Monday 19 August 2013

ઓહ! વતનઃ મેંડા કિબલા વી તું, મેંડા કાબા વી તું.


લગતા નહીં હૈ દિલ મેરા ઉજ઼ડે દયાર મેં,
કિસ કી બની હૈ આલમ-એ-નાપાયેદાર મેં.
                       -બહાદુરશાહ ઝફર

        સાંજનાં સાડા છ વાગવા આવ્યા હશે. દૂર ધૂંધળી ક્ષીતિજને પાર દિવસઆખો દુનિયાની ડ્યુટી કરી થાકીને લોથપોથ થઈ ગયેલો સૂર્ય અરબી સાગરમાં ડૂબકી લગાવી પોતાનો થાક ઉતારવાં ઉતાવળ કરી રહ્યો હતો. મોબાઈલ ફોનની સ્ક્રિન પર ઘરેથી આવેલાં ત્રણ કોલ્સ મિસ્ડ થઈને પડ્યાં હતાં. ને ઘર તરફ ઉપડતાં પગને દરિયાની મોજ બેડીઓ બનીને જકડી રહી હતી. જાણે કહેતી હોય કે ન જાઓ સૈંયા, છૂડાકે બૈંયા, કસમ તુમ્હારી મેં રો પડુંગી..

        પણ, એ રડે એ પહેલા રુદિયાનાં રૂવે રૂવે સમાઈ ગયેલી ખારાશ આંસુનો અરબી સંમદર બની ઘુઘવવાં લાગી હતી. હાથમાંથી સરી રહેલી દરિયાની રેતની જેમ સમય વહી રહ્યો હતો. ને વતન છોડવાનો અલાર્મ વગાડી રહ્યો હતો. વતનને અલવિદા કહેવાનો વખત આવી ચુક્યો હતો,
દિલથી દૂર જવાનો વખત આવી ગયો હતો. પહેલી પ્રેમિકાની વિદાય લેવાનો વખત આવી ગયો હતો...એ ન થી હમારી કિસ્મત કિ વિસાલ-એ-યાર હોતા...

        આજેય યાદ છે એ ઘડી, એ પલ, એ ક્ષણ. જ્યારે હૈદરાબાદ જવાનાં લખાયેલા લેખ હકીકત બની રહ્યાં હતાં. આઠ વાગ્યાની ટ્રેન હતી ને પોરબંદરને અલવિદા કહેવાની ઘડીઓ ગણાઈ રહી હતી. હું ગુડબાય કિસ કરવા દોડી આવ્યો દરિયા કિનારે, દિલનાં કિનારે, ચોપાટીએ, મારા પોરબંદરને...
બાબુલ મોરા નૈહર છુટો જાય...

                                                                                *

        લોકો બે ઘડી જોઈ રહ્યાં. કોઈને કુતુહલ થયું તો કોઈને વળી હસવું આવી ગયું. બે પ્રેમીઓ મળે એટલે જગ ભડકે બળે. જગ જાય જહન્નમમાં. અહીંયા પરવા કોને
! હું તો બસ એની માટીની મહેકથી દિલનાં ઘાવ ભરી રહ્યો હતો. ટ્રેન પરથી ઉતર્યો તો એની ધરતીએ આગોશમાં લઈ લીધો. એવી બથ ભરી, એવી બથ ભરી કે ભિંસી નાખ્યો. વિરહની વેદના જેટલી સહી હોય એટલું જ મિલન મધુરું બને. આલિંગન આવેગમય બને. જાણે એક-બીજાને એકબીજામાં ઓગાળી નાખવાં હોય એમ… કસ બાહો મેં આ તોડ દું. ને એ આવેગની રેતીલી ખારાશ મારા હોંઠો પર ચોટી ગઈ... હૈદરાબાદ ગયાં બાદનું એ પુનઃમિલન.. હજુ મહિનાઓ જ દૂર રહ્યો હતો પણ જાણે એક જુગ વિતાવી દીધો હોય એવું મિલન.

ઓહ... પોરબંદર
!!!

        રગોમાં લોહી બનીને વહેતી એની ખારાશ...પરસેવે પરસેવે ભળી ગયેલી એની સુકાયેલી માછલીની સુવાસ... એની રેતીનાં કણે કણે ધબકતાં ધબકારા ને લહેરે લહેર આંખોમાં ઉઠતાં સંતારા. એની ખારીપટ્ટ માટીની મિઠાશ ને એની પથ્થરીલી ભૂમિની ભિનાશ... ખાડીમાં ડુબકી લગાવી ઉગતી હજારો વર્ષો જૂની એની સવાર ને દરિયામાં ડૂબી જતી સદીઓ જૂની એની સાંજ. યુગો યુગોથી ઉભેલો બરડો ને એથીય જૂનો અસ્માવતીનો ભરડો. શું નથી પોરબંદર?... કુન ફાયા કુન....
                                                                             *                                                                                      
સટ્ટ્ટ્ટાક...

        ગાલ પર પાંચેય આંગળીઓએ ભરતકામ કરી દીધું. એ કારીગરીનું દર્દ આંખમાંથી આસું બનીને દડદડ વહેવા લાગ્યું. એ ઈનામ હતું પહેલાં પ્રેમનું. એનાથી દૂર રહેવાના ફરમાનનનો અનાદકર કરવાનું. એનામાં ઓળઘોળ થઈ જવાનું. એનામાં,,, ખાડીમાં. વારંવાર ના પાડવા છતાં ખાડી ખુંદવા જવાની પપ્પાએ આપેલી એ સજા એટલે પોરબંદરમાં રેહવાની મજા. એ આગાઝ હતો દર્દ સાથે દિલ્લગી કરવાનો.

 

        એની ખાડીમાં કાદવ ને ખારા પાણીએ બાળપણ ખીલ્યું છે. એ મેલુંઘેલું ચડી પહેરેલું ને ખાડી ખુંદતું બાળપણ. ગોઠણ સુધી એના ડહોળા પાણીની કાળાશમાં ખિલતું કમળ જેવું ગોરું ગોરું બાળપણ. ડિઝનીલેન્ડની તો અત્યારે ખબર પડી ત્યારે તો બસ માત્ર ખાડી જ ખાડી. ને એનોય પ્રેમ કેવો
? ગોઠણ સુધી તો ક્યારેક સાથળ સુધી એણે કાળા પાણીએ પપ્પીઓ ભરી છે ને એ પપ્પીઓએ પાછી ચાડીઓ પણ એવી ખાધી છે, કે ઘરે પગ મુકતાની સાથે જ ગાલ પર તેના પ્રેમના સટ્ટાક કરતાં શેરડા ફૂંટ્યા છે. એનાં પ્રેમને માછલી પકડવાની દોરીએ બાંધ્યો છે, કરચલાં સાથે પકડીને ડબ્બામાં પૂર્યો છે. સુકાયેલા કાદવના ચોસલે ચોસલે ખાડીએ મને ચાહ્યો છે ને એનાં પાણી પર પથ્થરને નચાવતાં નચાવતાં મેં એને પ્રેમ કર્યો છે. શિયાળામાં ફાટેલા હાથ-પગમાં એના ખારા ખારા પાણીએ મીઠી મીઠી બળતરાઓ કરાવી છે. ઉનાળાની ગરમીમાં હેમ જેવી ટાઢક આપી છે. ને ચોમાસે ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ ફરમાવાઈ જાય તો એના પાણી મળવા છેક ઘર સુધી દોડી આવ્યાં છે. ને બોલ્યા છે. ...મેરી દોસ્તી તેરે દમ સે હૈં...

પકડેલું પતંગિયું ઉડી ગયા બાદ હાથમાં તેના મેઘધનુષી રંગોની યાદો છોડી જાય એમ ખાડીમાં વિતાવેલાં કાબરચિતરા બાળપણે દિલમાં ખત વાળું
એન્ટીલિયા બાંધી લીધું છે.
                                                                                                                                                                          *

        રાંઝણામાં કુંદન બોલે છે.રામાયણ મેં સિર્ફ સુંદરકાંડ નહીં હોતા બસ એવી જ રીતે સાલા હમારા જવાન હોવા અભી બાકી થા મારી સાથે પોરબંદરને મૂછનો દોરો ફૂંટતા જોયો છે. મને સોળે સાન તો ના આવી પણ વિસે આવેલો વાન એનાં નવા નવા લાગતાં રંગરૂપમાં અનુભવ્યો છે. એની ગલીઓમાં ઉગેલી જવાની માધવાણી કોલેજમાં સોળેય કળાએ ખીલી છે. એ ખીલેલી જવાનીએ મનમુકી એનાં રસ્તાઓ પર ફર્યો છું. વર્યો છું.

        પાછળ પાછળ ચાલીને અને સાયકલના પેંડલ તોડી તોડી પોરબંદરની ગલીઓ ખુંદી છે. એવી જ કોઈ ગલીને મક્કા માંનીને તેની ફરતે ચક્કર લગાવ્યાં છે. જે બે આંખોને શોધવા બંગડી બજાર ફરી છે, એ ચોપાટીની સોડિયમ લાઈટનાં આછાપ્રકાશમાં ઝબકારા મારી ગઈ છે. એ જ આંખોમાં આશ્રય પણ લીધો છે ને અવસાદ પણ. એ આંખોને જન્માષ્ઠમીના મેળામાં મારી સાથે એણેય શોધી છે. નવરાત્રીમાં ગરબે રમતી એ આંખોને જોવા એ જ મારો હાથ ઝાલી લઈ ગયું છે. દિવાળીમાં એની ગલીમાં જઈને ફટાકડા ફોડવાં એ નફ્ફટ બન્યું છે તો મકરસંક્રાન્તિએ બાજુની અગાસી પર પતંગ ઉડાવવા એણે જ મને ચગાવ્યો છે.  ...તેરે સંગે ખેલી હોલી, તેરે સંગે દિવાલી. તેરે અંગનો કી છાયા, તેરે સંગ સાવન આયા... એની ગલીમાં આંખો ભરાઈ આવે એટલું હસ્યો છું ને આંખો છલકાઈ આવે એટલું રડ્યો પણ છું. એ જ ગલીઓમાં લૂંટાવ્યું પણ છે ને લૂંટાયો પણ છું, એ જ પોરબંદરમાં...અને પછી એક દિવસ એને છોડી દીધું.. ‘…તેરા શહેર જો પીછે છૂટ રહા હૈ, કુછ અંદર અંદર ટૂટ રહાં હૈ...

 

        આટલું ચાહવા છતાં પોરબંદર છોડવું પડ્યું, દૂર જવું પડ્યું. વિહગ બની વિશ્વ જોવાં ને મન મુકી મ્હાલવાં, દુનિયા જોવાં ને જાણવાં, ને એ બધાથી ભયાનક વાસ્તવિક્તા એ કે પેટ ભરવાં. પેટ ભરવા એને છોડવું પડ્યું!!!  પણ.. હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છુટા કરતે. એને છોડ્યા બાદ એની મહોબ્બત ઔર મુક્કમલ થઈ ગઈ. એની યાદ શરીરની અંદર ઓગળી ગઈ ને હૃદય પર પહોંચવાં દોડતાં લોહી કરતાં વધુ ઝડપે પહોંચી ધબકવાં લાગી. એની ખારાશ હાડકામાં ઉતરી ગઈ છે. એ છુટવી મુશ્કેલ છે. અશકય છે. નામુમકીન હૈ... તું હૈ સમન મેરી પહેલી મહોબ્બત...’                                                                                                                                                      *

       પોરબંદર એટલે મારા બાળપણનું ભોળપણ ને મારી યુવાનીની રવાની.મારા લોહીનું ખારાપણું, મારા મનનું મિઠાપણું. દાગદાર થયેલું દિલ ને ગાર્ડન ગાર્ડન થઈ ગયેલું દિલ. એ એટલે જ મારું હોવાપણું. પણ તોય હજુ મન ધરાતું નથું એની ચાહતથી, એની ઈબાદતથી. હજું કંઈક ખુટ્યા કરે છે. જાણે ...પુરે સે ઝરાસાં કમ હૈ...હજું એ મારી રાહ જુએ છે ને હું એની. અરબી સંમદરનાં ઘુઘવાટમાં છુપાયેલો એનો રઘવાટ મને સંભળાય છે. ખાડીની ઓટમાં દેખાતી એનાં ભીતરની ભરતી મને અનુભવાય છે. વહેલી સવારે ઉઠીને આંખોને ખુણે રહી ગયેલી ખારાશ બન્ને એકસાથે ખેરી નાખીએ છીએ,  તો ક્યારેક અળધી રાતે ઉઠી એક સાથે ડૂસકાં ભરી લઈએ છીએ. ક્યારેક ધોમધખતા તાપમાં એક બીજાની યાદોનાં છાંયે વિસામો લઈ લઈએ છીએ તો ક્યારેક ધોધમાર વરસાદમાં એક સાથે રડી લઈએ છીએ.... ઓહ!!! વતન!

એ સાદ દે છે, એ યાદ કરે છે. એ બોલાવે છે. ને કહે છે 'ઈતની જલતી ધૂપ મેં કબ તક ઘૂમોંગે
? ? ?'

        કદાચ એટલે જ મોક્ષની હવે કામના રહી નથી. ઈચ્છા છે બસ ભૂત બનીને ભટકવાની. પોરબંદરમાં ભટકવાની. એની ખાડીને ફરીથી ખુંદવાની. એના દરિયામાં ફરીથી ડૂબકી લગાવવાની. એની સાથે ચોમાસે નાહવાની, ઉનાળે
ઓગળવાની. એની ગલીઓમાં ફરીથી દોડી જવાની. ને ફરી પાછી એની કોઈ ગલીને મક્કા માનીને તવાફ કરવાની....!!!

ઓહ! પોરબંદર, તને ચાહવામાં એક જિંદગી કેમ અધુરી લાગે છે???

(આજે પોરબંદરનો જન્મદિન છે. એના જન્મદિન નિમિત્તે એને આપેલી મારી નાનકડી ભેંટ...
મેળાની તસવીરઃ ફોટોગ્રાફર મેહુલ બારોટનાં કલેક્શનમાંથી સાભાર)