Saturday 1 February 2014

ઉપર આભ નીચે ધરતી, આ પણ છે ‘મહાજાતિ’ ગુજરાતી!



ચારેય બાજુ ઘનઘોર જંગલ...ક્ષિતિજો સુધી વિસ્તારાયેલા ડુંગરા વચ્ચે ટાઢાંપાડી દે તેવા તાપમાં... વિખરાયેલા બીજની જેમ ઉગી નીકળેલા મહુડાનાં વૃક્ષોની છાંયામાં દરિદ્રતાને પણ દયા આવી જાય એવો એક પરિવાર પોતાની બદહાલીની બદદૂઆ રજૂ કરે છે ને એ સાથે જ ઘરના નામે ચાર ખૂણે ઉભી કરેલી જંગલી લાકડીઓ અને તેને ફરતે વિંટાળેલી શણ અને માટીની દિવાલો  ડૂસકાં લેવા લાગે છે.

અવકાશી છતનો આધાર હશે કે એટલી
ઔકાતનહીં હોય એટલે વગર છતની એ ચાર પડદાં જેવી દિવાલો પર આકાશ ડોકીયું કરે છે. પરિવારના નસીબની જેમ વાંકાચૂકાથઈ પડેલા ચાર પાંચ ટીનના વાસણ અને સુટકેસ કહેવી કે કેમ તેની ગડમથલ ઉભી કરતી એક પેટીની બાજુમાં હાશકારો અનુભવવા ખાતર એક માટલું પડેલું છે. પરિવારના હાડકાં સટોસટ ચોંટી ગયેલી પેલી ચાર દિવોલાનાં ખૂણે બાંધેલી દોરી પર મેલાઘેલા ને તૂટેલા ફાંટેલા કેટલાંક કપડાં લટકાઈ રહ્યાં છે ને પવન સાથે એવી રીતે ઉડું ઉડું થઈ રહ્યાં છે કે જાણે આ દરિદ્રનારાયણોની મશ્કરી કરી રહ્યાં હોય!

જેને માથે છત ના હોય તેને દરવાજાઓની જરૂર નથી હોતી. એટલે જ આ પરિવારના ટૂંકા પડતાં પન્નાંની ચાર દિવાલોમાંથી એક દિવાલ એવી રીતે ટૂંકી કરાઈ છે કે એ પ્રવેશદ્વારાની ગરજ પૂરી પાડી દે. દરવાજા જેવી એ જગ્યાએ એક મા પોતાના નાના નાના ચાર સંતાનો સાથે દયામણી દાસ્તાન રજૂ કરે છે. પતિ કામે ગયો છે ને દિકરાને પણ સાથે લેતો ગયો છે.  બાપ-દિકરો જે કંઈ કમાઈ લાવે તેના આધારે છ જણાંનું જેમ તેમ કરીને પેટ ભરાય છે. પિતા સાથે કામ પર ગયેલો દિકરો 14 વર્ષે અહીં ભડભાદર થઈ જાય છે.

રોજ રાતે એ કહેવાતા ઘરમાં હાલ્લાં કુસ્તી કરે છે અને પાણી પેટ ભરે છે. આવી હાલત આ એક માત્ર પરિવારની જ નથી આજુ બાજુ વેર વિખેર થઈ ગયેલી કિસ્મત જેવા આવા જ અને ક્યાંક તો આને પણ સારા કહેડાવે તેવા ઘર (જો તેને ઘર કહી શકાય તો) ઉભેલા છે. ગામમાં લગભગ હર કોઈની આ જ હાલત છે. આ જ દાસ્તાન છે. આ જ કરમ કહાણી છે.

સબસહારન કન્ટ્રીઝ કે ઝારખંડ-છત્તિસગઢના કોઈ ગામડાંની કલ્પના લાગે એવું વરવું ઉદાહરણ લાગતી આ વાસ્તવિકતા છે ગુજરાતની... ભારતના જ ગ્રોથ એન્જીનગુજરાતની.
***

ગુજરાતના પંચમહાલ જિલ્લાનો જાંબુઘોડા તાલુકો આચ્છાદિત જંગલોથી ઘેરાયેલો છે. ચારેયકોર ઘનઘોર જંગલો અને કુદરતે મન ભરી પાથરેલા કુદરતી સૌંદર્યમાં ઉગેલા મહુડાનાં વૃક્ષો પ્રથમ નજરે જ મન મોહી લેવા પૂરતા છે. જોકે, ખૂબસુરતી હમેંશા કાતિલ હોય છે, તેમ આ જંગલો ખુંદી વળવા ઉતાવળા થતાં આ બ્લોગરબોયના પગોને અહીંની લોકવાયકા અને સભ્ય સમાજની સમજ રોકી દે છે. કારણ છે આ જંગલોમાં વસતી નાયકા-નાયકડાં કોમ.
નાયકા એટલે પંચમહાલ અને તેની આસપાસના જંગલોમાં વસવાટ કરતો આદિવાસી સમુદાય. આ સમુદાય અંગે એક એવી લોકવાયકાઓ પ્રચલિત છે કે જીભને જ લકવો મારી જાય! પંચમહાલ અને આસપાસના વિસ્તરોમાં નાયકાઓનું નામ પડે એટલે પોલીસ ચોપડે પન્ના ફાટી જાય. ક્યાંક ચોરીની દાસ્તાન, તો ક્યાંક લૂંટની કહાણી એક કહો તો હજાર સાંભળવા મળી જાય. ઠગકે અડધી રાતે ભમતી ભૂતાવળજેવા પુસ્તકોને પ્રેરણા પૂરી પાડનારા પરિબળો પણ આ જ કહાની-કિસ્સાઓ.

કહે છે કે સત્ય એ માત્ર આપણે સાંભળીએ, જોઈએ કે અનુભવીએ એટલું માત્ર નથી હોતું. સત્યની બીજી બાજુ પણ હોય છે ને કદાચ ત્રીજી ને ચોથી પણ હશે
! નાયકા આદિવાસીઓનું સત્ય પણ ખબર નહીં કેટલીય બાજુઓ ધરબીને બેઠું છે. જે ઉજાગર કરવા ભાગ્યે જ કોઈએ પ્રયાસ કર્યો છે. જેણે પ્રયાસ કર્યો છે, તે ભાગ્યે જ પ્રસાર કરી શક્યું. પ્રયાસ-પ્રસાર વચ્ચેની આ ખૂટતી કડીઓએ એવો તે ઘટનાક્રમ સર્જ્યો કે ગુજરાતનો એક આખો આદિવાસી સમાજ શ્રાપિત-શોષિત બની ગયો. 
***

લાઈબ્રેરીના થોથા અને અહીંના જંગલોના ઠૂંઠા વચ્ચે અટવાયેલા આ આદિવાસી સમાજના ઈતિહાસ ઓળખવા જહેમત કરવામાં આવે તો આશ્ચર્ય સાથે અનેક આસ્વાદો ઉભા થઈ જાય.
ગુજરાતના નાયકા-નાયકડાંનામના પુસ્તકમાં આ નાયકડાં આદિવાસીઓના મૂળિયા છેક દક્ષિણ એશિયામાં આર્યોના આગમન સુધી લંબાય છે. અહેવાલ લેખાકાર ગુલાબભાઈ પટેલના મતે ભારત તરીકે હાલમાં ઓળખાતી આ ધરતી પર આર્યોનું આગમન અહીં વસતા શ્યામવર્ણના મૂળ નિવાસીઓ સાથે સંઘર્ષના પરિણમ્યું. યુદ્ધ અને આયુધોમાં પાવરધા આર્યોના અત્યાચારોએ અહીંની મૂળ પ્રજાને જંગલોમાં અને પહાડીઓ પર રહેવા મજબૂર કરી દીધી. જંગલમાં ચાલી ગયેલી એ અનાર્ય પ્રજાના વંશજો એ જ આજના આપણા વનબંધુઓ.

અન્ય ભાગોમાં જે થયું તે હાલમાં ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશમાં પણ થયું. અહીં પણ આર્યોના પ્રવેશે મૂળ વસ્તી ડુંગરાળ અને જંગલ પ્રદેશમાં ભાગી ગઈ. એ સમયે હાલના રાજપીપળા, ડાંગ, વાસંદા, ધરમપુર વગેરે વિસ્તારોના ગાઢ જંગલોએ અહીંના મૂળ નિવાસીઓને સરંક્ષણ પુરૂ પાડ્યું. લેખકના મતે હાલના સમયમાં ભીલ, ગામીત, ચૌધરી, કુકણાં, વસાવા, વાવલી, રાઠવા, નાયક કે નાયકાં, દુબળા(હળપતિ) તેમજ ઘોડીયા જાતિ ધરાવતો આદિવાસી સમાજ એ જ આ દેશના મૂળ નિવાસીઓ.

ભારતના મેદાની પ્રદેશમાં આર્યોએ
સભ્ય સંસ્કૃતિનો વિકાસ કર્યો તો બીજી બાજુ, જંગલોમાં ચાલી ગયેલી અહીંની મૂળ પ્રજાએ પણ પોતાની આગવી સંસ્કૃતિ ઉભી કરી. જેમા સમાજની આગેવાની લેનારો નાયક કહેવાયો. જંગલમાં વસતા એ સમાજની જવાબદારી એ નાયકના શીરે આવી. એક બાજુ, અહીંના સપાટ મેદાની પ્રદેશોમાં આજના આર્યાવર્તના પાયા નખાઈ રહ્યાં હતાં તો બીજી બાજુ, જંગલોમાં આજે આદિવાસી કહેવાતી સંસ્કૃતિ પોતાની જાતને ટકાવી રાખવા પ્રયાસ કરી રહી હતી. ગંગા-જમુના ને નર્મદાના પાણી જેમ જેમ વહેતા ગયાં તેમ તેમ આર્યો આ ધરતીને અપનાવતા ગયાં. તેમનો ત્રાસ પણ ધીમે ધીમે ઓછો થતો ગયો. ને એ સાથે જ અનાર્ય પ્રજા આર્યોના સંપર્કમાં આવવા લાગી. ડુંગરો છોડી સપાટ પ્રદેશોમાં પ્રવેશવા લાગી.

ગુલાબભાઈના મતે સપાટ પ્રદેશ પર એ અનાર્ય પ્રજાનો કોઈ નાયક આવી વસ્યો અને તેના વંશજો દ્વારા ઉદ્દભવેલી કોમ તે આજના નાયકા-નાયકડાં. જોકે, આ માન્યતાને છાતી ઠોકીને સાબિત કરી શકાય એમ નથી.
ગુજરાતના નાયકા-નાયકડાંનામના પુસ્તકમાં નાયકોના મૂળની એક અન્ય માન્યતા પણ રજૂ કરાઈ છે. એ મુજબ કોઈ ક્ષત્રિય રાજાએ ભીલોના નાયકની કોઈ કન્યા સાથે લગ્ન કર્યાં હશે. જેના વંશજો નાયક કે નાયકડાં કહેવાયા હશે! આ માન્યતાનાં પ્રતિપાદન માટેના પુરાવારૂપે નાયકા સમુદાયના લગ્નનો હવાલો અપાય છે. નાયકા આદિવાસીમાં લગ્ન દરમિયાન વરરાજા ક્ષત્રિયોની જેમ જ કમરે તલવાર લટકાવે છે. આજના નાયકડાં આદિવાસીઓના મૂળ આ તર્કના આધારે કોઈ ક્ષત્રિય સુધી લંબાતા હોવાનું મનાય છે.

નાયકડાં આદિવાસીઓના ઓરિજીનને લઈને વધુ એક માન્યતા પ્રવર્તે છે. ચાંપાનેર જ્યારે હિંદુ રાજ્ય હતું ત્યારે અહીંની આદિજાતિ રાજના સૈન્યમાં નાયક તરીકે કામ કરતી હશે. બાદમાં જ્યારે મુસ્લિમોએ ચાંપાનેરને લૂંટ્યું ત્યારે આ આદિજાતી હાલમાં વડોદરા, સુરત તેમજ આસપાસના જંગલોમાં ભાગી ગઈ હશે. આ માન્યતાને આધાર આપવા માટે વર્તમાન સમયનો હવાલો અપાય છે. વર્તમાન સમયમાં નાયકડાં આદિવાસીઓની મુખ્ય વસ્તી પણ આ સંબંધિત વિસ્તારોમાં જ વસે છે. વળી, નાયકડાં આદિવાસીઓ સૈનિક હોવાના પ્રત્યેક કે પરોક્ષ પુરાવાઓ પણ મળી આવે છે. નાયકો દ્વારા કરાયેલા ને ઇતિહાસમાં અંકાઈ ગયેલા કેટલાય બળવાઓ પણ આ માન્યતાના આધાર રૂપે રજૂ કરાય છે.

જોકે, આ બધી માન્યતા-વાસ્તવિકતાથી અલગ જ વાત રજૂ કરે છે જાંબુઘોડના પત્રકાર સ્વ.કિશોરભાઈ જાની. વિજેતા દ્વારા ને વિજેતાઓના જ લખાતા ઈતિહાસની દુહાઈ દેતા જાનીદાદા આ આદિવાસી સમુદાયને 1857ના હિરોઈક વોરિયર્સ તરીકે રજૂ કરે છે. નાયકાઓના મૂળ સુધી પહોંચવા માટે જાનીદાદા છેક મુઘલકાળની પડતી સુધી દોરી જાય છે. મુઘલોનો સૂર્ય જ્યારે અસ્ત થઈ રહ્યો હતો ત્યારે મરાઠાઓ પોતાની શક્તિ ને સામ્રાજ્યો વિસ્તારી રહ્યાં હતાં.
દિલ્હી દરબાર નબળો પડતા ગુજરાત ને તેની આસપાના વિસ્તારોમાં સર્જાયેલી અરાજકતાનો લાભ મરાઠાઓએ ઉઠાવ્યો. ગુજરાતના વિવિધ પ્રદેશોમાં મરાઠા સરદારો ચડી આવ્યા ને અહીં મરાઠી ઝંડાઓ ફરકાવવા લાગ્યા.

તેમના મતે હા
લમાં નાયકાઓનું જે મુખ્ય મથક ગણાય છે તે પંચમહાલના જાંબુઘોડા અને તેની આસપાસના વિસ્તારો મરાઠા સરદાર કંથાજી ભાંડેના પુત્ર કૃષ્ણાજીના અંકુશ તળે આવ્યા. સમય જતા મરાઠા સરદારો વચ્ચે સમજૂતી સધાઈ. આ પ્રદેશ પર ગ્વાલિયરના મહાદજી સિંધીયાની આણ વર્તાવા લાગી. આ એ જ સમયગાળો હતો કે જ્યારે દક્ષિણ ભારતના ખાનપ્રદેશમાંથી નાયક કોમ મરાઠા સરદારોનાં સાથીદારો તરીકે આ પ્રદેશમાં પહોંચી ને અહીં જ વસી ગઈ. નાયકા લોકોનો શારીરિક બાંધો અને તેની આદિવાસી બોલીમાં વર્તાતી મરાઠી ભાષાની છાંટ આ માન્યતામાં રહેલી વાસ્વિકતાના અંશ તરીકે રજૂ કરવામાં આવે છે.

જાંબુઘોડાના સ્થાનિક પણ
પ્રકાંડ પત્રકાર સ્વ.કિશોરભાઈ જાનીની માન્યતાને મળતી આવે એવી એક થિયોરી ભીલ સેવા મંડળના અગ્રગણ્ય અંબાલાલ વ્યાસ પણ રજૂ કરે છે. હાલોલ તાલુકાના આદિવાસી વિસ્તારો ખૂંદીને ભેગી કરેલી માહિતી મુજબ અંબાલાલ વ્યાસ જણાવે છે કે દક્ષિણ ભારતના કોંકણ વિસ્તારમાં નાયકડાંનામની જાતિ વસે છે. આજના આપણાં નાયકો એ જ જાતિમાંથી ઉતરી આવ્યાં હોય તેવું પણ બની શકે!

જોકે, આટલી બધી માન્યતાઓ અને મતમતાંતરોનું કારણ છે નાયકાઓના સળંગ ઇતિહાસ મુદ્દે ઈતિહાસકારોએ દાખવેલી ઉદાસીનતા. નાયકાઓ અંગે જેટલી પણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે એ બધી જ અંગ્રેજોના ભારતગમન બાદની હોવાનું જાણવા મળે છે. સ્થાપિત હિતો ને ઉજળીયાતોના ઓટલે બેસી લખ્યા કરનારાઓ ઈતિહાસકારોને ભાગ્યે જ આ આદિવાસી સમુદાયના અતિતમાં રસ પડ્યો છે.

પણ, આ આદિવાસી વિસ્તારોમાં રખડી-ભટકી આયખુ પૂરી કરી દેનારા જાનીદાદાને નાયકાઓની દાસ્તાન ઉજાગર કરવા ભગીરથી પ્રયાસો કર્યા છે. તેમની કલમે લખાયેલા નાયકાઓના ઇતિહાસના પન્નાં ઉચકતાં ઉચકતાં છેક 1818ના અરસામાં પહોંચી જવાય છે. આ એ સમયગાળો હતો કે જ્યારે ભારતમાં કંપની સરકારના પરચમ લહેરાવવા લાગ્યા હતા ને રોફ મારી ફરતા દેશી રજવાડાઓ અંગ્રેજોની જીહજૂરી કરવા લાગ્યાં હતાં. કંપની સરકારની આણ સતત વધતી જતી ને શામ, દામ, દંડ ભેદ સાથે સ્વતંત્ર રજવાડાઓ કંપની સરકારને આધીન થઈ રહ્યાં હતાં. આવે સમયે જંગલોમાં વસતી આ આદીજાતીએ અંગ્રેજોની જોહુકમી માનવાનો ઈન્કાર કરી દીધો. અંગ્રેજો-રજવાડાઓ સાથે નાયકાઓ સીધા જ સંઘર્ષમાં ઉતરી આવ્યા.

તસવીરમાં નહેરુ જેકેટ પહેરેલા સ્વ.જાનીદાદા. 
એક બાજુ સ્વતંત્રતા માટે મરી ફિટવાની તૈયારી તો બીજી બાજુ અત્યાચારોને ને જોરજુલ્મોની પરાપૂર્વથી ચાલી આવતી હોશિયારી. અંગ્રેજોની દોગલાઈ ને રજવાડાઓની બેમર્યાદિત સંપતિ સામે વનાશ્રિત આદિવાસીઓ કેટલું ટકે
? નાયકાઓનો ખો નીકળવા લાગ્યો. તેમનો સામાજિક બહિષ્કાર શરૂ કરી દેવાયો. વારે ઘડીએ થતા ધીંગાણા ને અંગ્રેજો ને રજવાડાઓના ચડી આવતા ધાડાએ નાયકાઓને પાયમાલ કરી દીધા. સ્વતંત્રતા માટેની લડાઈ ભૂખ સામે લડવા લાગી. સંજોગો એવા સર્જાઈ ગયા કે નાયકાઓને કોઈ સ્વીકારવા તૈયાર નહોતા ને નાયકાઓ પાસે લાદી દેવાયેલું ચોર ને લૂંટારાઓનું બિરૂદ સ્વીકારવા સિવાય છૂટકો નહોતો. આખરે તેમણે એ જ બિરુદનો સ્થાપિત હિતો વિરુદ્ધ બારૂદની જેમ ઉપયોગ કર્યો. 1838ના સમયગાળા દરમિયાન નાયકાઓએ કાળોકેર વર્તાવી દીધો. રજવાડાઓએ નાયકોને 'દેખો ત્યાં ઠાર' મારવાનો આદેશ આપી દીધો. સરકારી સૈન્યે અસંસ્કારીઅને’ ‘લૂંટારુઓવિરુદ્ધ સંસ્કારીતાની ઐસીતૈસી કરીને ક્રૂરતાની હદ વટાવી દીધી. રજવાડી સૈન્યોએ નાયકાઓને વીણી-વીણીને મારવાનું શરૂ કરી દીધું. આ આદિવાસીઓને ઝાડ સાથે ખીલા વડે જડી દેવામાં આવ્યાં. અસંખ્ય નાયકોના માથા વાઢી નાખી રજવાડી ચોકોમાં તોરણ રોપાયા.

આવામાં અંગ્રેજો ને રજવાડાઓ વિરુદ્ધ ઉઠેલા આદિવાસી અવાજને ક્રાંતિની મશાલ બનાવી રૂપસિંહ નાયકે. નાયકાઓને સંગઠીત કરી, શસ્ત્રસજ્જ કરી રૂપસિંહે ફોજ ઉભી કરી. રૂપસિંહની આ લડાઈમાં તેને જોરીયા પરમેશ્વર નામના એક ચમત્કારિક નાયકનો સહકાર મળ્યો. ને અંગ્રેજોના નાકે દમ આવી ગયો. બોમ્બે ગેઝેટિયરના હવાલા તપાસીએ તો જાણવા મળે કે 1858માં ભાઉ સાહેબ પવાર સાથે મળીને રૂપસિંહને તેમના નાયકાઓની ફોજે બ્રિટિશરોને નવ નેજે પાણી લાવી દીધા. નાયકાઓની આ લડાઈમાં તેમને તાત્યા ટોપેના ભાગેલા લશ્કરની ટુકડીઓનો પણ સાથ મળ્યો. જેના પરિણામ સ્વરૂપ ચાંપાનેર અને નારૂકોટ વચ્ચેના વિસ્તારોમાં આ આદિવાસી સૈન્યે કબજો જમાવી લીધો. 1858ના એ શિયાળામાં આ આદિવાસી વિદ્રોહને નાથવા પોલિટિકલ એજન્ટને કર્નલ વોલેસની નિમણુક કરવી પડી. જોકે, મરણીયા બનેલા નાયકાઓ સામે તેની કોઈ અસર ના થઈ. એટલું જ નહીં, એક સુબેદાર સહિત અંગ્રેજ સૈન્યના સાત સૈનિકોને નાયકડાંઓની ફોજે ઠાર માર્યા. 11ને ઘાયલ કરી નાખ્યા. ક્રાંતિનો આ એ સમય હતો કે જ્યારે 1857ના વિપ્લવને નિષ્ફળ બનાવનારા અંગ્રેજોને આદિવાસીઓ ઔકાત બતાવી રહ્યાં હતાં. 1838થી 1868 દરમિયાન રૂપસિંહે જાંબુઘોડા, છોટાઉદેપુર, જેતપુર, અને એવા જ દેશી રજવાડાઓને પારેવાની માફક ફફડાવ્યા.

જોકે, સ્વંત્રતા માટે લડનારા આ નાયકડાં આદિવાસીઓને એ લડતની બહુ મોટી કિંમત ચૂકવવી પડી. અંગ્રેજોએ અને દેશી રજવાડાઓએ એક સાથે મળીને નાયકા જાતિ પર હુમલો કરી નરસંહાર આરંભી દીધો. સેંકડોનાં હિસાબમાં નાયકોને મારીને નર્મદા નદીમાં ફેંકી દેવાયા. અંગ્રેજોની ચાલાકી, દેશી રજવાડાઓની બેમર્યાદિત સંપતિ અને ક્રૂર કૂરતાએ કામણ કર્યા ને આદિવાસી વિપ્લવને દાબી દેવાયો. સ્વતંત્રતા માટે લડવાની કિંમત આ આદિવાસીઓને દેશને સ્વતંત્રતા મળ્યા બાદ પણ ભોગવવી પડી. ઈતિહાસના ચોપડે નાયકડાંઓને કાયમ માટે લૂંટારા, લોહી તરસ્યા, હત્યારા ચીતરી દેવાયા.

ઈતિહાસની એ ઘડી ને આજની હકીકત. પંચમહાલ અને તેની આસપાસના આદિવાસી વિસ્તારમાં વસતી નાયક જાતિ આજે પણ સામાજિક તિરસ્કારનો ભોગ બનેલી છે. એક સમયની આ વીર કોમ આજે ખાસ પ્રકારની અસ્પૃશ્ય’  બની ગઈ છે. નાયકડાંઓ વિરુદ્ધ વહેતી કરાયેલી સાચી ખોટી વાતોએ પરિસ્થિતિ એવી ઉભી કરી છે આજે નાયકડાં આદિવાસીઓના ગામોમાં ન તો વીજળી છે, ન પાકા રસ્તા કે ન રોજગારીની તકો. વાત એટલે સુધી વણસી ગઈ છે કે કમળના મૂળિયા વેંચીને જેમ તેમ કરીને બે ટંકનું પુરૂ કરવામાં આવે છે.

સામાજીક સુગમાં સરકારી ઉપેક્ષાએ મોણ નાખ્યું છે. ભાગ્યે જ કોઈ સરકારી બાબુ અહીંના ગામડે પહોંચ્યો છે. ને પહોંચ્યો છે તો ભાગ્યે કંઈ કામ કરી બતાવ્યું છે. પરિણામ એ આવ્યું છે કે આજે નાયકાઓના ગામડાંઓ સાવ ભૂખડી બારસ બની ગયાં છે. જ્યાં માત્ર રાતે જ નહીં, દિવસે પણ
ભમતી ભૂતાવળ નજરે પડી જાય છે.

... ને આ બધા વચ્ચે તાયફામાં મશગુલ રહેતું સરકારી તંત્ર નિંભર બનીને નાયકા આદિવાસીઓ પ્રત્યે થયેલો અન્યાય ભૂલી સામાજીક સૌહાર્દના
, સુસંસ્કૃત વિકાસના ને વિકાસની હરણફાળની શેખચીલ્લી મદમાં મદમસ્ત મહાલ્યા કરે છે. બીજી બાજુ,  નાયકોના ગામોમાં ઉગતીવીજળી વગરની અંધારી રાત ભૂલાયેલા ભૂતકાળના અને ગરવીલા ઈતિહાસનાં મરસીયા ગાતી, ડૂસકાં લેતી ગુમસુમ બેસી રહે છે.


divyabhaskar.com માટે બનાવેલી સ્ટોરી સુધારા વધારા સાથે...

લિંક
 

http://www.divyabhaskar.co.in/article/GUJ-GNG-the-riality-and-forgotten-history-of-nayka-community-of-gujarat-4342958-PHO.html