Friday 10 February 2017

'મર્યા બાદ પણ ના મરે એ મોહબ્બત???'


સાત-આઠ વર્ષના એ છોકરાને એના નાનાએ ખાદીનો 'ધોળા બાસ્તા' જેવો નવો નકોર ઝભ્ભો લાવી આપ્યો છે. એના નાના પહેરે તદ્દન એવો જ ઝભ્ભો મળ્યાનો બાળકનો હરખ સમાતો નથી. નહાઇને એણે તદ્દન નાનાની માફક જ 'પાથી વગરના ઉભા' વાળ ઓળવ્યા છે અને એ નવો ઝભ્ભો પહેર્યો છે. ઝભ્ભા પર વારે ઘડીએ હાથ ફેરવતો ફેરવતો એ ઘરની બહાર જવાં હજુ દોટ લગાવવાનો જ હતો કે એને અટકાવાય છે. શરત રખાય છે કે નવો ઝભ્ભો પહેરવો હોય તો ઘરની બહાર જવાને બદલે નાનાની બાજુમાં જ બેસીને ટીવી પર આવી રહેલી ફિલ્મ જોવી. છોકરા માટે ઘરમાં એક જ જગ્યાએ બેસી રહેવું કાઠું કામ છે પણ એ કાઠાં કામનું ઇનામ મોટું છે. ઝભ્ભા માટે એણે ઘરની બહારના 'ઘર'માં પગ મુકવાનું માંડી વાળ્યું ને એ નાનાની બાજુમાં જઇને બેસી ગયો.

''કીની ફિલમ સે?'' 'અમિતાબચન' ને જ ઓળખતા અને એ સિવાય 'ધમ્મા'ની જ 'ફિલ્મુ' જોતા એ ટબૂડાએ પૂછ્યુ.
'શિવાજી બીડી'ના ધૂણી રહેલા ધૂમાડાને પેલે પાર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પર ચાલી રહેલી ગુજરાતી ફીચર ફિલ્મને આ પાર આરામ ખુરસી પર બેઠાં-બેઠાં જોઇ રહેલા ગુજરાતી ફિલ્મોના શોખીન જીવડાએ જવાબ આપ્યો.''વીર માંગડા વાળાની''
'ઇ કૂન?' બાળકે ફરી પૂછ્યું
'વીર માંગડા વાળો. ઇ તા ભૂત હતો. ઇની પદમા હાટુ ભૂત થય ને ભટકતો'તો'
'તી પણ ઇ ભૂત કીમ થ્યો?' ભૂતનું નામ સાંભળીને એને ડર તો લાગ્યો પણ એના માસુમ મનમાં પેદા થયેલો પ્રશ્ન એ રોકી ના શક્યો.
'ઇને દુસમનોએ મારી નાઇખો. પણ ઇને પદમા હારે લગન કરવા'તા ઇ ના થ્યાં તી ઇ ભૂત બય્નો'
કોઇને મારી નાખવું કે મરી જવું જવું એની તો છોકરાને જાજી ખબરું ક્યાંથી હોય પણ એને એટલી જાણ તો ચોક્કસથી થઇ ગઇ કે માંગડાવાળો પદમા માટે ભૂત થયો.

બહાર રમવા જવાનો હરખ હેઠો મેલી, નવા ઝભ્ભા પર વારેઘડીએ હાથ ફેરવતાં-ફેરવતાં એણે એ ફિલ્મ પુરી કરી... જીવતે જીવ અધુરા રહી ગયેલા પ્રેમને પુરો કરવા પ્રેત બનતા માંગડાની ફિલ્મ...

***

ભાણવડ જાનમાં આવેલા કેટલાક જૂવાનીયાઓ 'ઠીઠીયોઠી' કરતાં આગળ વધી રહ્યાં છે. એ જૂવાનીયા ભેગો એક દસ-બાર વર્ષનો છોકરડો છે. એના મામા ભેગો એ પણ જાનમાં આવ્યો છે. મારગના 'કાંકરાઓને' ઠેબે ચડાવતા ચડાવતા એ એના મામાને પૂછી બેસે છે, 'ક્યા જાયેસ આપણે?'

'ભૂતવડલે... માંગડા પાહેં'
'હેં?' માંગડાનું નામ સાંભળતા જ પદમાનો પ્રેત થઇ ગયેલો પ્રેમી ઉપેન્દ્ર ત્રિવેદીનાં રુપે એની આંખોની રીલમાં દોડવા લાગે છે. ભૂતનું નામ સાંભળીને ડર લાગવાને બદલે એને રોમાન્ચ અનુભવાય છે અને એક ઘેઘુર વડલા તરફ એના મામાએ ચીંધેલી આંગળી તરફ એ દોડી જાય છે. 'ભૂતવડલે' પહોંચતા જ ટળવળ થતીએ નાની આંખો સ્થિર થઇ જાય છે. શાંત થઇ જાય છે. એ વડલામાં કદાચ એને કોઇ ખેંચાણ અનુભવાય છે. એના મામા અને એના ભાઇબંધો બધા આજુબાજુ આંટા મારવા લાગે છે. 'પાણાં-ટેકરા' શોધીને બેઠક જમાવે છે પણ એ નાનકડો છોકરો ચૂપચાપ વિશાળ વડલા નીચે ઉભાં રહીને એને જાયો કરે છે. વડવાઇઓમાં એ હાથ પરોવે છે, જાણે 'માંગડાવાળા' સાથે હાથ મિલાવતો હોય એમ! આ વડલામાં રહેતા પદમાના પ્રેમીના પ્રેતની વાત કરતી ફિલ્મ એને યાદ આવી જાય છે ને 'માંગડાવાળો હજુય આ વડલામાં રહે છે' એવું એના મામાનાં મોઢે એને સંભળાય છે.

મરી જવું એ શું એની હવે એને ખબર પડે છે અને એટલે જ એને સવાલ થાય છે કે 'મર્યા બાદ પણ કંઇ જીવતું રહી જતું હશે?

***

બોર્ડની ભારે ભરખમ પરીક્ષા આપીને હવે એ સાવ હળવોફૂલ થઇ ગયો છે. એની હમઉમ્ર જ્યાં રહે છે એની શેરીઓમાં સાયકલ ચલાવી ચલાવીને એ થાકે એટલે એની મહેબૂબ જેવી ચોપાટીએ એ દોડ્યો આવે છે, એના દિલદાર દરિયાને મળવા. પોરબંદરના દરિયા સાથે એક દિવસ આવી જ દિલ્લગી કર્યા બાદ એ સાયકલનું 'હેન્ડલ' દરિયા કિનારે આવેલી સ્ટેટ લાઇબ્રેરી તરફ ફેરવી દે છે. વિક્ટોરિયન યુગનો અણસાર આપતા એ આલિશાન મકાનમાં એના હાથ એક 'મહાન પુસ્તક' લાગે છે. 'મહાન મેઘાણી' એ લખેલું 'સૌરાષ્ટ્રની રસધાર'. પુસ્તકના પાનાં ઉલટતાં ઉલટતાં એના હાથ અટકી જાય છે. એના ચહેરા પરના ખીલની રાતાશ વધુ રાતી થઇ જાય છે અને મૂંછનો ફૂટેલો દોરો વધુ પહોળો થઇ જાય છે. દરિયાની ખારાશથી ખારા થઇ ગયેલા હોઠ પર સતત જીભ ફેરવતા ફેરવતા ને સમંદરના ઠંડા હેમ જેવા પવનની પલટન વચ્ચે એ 'ભૂત રુએ ભેંકાર' પુરી કરે છે. એનું દિલ ભરાઇ આવે છે. આંખો સામેથી 'પદમા પદમા' કરતો માંગડો હટતો નથી.
ફરી એને એ જ પ્રશ્ન થાય છે, 'મર્યા બાદ પણ કંઇક મરતું નહી હોય?'

***

કોલેજની એની મામુલી ખીસાખર્ચી બચાવીને એ ફિલ્મ જોવા દોડી જાય છે. એના ભાઇબંધને એ ફિલ્મ બોરિંગ લાગે છે પણ એને એને ભારે રોમાંચક. 'એક ભૂત એક જીવતી-જાગતી ઔરતના પ્રેમમાં પડે છે અને એના પતિનું રુપ ધારણ કરીને એની સાથે રહેવા લાગે.' એના રુએ રુએ રોમાંચ જાગે છે અને એના ભાઇબંધના મોઢાની ગાળો સાંભળે છે. '@#@# આવી જ ફિલ્મું ગમે તને. ને ખબર ની આ સાહરુખનેય કાવ થ્યું કે આવી ભૂતિયા ફિમલ કરી!' એનો દોસ્ત 'પહેલી'ને હજુય મણ-મણની 'પધરાવી રહ્યો' છે પણ એના કાનમાં તો બસ વિજયદાન દેથાના પ્રેત બનેલા હીરોએ લાચ્છીને કહેલી વાત જ ગૂંજી રહી છે, '... સાંસ લેના દૂભર હો જાતા હમારા... દમ ઘૂંટ જાતા હમારા...' મરેલી વ્યક્તિના માઢે કહેવાયેલી શ્વાસ લેવાની ને દમ ગૂંગળાઇ જવાની વાત...
'પ્રેમના પ્રેત'ની એ વાત ફરી એને પૂછી લે છે 'મર્યા બાદ પણ જે મરતું નહીં હોય એ શું હશે?'

***

'દિલ્લી'માં રખડવું એનો 'બેસ્ટ ટાઇમ પાસ' છે. એ નવરો પડે એટલે 'દિલ્લી' ખૂંદી વળે. ને એક દિવસ આવી જ રીતે 'દિલ્લી' ખૂંદતા-ખુંદતા એ તૂર્કમાન ગેટ પાસ પહોંચી જાય છે. અહીં એના પગ એને એ જગ્યાએ દોરી જાય છે જ્યાં સાવ ખસ્તાહાલમાં 'મલ્લકા-એ-હિંદ' પોઢી છે. દાઢીમાં હાથ ફેરવતો ફેરવતો એ ચૂપચાપ એને જોઇ રહે છે. ખંડેરો એને ગમે છે અને ઇતહાસ એને આકર્ષે છે. પણ રઝિયા સુલતાનની કબ્રને જોતા જ એક અજીબ ઉદાસી એને ફરી વળે છે. એ ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળે છે.

નજીકમાં આવેલી લારી પાસે એ ઉભો રહી જાય છે ને એક કોફીનો ઓર્ડર આપે છે. બાજુમાં ઉભેલો ને રઝિયા સુલતાનની કબ્ર કરતા પણ વધુ ખસ્તા જણાતો એક 'ચચ્ચા' એની સાથે એ વાતોએ વળગે છે...

ને એ બુઝુર્ગ બોલી ઉઠે છે,,,

'મીયાં! ચાંદની રાત કો રઝિયા ઔર ઉસકે આશિક યાકુત કો યહાં ઘૂમતે કીતને લોગોને દેખા હૈ!'

એ બુઝુર્ગની વાત સાથે જ ફરી એના દિલો-દિમાગમાં 'માંગડો', 'ભૂત રૂએ ભેંકાર' અને 'પ્રેમ' ડોકાઇ જાય છે. ને ડોકાતા સાથે જ ફરીથી એ જ સવાલ પણ કરી જાય છે...

'મોત મહોબ્બતને નહીં મારી શકતું હોય?'

***

એ ટ્રેલર જુએ છે... ફરી ફરી ને જુએ... ટ્રેલર રોમાંચ જગાવી રહ્યું છે... કંઇક યાદ અપાવી રહ્યું છે... ભૂત બનીને ભમતી ને બલાની ખુબસુરત દેખાતી અનુષ્કા આંખોમાંથી હટતી નથી. ને જેટલી વખતે એ દેખાય છે, એટલી વખત એ ભૂતને પૂછાયેલો પ્રશ્ન ગૂંજાય છે.

'કોઇ આપકા કામ થા જો આપકા પુરા નહીં હુઆ?'

ને જવાબ અપાય છે 'શાયદ'

3 મિનિટના ટ્રેલરમાં ત્રણ અક્ષરનો શબ્દ 'શાયદ'...

'શાયદ' ઘણું કહી જાય છે...

'મર્યા બાદ પણ ના મરે એ મોહબ્બત???'