ સ્વર્ગીય અનુભવ કહેવાતો હશે! 'ગર્મી કી શામ' હોય કે 'એક સાંજની મુલાકાત' ઉનાળાની આ જ સાંજ કવિઓની કલ્પનાઓમાં અને લેખકોની વાર્તાઓમાં ખીલી છે, સર્જી ઉઠી છે. ઉનાળાની તો રાતેય કેવી? ધાબા પર વાતો ઠંડો વાયરો ને ચારેય બાજુ ફેલાયેલી ચાંદની. આંખો સાથે આંખ મિચામણી કરતા તારલાઓ એ ઉનાળાની જ દેન છે ને! ઉનાળાની ચાંદની જોઈને મહેબૂબાને ચાંદનીની ઉપમા અપાઈ હશે! કદાચ એ જ ચાંદનીમાં 'કોઈ'ને 'કોઈ' સૌથી વધુ યાદ આવતું હશે! ઉનાળાની રાતે હાંસલ થતો આ લ્હાવો તો 'એન્ટેલિયા'ના નસીબમાંય નહીં હોય.

ને આ જ ઉનાળાના સૌથી મોટા આશીર્વાદ એટલે...? ઉનાળાની ટૂંકી રાતો... એકલતાનો અભિશાપ ભોગવનારાઓને માટે તો આ એક જ રાહત હોય છે, કે રાત વહેલી પુરી થઈ જાય. ને તોય કાનમાં ગુંજ્યા કરે 'દિન ઢલ જાયે હાયે રાત ન જાય...તું તો ના આયે તેરી યાદ સતાય '

(તસવીર: સાભારઃ ઈન્ટરનેટ, સંસ્કૃત શ્લોક અનુવાદઃ 'વાંચનયાત્રા'માંથી પ્રેરિત)

Friday, 21 March 2014

ખુશવંતસિંહની ખુદાહાફિઝઃ અબ કે હમ બિછડે તો કિતાબો મેં મિલે...



ફોટો સૌ. ઈન્ટરનેટ

એ 1934નું વર્ષ હતું. દિલ્હીમાં ઉનાળુ વેકેશન પતાવી મારે ઈંગ્લેન્ડમાં અભ્યાસ માટે પરત ફરવાનું હતું. ફ્રન્ટીયર મેલમાં હું દિલ્હીથી બોમ્બે પહોંચ્યો. રાત બોમ્બેના વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન પર વિતાવવી પડે એમ હતું. મને થયું કે લાવ જરાક  આજુ-બાજુ થોડી લટાર મારી લઉં. ચાલતો ચાલતો હું બોમ્બેના રેડલાઈટ એરિયા, કમાઠીપુરા સુધી પહોંચી ગયો. 

સાંકડી ગલીઓમાં સ્ત્રીઓ મને ઈશારાઓ કરી રહી હતી, આમંત્રણ આપી રહી હતી. મારાથી અનાયાસે એકને જવાબ આપી દેવાયો 'કઈ તરફ'? એણે એના ઓરડા સુધી પહોંચતી સીડી તરફ ઈશારો કર્યો. હું પહોંચી ગયો. કેરોસીનના દિવાના અજવાળે કાળો પડી ગયેલો એ ઓરડો બદબુ મારતો હતો. બળબળ થઈ રહેલા દિવાના પ્રકાશે મેં જોયું તો ઓરડામાં એક છોકરો પણ બેઠો હતો. પેલી સ્ત્રી મારી પાસે આવી. એ જાડી હતી. આધેડ હતી. એણે સલવાર-કમીઝ પહેર્યા હતાં. આવકારનો એક પણ શબ્દો બોલ્યા વગર એણે પંજાબીમાં કહ્યું કે 'દસ રૂપિયા લાગશે'. મેં ખીસ્સામાંથી દસ રૂપિયાની નોટ બહાર કાઢી ને તેને ધરી દીધી. એ સાથે જ એણે મકાનમાલિકને પાંચ રૂપિયા આપવા માટે પેલા છોકરાને કહ્યું. એ ઉઠ્યો ને એ એણે કમાડ અંદરથી વાંખી દીધા. હું નવશીખીયો લાગતો હોઈશ. એને ખબર પડી ગઈ કે મારો પ્રથમ અનુભવ છે. એણે તરત જ સલવાર-કમીઝ ઉતારી નાખ્યા ને નાવણીમાં જઈ પાણીનો લોટો ભરી એની જાંઘ વચ્ચેની જગ્યા સાફ કરી. એ બાદ એણે બાજુમાં પડેલા ગંદા કપડાથી પાણીવાળો ભાગ લૂંછ્યો ને તરત જ ઓરડામાં પડેલા ખાટલા પર સુઈ ગઈ. પોતાના બન્ને પગ ઉંચા કરી ઘુંટણો છાતી પર ટેકવતા બોલી 'આવ'. મને નહોતી ખબર કે ક્યાંથી 'પ્રવેશવું'? મેં મારો પાયજામો ઉતારી નાખ્યો ને...

આટલું વાંચીને જ જો નાકના ટેરવા ચડી ગયા હોય, લાગણી દુભાવતા વાયરસનો એટેક થયો હોય કે સંસ્કારી સુરાતન સામે આવી ધુણવા લાગ્યું હોય તો વ્હાલાઓ આગળ વાંચતા પહેલા અહીંથી જ અટકી જજો. કારણ કે ઉપરોક્ત શબ્દો આડંબરોને ખાસડેં ખાસડેં વધાવનારા ખુશવંતસિંહના છેં. સરદાર ખુશવંતસિંહના. 

* * *

કલમમાં શાહી નહીં તેજાબ ભરીને લખનારા લેખક તરીકે પ્રથમ પરિચય ગુજરાતી સાહિત્યના સદાબહાર સુપરસ્ટાર ચંદ્રકાન્ત બક્ષીનો થયો. જ્યારે જ્યારે બક્ષીને વાંચતો, પોરબંદર ને રાજકોટ બેય લૂંટાવી દેતો. પણ જ્યારે ખુશવોના પરિચયમાં આવ્યો તો લાગ્યું કે બક્ષી તો કલમમાં તેજાબ ભરીને લખતા, મારો બેટો આ માણસ તો એની કલમમાં અણુબોમ્બ ભરે છે. સોરી ભરતો હતો. એ હવે નથી રહ્યો. ચાલી નિકળ્યો. 'કૃશ' થઈ ગયેલા શરીરમાં 'કૃષ' જેવા ઉફાણા મારતા સવાલોના જવાબ શોધવા! મૃત્યુ બાદ લોકો ક્યાં જતા હશે? ક્યાં રહેતા હશે? કોણ બનતા હશે?  વિચારતા વિચારતા એને એટલી તો ઉતાવળ થઈ ગઈ હશે કે નર્વસ 99નો ભોગ બનવાનું પણ એણે સ્વિકારી લીધું? પણ હવે એ ક્રિકેટ નહોતો જોતો ને, કદાચ એટલે એને સદી પુરી કરવાનો મોહ નહીં રહ્યો હોય! પણ એના દિલોજાન વાંચકોનું શું? એનાથી ખુશવોનો મોહ છૂટશે? નહીં. ક્યારેય નહીં. 

એને વાંચી વાંચી બે પેઢી ઇન્ટિલેક્ટ્યૂઅલ બની. સેક્યુલર બની. શરારતી બની. જેવો એ હતો એવા જ એણે વાંચકો પેદા કર્યા. પણ એના જેવો બીજો કોઈ પેદા ના થયો. થશે પણ નહીં. એવો લેખક પણ નહીં ને એવો પત્રકાર પણ નહીં. માણસ તો એવો ક્યારેય પણ નહીં. એની સારાપના જેટલા કિસ્સાઓ છે એનાથી વધારે કિસ્સાઓ એની સચ્ચાઈના. એ કિસ્સાઓથી કિતાબો ભરી પડી છે. કિતાબો સાથે  એવું ફેટલ અટ્રેકશન થઈ ગયું કે એણે પોતાનું જીવન જ ખુલ્લી કિતાબ બનાવી દીધું. મન પડે એ આવી ને વાંચી જાય. ના એકેય પાનું કોરું ના એકેય પાનું કાંપેલું. 

સચ્ચાઈ અને નિખાલસતા. સરદારની કલમની બે ધાર. આ બેય ધાર સાથે સરદારાએ ધારદાર લખ્યું. ખુબ લખ્યું. સત્યને નિચોવીને ને નિખાલસતાથી તરબોળ કરતા લખ્યું. માને દારુ પીવાને લાગેલી લત હોય કે પત્નીને અલગ આદમીની પડેલી આદત હોય, સત્ય લખવામાં ચુકે એ સરદાર નહીં. સરદારા નહીં. ને કદાચ એટલે એમની જીવનકિતાબ 'ટ્રુથ, લવ એન્ડ અ લિટલ મેલિસ' ને બાપુની આત્મકથા બાદ ભારતમાં લખાયેલો સચ્ચાઈનો સૌથી આધારભૂત દસ્તાવેજ ગણવો પડે. સરદારે પોતાના ફર્સ્ટ લવથી લઈને ફર્સ્ટ લસ્ટ સુધી, લાહોરથી લઈને દિલ્હી સુધી, જિન્નાહથી લઈને અડવાણી સુધી અને સાંપ્રદાયિક્તાથી લઈને બિનસાંપ્રદાયિક્તા સુધી દરેક બાબતને કાગળ પર સત્યના દસ્તાવેજીકરણ તરીકે પ્રસ્તૃત કરી દીધી. 
* * *
મોર્ડન સ્કૂલમાં સાથે ભણતા ખુશવંત અને કવલ હિંદી ફિલ્મોની જેમ લંડનમાં ફરી મળે છે. સરદારાને પ્રેમ થઈ જાય છે. ‘દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે’ની જેમ બન્ને ટ્રેનમાં બકિંઘમશાયર જાય છે. ટ્રેનમાં જ ખુશવો કવલને પ્રપોઝ કરે છે ને બન્નેના ઘડીયા લગ્ન લેવાઈ જાય છે. પીડબલ્યુડીના ચીફ એન્જીનિયરની પુત્રી અને દિલ્હીના સૌથી મોટા બિલ્ડરના પુત્રના લગ્નમાં મહમ્મદ અલી જિન્નાહ જેવા મહાનુભાવો હાજર રહે છે. સરળતાથી બધુ પતી ગયું હોય એવું લાગે તો ભલે લાગે પણ આ બધી સરળતામાં સંકુલતા સર્જાય છે જ્યારે પતિ-પત્ની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય છે. કવલના જીવનમાં બીજો પુરૂષ આવે છે. એ સંબંધ બે દાયકા સુધી ચાલે છે. આ બે દાયકામાં સરદારના દિલમાં હમેંશા કશુંક તૂંટતુ રહે છે. કશુંક કણસતું રહે છે. પણ એ એક શબ્દ બોલતા નથી. બસ અંદર અંદર ગુંગળાયા કરે છે. સરદારના શબ્દોમાં કહીએ તો એ ઈમોશનલી દેવાળું ફૂંકી દે છે. કદાચ એટલા માટે કે કવને તેઓ ખુબ પ્રેમ કરતા હતાં. કદાચ એટલા માટે કવલ તેમનો પ્રથમ પ્રેમ નહોતો. 

* * *

ગ઼ેયૂરુન્નિસા... સરદાર ખુશવંતસિંહનો પ્રથમ પ્રેમ. એ હૈદરાબાદી મુસ્લિમ યુવતી દિલ્હીમાં હોમ સાયન્સનો અભ્યાસ કરતી. એ વખતે સતરેક વર્ષના ખુશવંતસિંહની બહેનની એ બહેનપણી. ખુશવો અને ઘયૂર સાથે ફરતા. સિનેમા જોવા જોતા. એ સંબંધમાં જીસ્માની જીજ્ઞાસા કરતા પ્લેટોનિક પ્રેમનું તત્વ વધારે હતું. પણ બન્ને પ્રેમીજનોનું એક થવું કદાચ કુદરતને મંજૂર નહોતું. અભ્યાસ માટે સરદાર લંડન ઉડ્યાને પાછળથી ઘયૂરે નિકાહ પઢી લીધા. એ બાદ છેક ત્રીસ વર્ષે બન્ને પ્રેમીઓનું દિલ્હીમાં પુનઃમિલન થયું. પણ હવે પરિસ્થિતી બદલાઈ ગઈ હતીં. બન્ને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતાં. મસ્ત હતાં. જોકે, એમના દિલના કોઈ અંધારા ખુણે હજુ પણ એકબીજાનું અસ્તિત્વ દબાયેલું પડ્યું હતું. પડ્યું રહેવાનું હતું. સરદાર કહે છે કે 'એ બાદ અમારો સંપર્ક કાયમી ચાલું રહ્યો. હું જ્યારે પણ હૈદરાબાદ જતો એને મળતો.' 

છેલ્લે જ્યારે ખુશવંતસિંહ ગ઼ેયૂરુન્નિસા મળે છે ત્યારે એ બહુ જ એકલી લાગે છે. બહુ જ ઉદાસ. એ મુલાકાત બાદ સરદારાને સમચાર મળે છે કે ગ઼ેયૂરે દુનિયાને અલવિદા કહી દીધી. સમાચાર સાંભળતા જ સરદાર હૈદરાબાદ પહોંચે છે. એની કબર પર બેસી રહે છે. એક વૃદ્ધ પ્રેમિ પોતાની મૃત પ્રેમિકાને આખરી અલવિદા કરે છે. સાચા પ્રેમમાં ખુદનું અસ્તિત્વ ઓળગી જાય છે. સામેનું પાત્ર, એને સલગ્ન બધી જ વસ્તુમાં પોતાનાપણું અનુભવાય છે. એના મિત્રોમાં, એના માતાપિતામાં, એના ભાઈ-ભાંડરડામાં, એના સમાજમાં એના ઘર્મમાં પણ. ગ઼ેયૂરુન્નિસા સાથેનો પ્રેમ સરદારને મુસ્લિમ ધર્મ નજીક લઈ આવ્યો. એ ચાલી ગઈ પણ ખુશવંતસિંહને મુસ્લિમ સમાજ પ્રત્યે કાયમી લગાવ બંધાઈ ગયો.

ધર્મની ઓળખાણ ખુશવંતસિંહ માટે ધીમી ધીમે અદ્રશ્ય થતી ગઈ. પણ દેશમાં હિંદુ-મુસ્લીમ વચ્ચે વઘતી જતી ફાંટની  ચિંતા એમને કોરી ખાતી. દેશમાં 'દક્ષિણપંથી સંગંઠનો’નો વધી રહેલો પ્રભાવ સરદારને હમેંશા અકળાવી મુકતો. 'એબ્સોલ્યુટ ખુશવંત'માં એ જણાવે છે કે ‘'રાઈટ વિંગ ફાસિઝમે આપણા આંગણામાં પગપેસારો કરી લીધો છે. પણ આપણે હરફ સુદ્ધા ઉચાર્યો નથી. એમને પસંદ ના પડે એવા પુસ્તકો સળગાવી રહ્યાં છે. તેમની વિરુદ્ધમાં લખતા પત્રકારોને મારી રહ્યાં છે. તેઓને મંજૂર ના હોય એવી ફિલ્મો પર હુમલાઓ કરી રહ્યાં છે. દેશના આગવા ચિત્રકારના ચિત્રો ફાડી રહ્યાં છે. ઈતિહાસનું મન પડે એવું અર્થઘટન કરી રહ્યાં છે. તેમના બોલે ન બોલનારાઓને તેઓ ગાળો ભાંડી રહ્યાં છે. પણ એમને જવાબ આપવામાં આપણે નિષ્ફળ નિવડ્યા છે. એનું કારણ કે, ના તો આપણે ક્યારેય એક રહ્યા છીએ કે ના એ વાતની ખબર છે કે દેશને એમના હાથમાં સોંપીને કેટલું મોટું જોખમ ખેડી રહ્યાં છીએ.'

સાંપ્રદાયિક્તાએ દેશને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનું ખુશવંતસિંહને લાગતું ને એ માટે તેઓ સૌથી વધારે જવાબદાર લાલકૃષ્ણ અડવાણીને ગણતા. અડવાણી મુદ્દે ખુશવંત લખે છે કે 'હું જ્યારે અડવાણીને પ્રથમ વખત મળ્યો ત્યારે મને એનામા સચ્ચાઈ અને પ્રામાણિક્તા દેખાઈ હતી. મને એમા સ્પષ્ટ વિચારક અને સશક્ત વક્તાના દર્શન થતા હતાં. મારા પિતાના મૃત્યુ વખતે એ શોક દર્શાવવા આવેલા. હું પણ ક્યારેક ક્યારેક એમના ઘરે જઈ ચડતો. ત્યાં સહજત્તા અનુભવતો. પણ અડવાણીએ જ્યારે રથયાત્રા યોજી ત્યારે મારો મોહભંગ થઈ ગયો. એ માણસ બે કૌમ વચ્ચે નફરતનાં બીજ રોપી રહ્યો હતો. દેશના આત્માને તોડી રહ્યો હતો. ભાગલા વખતે જોયેલી સાંપ્રદાયિક નફરત અને પાગલપણાને તેના સમર્થકો ફરીથી ચિંગારી ચાંપી રહ્યાં હતાં. તે એ માણસ છે જેમણે આ દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. હું માનું છું કે એણે આ દેશનો સમગ્ર નકશો જ બદલી નાખ્યો છે. બાબરી મસ્જિદ ધ્વશ એ એક ભયાનક ઘટના હતી જે બાદ આપણે ક્યારેય ઝંપી નથી શક્યાં. આ દેશના સાંપ્રદાયિક સૌહાર્દના વિખંડન માટે હું તેને જવાબદાર માનું છું.'

ફોટો સૌ. ઈન્ટરનેટ
એક જાહેર કાર્યક્રમમાં ખુશવંતસિંહે અડવાણીને સરાજાહેર અને મોઢેમોઢ સંભળાવી દીધું હતું કે એણે આ દેશમાં નફરતના બીજ રોપ્યા છે. જેની કિંમત આપણે બધા ચુકવી રહ્યાં છીએ. સરદારના સેક્યુલરિઝમમાં નહેરુવાદી સેક્યુલરિઝમનું પ્રતિબિંબ ઝળક્તું. નહેરુ મુદ્દે ખુશવંતસિંહને સૌથી વધુ સ્પર્શતી વાત હોય તો એ હતી દેશના પ્રથમ વડાપ્રધાનની બિનસાંપ્રદાયિક્તા. નહેરુ અંગે ખુશવંતે લખ્યું છે કે તેઓ દેશના બધા વડાપ્રધાનોમાં રોલમોડેલ બનવા જોઈતા. નેહરુ ધાર્મિક, જાતિગત પૂર્વાગ્રહોથી પર હતા ને સ્પષ્ટ માનતા હતા કે ભારતીય સમાજમાં ધર્મએ ખુબ જ નકારાત્મક ભૂમિકા ભજવી છે. ભારતીય લોકશાહીના પાયામાં નહેરુની દૂરદ્રષ્ટ્રીને જશ આપતા ખુશવો નહેરુને 'ફાધર ઓફ ઈન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રસી' ગણાવે છે. જોકે, ખુશવંતસિંહ નહેરુ આંધળા ભક્ત નહોતા. દરેક માણસ ભૂલ કરે છે ને નેહરુ પણ એમા અપવાદ નથી એવું એ કહેતા. ભાગલા મુદ્દે, વડાપ્રધાન પદ મુદ્દે, કાશ્મીર મુદ્દે નેહરુએ કરેલી ભૂલો ખુશવંતસિંહને યાદ હતી ને એટલે જ દેશના શ્રેષ્ઠ વડાપ્રધાનની એમની યાદીમાં નહેરુ કરતા મનમોહનસિંહને તેઓ વધારે માર્ક આપતા. બન્ને વડાપ્રધાનોની સરખામણી કરતા તેઓ લખે છે કે નેહરૂમાં વિઝન અને કરિશમા હતો. પણ તેમની માનવીય ભૂલો પણ એટલી જ હતીં. તેઓ હમેંશા અમેરિકાથી અળગા ને અને સોવિયેતને સલંગ્ન રહ્યાં હતાં. તેઓ ગુસ્સે પણ જલદી ભરાઈ જતા ને પોતાના મનગમતા માણસો માટે પક્ષપાત પણ ધરાવતા. જ્યારે ડૉ. મનમોહનસિંહ આ મામલે કોઈ પણ જાતના પૃર્વગ્રહરહિત છે. તેમના પર સગાવાદનો આોરોપ પણ મુકી શકાય એમ નથી. 

* * *

ખુશવંતસિંહ ખુદાના બંદા હતા ને એટલે જ સાંપ્રદિક્તા પ્રત્યે હમેંશા જ એમની કલમે આગ ઓકી હતી. હિંદુ રેડીકલ હોય, મુસ્લિમ જમાતો હોય કે ખાલિસ્તાની આતંક હોય, સરદાર ખુશવંતસિંહે ફન્ડૂશ (ફન્ડામેન્ટલિસ્ટો માટે ખુશ્વોના 'હાસ્યાસ્પદ'  શબ્દ)ના અણુબોમ્બ તૈયાર જ હોય. જોકે, એજ કલમે સેક્સ મુદ્દે હમેંશા શરારત કરી. અમુક જડસું અને મુરખ મહારાજોએ તેમને નિશાન બનાવ્યા. પણ એ અટકી નહીં. ભારત સરકાર વતી કામ કરતી વખતે પણ નહીં, હિંદુસ્તાન ટાઈમસ કે ઈલસ્ટ્રેટેડ વિકલી વખતે પણ નહીં. ફન્ડૂશો તરફથી તેમને ધમકી મળતી રહી. કલમ વધુ ને વધુ તેજ થતી રહી. તેમને પોલીસ પ્રોટેક્શન પણ પુરુ પડાયું પણ કલમનું તેજાબી પણું એ જ રહ્યું. અંત સુધી. મૃત્યું સુધી. ને મૃત્યુનો તો એ ઈન્તઝાર કરતા હતા... ગુલઝારના શબ્દોમાં કહીએ તો... 

मौत तू एक कविता है
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको
डूबती नब्ज़ों में जब दर्द को नींद आने लगे
ज़र्द सा चेहरा लिये जब चांद उफक तक पहुँचे
 दिन अभी पानी में हो, रात किनारे के करीब
ना अंधेरा ना उजाला हो, ना अभी रात ना दिन
जिस्म जब ख़त्म हो और रूह को जब साँस आऐ
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको

* * *

Here lies one who spared neither man nor God 
Waste not your teares on him, he was a sod 
Writing nasty things he regarded as great fun 
Thank the Lord he is dead, this son of a gun 

પોતાના સમાધી લેખ માટે ખુશવોએ તૈયાર કરેલી પંક્તિઓ