Friday 21 March 2014

ખુશવંતસિંહની ખુદાહાફિઝઃ અબ કે હમ બિછડે તો કિતાબો મેં મિલે...



ફોટો સૌ. ઈન્ટરનેટ

1934નું વર્ષ હતું. દિલ્હીમાં ઉનાળુ વેકેશન પતાવી મારે ઈંગ્લેન્ડમાં અભ્યાસ માટે પરત ફરવાનું હતું. ફ્રન્ટીયર મેલમાં હું દિલ્હીથી બોમ્બે પહોંચ્યો. રાત બોમ્બેના વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન પર વિતાવવી પડે એમ હતું. મને થયું કે લાવ જરાક  આજુ-બાજુ થોડી લટાર મારી લઉં. ચાલતો ચાલતો હું બોમ્બેના રેડલાઈટ એરિયા, કમાઠીપુરા સુધી પહોંચી ગયો. 

સાંકડી ગલીઓમાં સ્ત્રીઓ મને ઈશારાઓ કરી રહી હતી, આમંત્રણ આપી રહી હતી. મારાથી અનાયાસે એકને જવાબ આપી દેવાયો 'કઈ તરફ'? એણે એના ઓરડા સુધી પહોંચતી સીડી તરફ ઈશારો કર્યો. હું પહોંચી ગયો. કેરોસીનના દિવાના અજવાળે કાળો પડી ગયેલો એ ઓરડો બદબુ મારતો હતો. બળબળ થઈ રહેલા દિવાના પ્રકાશે મેં જોયું તો ઓરડામાં એક છોકરો પણ બેઠો હતો. પેલી સ્ત્રી મારી પાસે આવી. એ જાડી હતી. આધેડ હતી. એણે સલવાર-કમીઝ પહેર્યા હતાં. આવકારનો એક પણ શબ્દો બોલ્યા વગર એણે પંજાબીમાં કહ્યું કે 'દસ રૂપિયા લાગશે'. મેં ખીસ્સામાંથી દસ રૂપિયાની નોટ બહાર કાઢી ને તેને ધરી દીધી. એ સાથે જ એણે મકાનમાલિકને પાંચ રૂપિયા આપવા માટે પેલા છોકરાને કહ્યું. એ ઉઠ્યો ને એ એણે કમાડ અંદરથી વાંખી દીધા. હું નવશીખીયો લાગતો હોઈશ. એને ખબર પડી ગઈ કે મારો પ્રથમ અનુભવ છે. એણે તરત જ સલવાર-કમીઝ ઉતારી નાખ્યા ને નાવણીમાં જઈ પાણીનો લોટો ભરી એની જાંઘ વચ્ચેની જગ્યા સાફ કરી. એ બાદ એણે બાજુમાં પડેલા ગંદા કપડાથી પાણીવાળો ભાગ લૂંછ્યો ને તરત જ ઓરડામાં પડેલા ખાટલા પર સુઈ ગઈ. પોતાના બન્ને પગ ઉંચા કરી ઘુંટણો છાતી પર ટેકવતા બોલી 'આવ'. મને નહોતી ખબર કે ક્યાંથી 'પ્રવેશવું'? મેં મારો પાયજામો ઉતારી નાખ્યો ને...

આટલું વાંચીને જ જો નાકના ટેરવા ચડી ગયા હોય, લાગણી દુભાવતા વાયરસનો એટેક થયો હોય કે સંસ્કારી સુરાતન સામે આવી ધુણવા લાગ્યું હોય તો વ્હાલાઓ આગળ વાંચતા પહેલા અહીંથી જ અટકી જજો. કારણ કે ઉપરોક્ત શબ્દો આડંબરોને ખાસડેં ખાસડેં વધાવનારા ખુશવંતસિંહના છેં. સરદાર ખુશવંતસિંહના. 

* * *

કલમમાં શાહી નહીં તેજાબ ભરીને લખનારા લેખક તરીકે પ્રથમ પરિચય ગુજરાતી સાહિત્યના સદાબહાર સુપરસ્ટાર ચંદ્રકાન્ત બક્ષીનો થયો. જ્યારે જ્યારે બક્ષીને વાંચતો, પોરબંદર ને રાજકોટ બેય લૂંટાવી દેતો. પણ જ્યારે ખુશવોના પરિચયમાં આવ્યો તો લાગ્યું કે બક્ષી તો કલમમાં તેજાબ ભરીને લખતા, મારો બેટો આ માણસ તો એની કલમમાં અણુબોમ્બ ભરે છે. સોરી ભરતો હતો. એ હવે નથી રહ્યો. ચાલી નિકળ્યો. 'કૃશ' થઈ ગયેલા શરીરમાં 'કૃષ' જેવા ઉફાણા મારતા સવાલોના જવાબ શોધવા! મૃત્યુ બાદ લોકો ક્યાં જતા હશે? ક્યાં રહેતા હશે? કોણ બનતા હશે?  વિચારતા વિચારતા એને એટલી તો ઉતાવળ થઈ ગઈ હશે કે નર્વસ 99નો ભોગ બનવાનું પણ એણે સ્વિકારી લીધું? પણ હવે એ ક્રિકેટ નહોતો જોતો ને, કદાચ એટલે એને સદી પુરી કરવાનો મોહ નહીં રહ્યો હોય! પણ એના દિલોજાન વાંચકોનું શું? એનાથી ખુશવોનો મોહ છૂટશે? નહીં. ક્યારેય નહીં. 

એને વાંચી વાંચી બે પેઢી ઇન્ટિલેક્ટ્યૂઅલ બની. સેક્યુલર બની. શરારતી બની. જેવો એ હતો એવા જ એણે વાંચકો પેદા કર્યા. પણ એના જેવો બીજો કોઈ પેદા ના થયો. થશે પણ નહીં. એવો લેખક પણ નહીં ને એવો પત્રકાર પણ નહીં. માણસ તો એવો ક્યારેય પણ નહીં. એની સારાપના જેટલા કિસ્સાઓ છે એનાથી વધારે કિસ્સાઓ એની સચ્ચાઈના. એ કિસ્સાઓથી કિતાબો ભરી પડી છે. કિતાબો સાથે  એવું ફેટલ અટ્રેકશન થઈ ગયું કે એણે પોતાનું જીવન જ ખુલ્લી કિતાબ બનાવી દીધું. મન પડે એ આવી ને વાંચી જાય. ના એકેય પાનું કોરું ના એકેય પાનું કાંપેલું. 

સચ્ચાઈ અને નિખાલસતા. સરદારની કલમની બે ધાર. આ બેય ધાર સાથે સરદારાએ ધારદાર લખ્યું. ખુબ લખ્યું. સત્યને નિચોવીને ને નિખાલસતાથી તરબોળ કરતા લખ્યું. માને દારુ પીવાને લાગેલી લત હોય કે પત્નીને અલગ આદમીની પડેલી આદત હોય, સત્ય લખવામાં ચુકે એ સરદાર નહીં. સરદારા નહીં. ને કદાચ એટલે એમની જીવનકિતાબ 'ટ્રુથ, લવ એન્ડ અ લિટલ મેલિસ' ને બાપુની આત્મકથા બાદ ભારતમાં લખાયેલો સચ્ચાઈનો સૌથી આધારભૂત દસ્તાવેજ ગણવો પડે. સરદારે પોતાના ફર્સ્ટ લવથી લઈને ફર્સ્ટ લસ્ટ સુધી, લાહોરથી લઈને દિલ્હી સુધી, જિન્નાહથી લઈને અડવાણી સુધી અને સાંપ્રદાયિક્તાથી લઈને બિનસાંપ્રદાયિક્તા સુધી દરેક બાબતને કાગળ પર સત્યના દસ્તાવેજીકરણ તરીકે પ્રસ્તૃત કરી દીધી. 
* * *
મોર્ડન સ્કૂલમાં સાથે ભણતા ખુશવંત અને કવલ હિંદી ફિલ્મોની જેમ લંડનમાં ફરી મળે છે. સરદારાને પ્રેમ થઈ જાય છે. દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગેની જેમ બન્ને ટ્રેનમાં બકિંઘમશાયર જાય છે. ટ્રેનમાં જ ખુશવો કવલને પ્રપોઝ કરે છે ને બન્નેના ઘડીયા લગ્ન લેવાઈ જાય છે. પીડબલ્યુડીના ચીફ એન્જીનિયરની પુત્રી અને દિલ્હીના સૌથી મોટા બિલ્ડરના પુત્રના લગ્નમાં મહમ્મદ અલી જિન્નાહ જેવા મહાનુભાવો હાજર રહે છે. સરળતાથી બધુ પતી ગયું હોય એવું લાગે તો ભલે લાગે પણ આ બધી સરળતામાં સંકુલતા સર્જાય છે જ્યારે પતિ-પત્ની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય છે. કવલના જીવનમાં બીજો પુરૂષ આવે છે. એ સંબંધ બે દાયકા સુધી ચાલે છે. આ બે દાયકામાં સરદારના દિલમાં હમેંશા કશુંક તૂંટતુ રહે છે. કશુંક કણસતું રહે છે. પણ એ એક શબ્દ બોલતા નથી. બસ અંદર અંદર ગુંગળાયા કરે છે. સરદારના શબ્દોમાં કહીએ તો એ ઈમોશનલી દેવાળું ફૂંકી દે છે. કદાચ એટલા માટે કે કવને તેઓ ખુબ પ્રેમ કરતા હતાં. કદાચ એટલા માટે કવલ તેમનો પ્રથમ પ્રેમ નહોતો. 

* * *

ગ઼ેયૂરુન્નિસા... સરદાર ખુશવંતસિંહનો પ્રથમ પ્રેમ. એ હૈદરાબાદી મુસ્લિમ યુવતી દિલ્હીમાં હોમ સાયન્સનો અભ્યાસ કરતી. એ વખતે સતરેક વર્ષના ખુશવંતસિંહની બહેનની એ બહેનપણી. ખુશવો અને ઘયૂર સાથે ફરતા. સિનેમા જોવા જોતા. એ સંબંધમાં જીસ્માની જીજ્ઞાસા કરતા પ્લેટોનિક પ્રેમનું તત્વ વધારે હતું. પણ બન્ને પ્રેમીજનોનું એક થવું કદાચ કુદરતને મંજૂર નહોતું. અભ્યાસ માટે સરદાર લંડન ઉડ્યાને પાછળથી ઘયૂરે નિકાહ પઢી લીધા. એ બાદ છેક ત્રીસ વર્ષે બન્ને પ્રેમીઓનું દિલ્હીમાં પુનઃમિલન થયું. પણ હવે પરિસ્થિતી બદલાઈ ગઈ હતીં. બન્ને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતાં. મસ્ત હતાં. જોકે, એમના દિલના કોઈ અંધારા ખુણે હજુ પણ એકબીજાનું અસ્તિત્વ દબાયેલું પડ્યું હતું. પડ્યું રહેવાનું હતું. સરદાર કહે છે કે 'એ બાદ અમારો સંપર્ક કાયમી ચાલું રહ્યો. હું જ્યારે પણ હૈદરાબાદ જતો એને મળતો.

છેલ્લે જ્યારે ખુશવંતસિંહ ગ઼ેયૂરુન્નિસા મળે છે ત્યારે એ બહુ જ એકલી લાગે છે. બહુ જ ઉદાસ. એ મુલાકાત બાદ સરદારાને સમચાર મળે છે કે ગ઼ેયૂરે દુનિયાને અલવિદા કહી દીધી. સમાચાર સાંભળતા જ સરદાર હૈદરાબાદ પહોંચે છે. એની કબર પર બેસી રહે છે. એક વૃદ્ધ પ્રેમિ પોતાની મૃત પ્રેમિકાને આખરી અલવિદા કરે છે. સાચા પ્રેમમાં ખુદનું અસ્તિત્વ ઓળગી જાય છે. સામેનું પાત્ર, એને સલગ્ન બધી જ વસ્તુમાં પોતાનાપણું અનુભવાય છે. એના મિત્રોમાં, એના માતાપિતામાં, એના ભાઈ-ભાંડરડામાં, એના સમાજમાં એના ઘર્મમાં પણ. ગ઼ેયૂરુન્નિસા સાથેનો પ્રેમ સરદારને મુસ્લિમ ધર્મ નજીક લઈ આવ્યો. એ ચાલી ગઈ પણ ખુશવંતસિંહને મુસ્લિમ સમાજ પ્રત્યે કાયમી લગાવ બંધાઈ ગયો.

ધર્મની ઓળખાણ ખુશવંતસિંહ માટે ધીમી ધીમે અદ્રશ્ય થતી ગઈ. પણ દેશમાં હિંદુ-મુસ્લીમ વચ્ચે વઘતી જતી ફાંટની  ચિંતા એમને કોરી ખાતી. દેશમાં 'દક્ષિણપંથી સંગંઠનોનો વધી રહેલો પ્રભાવ સરદારને હમેંશા અકળાવી મુકતો. 'એબ્સોલ્યુટ ખુશવંત'માં એ જણાવે છે કે 'રાઈટ વિંગ ફાસિઝમે આપણા આંગણામાં પગપેસારો કરી લીધો છે. પણ આપણે હરફ સુદ્ધા ઉચાર્યો નથી. એમને પસંદ ના પડે એવા પુસ્તકો સળગાવી રહ્યાં છે. તેમની વિરુદ્ધમાં લખતા પત્રકારોને મારી રહ્યાં છે. તેઓને મંજૂર ના હોય એવી ફિલ્મો પર હુમલાઓ કરી રહ્યાં છે. દેશના આગવા ચિત્રકારના ચિત્રો ફાડી રહ્યાં છે. ઈતિહાસનું મન પડે એવું અર્થઘટન કરી રહ્યાં છે. તેમના બોલે ન બોલનારાઓને તેઓ ગાળો ભાંડી રહ્યાં છે. પણ એમને જવાબ આપવામાં આપણે નિષ્ફળ નિવડ્યા છે. એનું કારણ કે, ના તો આપણે ક્યારેય એક રહ્યા છીએ કે ના એ વાતની ખબર છે કે દેશને એમના હાથમાં સોંપીને કેટલું મોટું જોખમ ખેડી રહ્યાં છીએ.'

સાંપ્રદાયિક્તાએ દેશને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનું ખુશવંતસિંહને લાગતું ને એ માટે તેઓ સૌથી વધારે જવાબદાર લાલકૃષ્ણ અડવાણીને ગણતા. અડવાણી મુદ્દે ખુશવંત લખે છે કે 'હું જ્યારે અડવાણીને પ્રથમ વખત મળ્યો ત્યારે મને એનામા સચ્ચાઈ અને પ્રામાણિક્તા દેખાઈ હતી. મને એમા સ્પષ્ટ વિચારક અને સશક્ત વક્તાના દર્શન થતા હતાં. મારા પિતાના મૃત્યુ વખતે એ શોક દર્શાવવા આવેલા. હું પણ ક્યારેક ક્યારેક એમના ઘરે જઈ ચડતો. ત્યાં સહજત્તા અનુભવતો. પણ અડવાણીએ જ્યારે રથયાત્રા યોજી ત્યારે મારો મોહભંગ થઈ ગયો. એ માણસ બે કૌમ વચ્ચે નફરતનાં બીજ રોપી રહ્યો હતો. દેશના આત્માને તોડી રહ્યો હતો. ભાગલા વખતે જોયેલી સાંપ્રદાયિક નફરત અને પાગલપણાને તેના સમર્થકો ફરીથી ચિંગારી ચાંપી રહ્યાં હતાં. તે એ માણસ છે જેમણે આ દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. હું માનું છું કે એણે આ દેશનો સમગ્ર નકશો જ બદલી નાખ્યો છે. બાબરી મસ્જિદ ધ્વશ એ એક ભયાનક ઘટના હતી જે બાદ આપણે ક્યારેય ઝંપી નથી શક્યાં. આ દેશના સાંપ્રદાયિક સૌહાર્દના વિખંડન માટે હું તેને જવાબદાર માનું છું.'

ફોટો સૌ. ઈન્ટરનેટ
એક જાહેર કાર્યક્રમમાં ખુશવંતસિંહે અડવાણીને સરાજાહેર અને મોઢેમોઢ સંભળાવી દીધું હતું કે એણે આ દેશમાં નફરતના બીજ રોપ્યા છે. જેની કિંમત આપણે બધા ચુકવી રહ્યાં છીએ. સરદારના સેક્યુલરિઝમમાં નહેરુવાદી સેક્યુલરિઝમનું પ્રતિબિંબ ઝળક્તું. નહેરુ મુદ્દે ખુશવંતસિંહને સૌથી વધુ સ્પર્શતી વાત હોય તો એ હતી દેશના પ્રથમ વડાપ્રધાનની બિનસાંપ્રદાયિક્તા. નહેરુ અંગે ખુશવંતે લખ્યું છે કે તેઓ દેશના બધા વડાપ્રધાનોમાં રોલમોડેલ બનવા જોઈતા. નેહરુ ધાર્મિક, જાતિગત પૂર્વાગ્રહોથી પર હતા ને સ્પષ્ટ માનતા હતા કે ભારતીય સમાજમાં ધર્મએ ખુબ જ નકારાત્મક ભૂમિકા ભજવી છે. ભારતીય લોકશાહીના પાયામાં નહેરુની દૂરદ્રષ્ટ્રીને જશ આપતા ખુશવો નહેરુને 'ફાધર ઓફ ઈન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રસી' ગણાવે છે. જોકે, ખુશવંતસિંહ નહેરુ આંધળા ભક્ત નહોતા. દરેક માણસ ભૂલ કરે છે ને નેહરુ પણ એમા અપવાદ નથી એવું એ કહેતા. ભાગલા મુદ્દે, વડાપ્રધાન પદ મુદ્દે, કાશ્મીર મુદ્દે નેહરુએ કરેલી ભૂલો ખુશવંતસિંહને યાદ હતી ને એટલે જ દેશના શ્રેષ્ઠ વડાપ્રધાનની એમની યાદીમાં નહેરુ કરતા મનમોહનસિંહને તેઓ વધારે માર્ક આપતા. બન્ને વડાપ્રધાનોની સરખામણી કરતા તેઓ લખે છે કે નેહરૂમાં વિઝન અને કરિશમા હતો. પણ તેમની માનવીય ભૂલો પણ એટલી જ હતીં. તેઓ હમેંશા અમેરિકાથી અળગા ને અને સોવિયેતને સલંગ્ન રહ્યાં હતાં. તેઓ ગુસ્સે પણ જલદી ભરાઈ જતા ને પોતાના મનગમતા માણસો માટે પક્ષપાત પણ ધરાવતા. જ્યારે ડૉ. મનમોહનસિંહ આ મામલે કોઈ પણ જાતના પૃર્વગ્રહરહિત છે. તેમના પર સગાવાદનો આોરોપ પણ મુકી શકાય એમ નથી. 

* * *

ખુશવંતસિંહ ખુદાના બંદા હતા ને એટલે જ સાંપ્રદિક્તા પ્રત્યે હમેંશા જ એમની કલમે આગ ઓકી હતી. હિંદુ રેડીકલ હોય, મુસ્લિમ જમાતો હોય કે ખાલિસ્તાની આતંક હોય, સરદાર ખુશવંતસિંહે ફન્ડૂશ (ફન્ડામેન્ટલિસ્ટો માટે ખુશ્વોના 'હાસ્યાસ્પદ'  શબ્દ)ના અણુબોમ્બ તૈયાર જ હોય. જોકે, એજ કલમે સેક્સ મુદ્દે હમેંશા શરારત કરી. અમુક જડસું અને મુરખ મહારાજોએ તેમને નિશાન બનાવ્યા. પણ એ અટકી નહીં. ભારત સરકાર વતી કામ કરતી વખતે પણ નહીં, હિંદુસ્તાન ટાઈમસ કે ઈલસ્ટ્રેટેડ વિકલી વખતે પણ નહીં. ફન્ડૂશો તરફથી તેમને ધમકી મળતી રહી. કલમ વધુ ને વધુ તેજ થતી રહી. તેમને પોલીસ પ્રોટેક્શન પણ પુરુ પડાયું પણ કલમનું તેજાબી પણું એ જ રહ્યું. અંત સુધી. મૃત્યું સુધી. ને મૃત્યુનો તો એ ઈન્તઝાર કરતા હતા... ગુલઝારના શબ્દોમાં કહીએ તો... 

मौत तू एक कविता है
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको
डूबती नब्ज़ों में जब दर्द को नींद आने लगे
ज़र्द सा चेहरा लिये जब चांद उफक तक पहुँचे
 दिन अभी पानी में हो, रात किनारे के करीब
ना अंधेरा ना उजाला हो, ना अभी रात ना दिन
जिस्म जब ख़त्म हो और रूह को जब साँस आऐ
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको

* * *

Here lies one who spared neither man nor God 
Waste not your teares on him, he was a sod 
Writing nasty things he regarded as great fun 
Thank the Lord he is dead, this son of a gun 

પોતાના સમાધી લેખ માટે ખુશવોએ તૈયાર કરેલી પંક્તિઓ