Friday 1 November 2013

ભગતસિંહનાં ‘અછૂત’વિચારોઃ આજ તું હોતા તો યહ ના હોતા! (પાર્ટ-2)



સરદાર પટેલ અને સેક્યુલરિઝમ, મુઝફ્ફરનગરનાં હુલ્લડો અને ફંડામેન્ટલિઝમ, જમીનમાં છુપાયેલો ગુપ્ત ખજાનો અને ઓવર ફેનેટિઝમ જેવા મુદ્દાઓ આગળ ધરીને ક્યાંક મહામાનવનાં નામે રાજકીય રોટલાઓ શેકીને તો ક્યાંક ધાર્મિક કટ્ટરવાદ કે અંધશ્રદ્ધા ઓકીને પોતપોતાના ઉલ્લુઓ સીધા કરવામાં ઊંધા વળી ગયેલા દેશમાં મદ્રાસ હાઈકોર્ટે એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો. 'મંદિરમાં પ્રાર્થના ન કરવાથી કોઈ હિંદુને બિનહિંદુ ઠેરવી શકાય નહીં' એવો ઐતિહાસિક ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે ધર્મનાં ઠેકેદારોને જનોઈવઢ 'ફટકાર્યા'. અલબત્ત, આ સમગ્ર કેસ પાછળ પણ ભારતનાં મૂળિયા ઉખાળવાં ઉતાવળાં થયેલાં 'પૅટી પોલિટિક્સ'પોતાનો યથાયોગ્ય ફાળો આપ્યો હશે જ! પણ ઈસ્યુ એ છે કે હિંદુધર્મનાં ઠેકેદારોએ જેને ક્યારનોય 'નોન ઈસ્યુ' ગણાવી દીધો છે એ 'અછૂતોનો પ્રશ્ન' હવે દલિત સમસ્યાનાં નામે સામે આવી ગયો છે. લોહી ચૂસતા જળોની જેમ હિંદુધર્મનો હાર્દ ચૂસી રહેલો અસ્પૃશ્યતાનો અભિશાપ હજ્જારો વર્ષ બાદ અને આઝાદીનાં આટલા વર્ષેય કેડો મુકવા તૈયાર નથી.

દેશની આ મહાસમસ્યાનાં મૂળ આપણી સમાજવ્યવસ્થા અને ધાર્મિકવ્યવસ્થામાં રોપાયેલા છે, જેને ઉખાડવાંનાં 'પ્રામાણિક પ્રયાસો' કરનારા 'સમાજસુધારકો'ને ફાઈવ સ્ટાર હોટેલ્સ કે એ.સી હોલમાં આઇસ્ક્રીમ ઝાંપટ્યાં સિવાય(નાં) 'વિચાર' નથી આવતાં. કોઈકને ધાર્મિક અંધવિશ્વાસ રોકે છે, તો કોઈને વળી સમાજનો વિશ્વાસ, ક્યાંક વળી આધ્યાત્મનો અર્થ આગળ કરાય છે તો ક્યાંક વળી સ્વાર્થ. આ જ માનસિક્તા ને આ જ માનહાની પર લગભગ નવેક દાયકા પહેલા ભગતસિંહે પોતાનાં 'શેરદિલ વિચારો' રજૂ કર્યાં હતાં. એ વિચારો એટલે આ બ્લોગની લાસ્ટ પોસ્ટ 'ભગતસિંહનાં 'અછૂત' વિચારોઃ આજ તું હોતા તો યહ ના હોતા!'... અને એ પોસ્ટનું અનુસંધાન એટલે...

*

....હવે વધુ એક પ્રશ્ન ઉભો થાય છે કે આ સમસ્યાનો ઉકેલ શું? તેનો જવાબ બહુ જ મહત્વનો છે. સૌ પ્રથમ તો એ નિર્ણય કરી લેવો જોઈએ કે માણસ માત્ર સમાન છે. જન્મથી કે કાર્ય-વિભાજન દ્વારા તેને અલગ પાડી શકાય નહીં. મતલબ કે એક માણસ કે જે ગરીબ મહેતરનાં ઘરે પેદા થયો તો તે આખું જીવન માથે મેલુ જ ઉપાડશે અને દુનિયાનું કોઈ પણ પ્રકારનું વિકાસનું કામ મેળવવાવો એને કોઈ અધિકાર નથી એ વાત સાવ ખોટી છે. આવી જ રીતે આપણા પૂર્વજો આર્યોએ તેમની સાથે આવો જ અન્યાયપૂર્ણ વ્યવહાર કર્યો અને તેમને નીચ ગણીને ધુત્કારી દીધા. તેમની પાસે હલકુકામ કરાવવા લાગ્યાં. જોકે, તેઓને એ પણ ચિંતા થઈ કે કદાચ તેઓ વિદ્રોહ કરી બેસે તો?  એટલે પુનર્જન્મનાં દર્શનનો પ્રચાર શરૂ કરી દીધો. તેમને એવું ઠસાવવામાં આવ્યું કે આ તો તમારા ગત જન્મોના પાપનું ફળ છે. હવે શું થઈ શકે? ચૂપચાપ દિવસો કાઢો! ને આવી રીતે તેમને ધીરજ ધરવાનો સુફિયાણો ઉપદેશ આપી દેવાયો. તેઓને લાંબા સમય સુધી શાંત કરી દેવાયા. પણ, તેમણે બહુ મોટુ પાપ કરી દીધું. માનવીની અંદરની માનવતાને મારી નાખી. આત્મવિશ્વાસ તેમજ સ્વાવલંબનની ભાવનાને જ સમાપ્ત કરી દીધા. બહુ જ શોષણ અને અત્યાચાર કરાયો. આજે એ બધાનું પ્રાયશ્ચિત કરવાનો વખત છે.

આ દરમિયાન એક બહુ મોટી ગરબડ એ થઈ ગઈ કે લોકોમાં જરૂરી કામો પ્રત્યે ધૃણા પેદા થઈ ગઈ. આપણે વણકરને પણ ધુત્કાર્યો. આજે વણકર ને પણ અછૂત સમજવામાં આવે છે. યુ.પી.માં કહાર પણ અછૂત ગણાય છે. પરિણામે ભારે ગરબડી સર્જાઈ. વિકાસની પ્રક્રિયામાં અડચણો પેદા થઈ ગઈ.
આ બધા તબક્કાઓને પોતાની નજર સમક્ષ રાખીએ તો જરૂરી બની રહે છે કે આપણે ના તો તેઓને અછૂત કહીએ કે ના તો સમજીએ. બસ, સમસ્યાનો ઉકેલ આવી જશે. નૌજવાન ભારત સભા અને નૌજવાન કોંગ્રેસે તો આ જે વલણ અપનાવ્યું છે, તે બહુ જ ઉમદા છે. જેઓને આજ સુધી અછૂત કહેવામાં આવ્યાં તેઓ સમક્ષ આ પાપો માટે ક્ષમા-યાચના માગવી જોઈએ. તેમને પોતાના જ જેવા માનવી સમજવા, વગર અમૃતપાનકરાવ્યે , વગર કલમા પઢાવ્યે કે શુદ્ધિ કર્યે પોતાનામાં સામેલ કરી તેમના હાથે પાણી પીવામાં આવે એ જ યોગ્ય રીત છે.

જે સમયે ગામડાઓમાં મજૂર-પ્રચાર શરૂ થયો તે સમયે ખેડૂતોને સરકારી માણસો એવું કહીને ઉકસાવી રહ્યાં હતાં કે જૂઓ, આ ભંગી-ચમારોને માથે ચઢાવી રહ્યાં છે. એ તમારૂ કામ બંધ કરાવી દેશે. બસ, ખેડૂતો આટલી વાતથી જ ભડકી ગયાં. તેમણે એ વાત યાદ રાખવી જોઈએ કે જ્યાં સુધી તેઓ આ ગરીબોને નીચ સમજી અને કમીન કહીને પોતાની પગ નીચે દબાવી રાખવા ઈચ્છે છે ત્યાં સુધી તેમની પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન નહીં આવે. હંમેશા કહેવાય છે કે તેઓ સ્વચ્છતાં નથી જાળવતાં. તેમનો જવાબ સ્પષ્ટ છે કે તેઓ ગરીબ છે. ગરીબીનું નિદાન કરો. ઉંચ કુળનાં ગરીબ લોકો પણ કંઈ ઓછા ગંદા નથી હોતો. ગંદું કામ કરવાનું બહાનું પણ ચાલી શકે તેમ નથી. કારણ કે પોતાના બાળકોનું મેલું સાફ કરનારી માતાઓ તો મહેતર કે અછૂત નથી બની જતી!

પણ, આ કામ ત્યાં સુધી નથી થઈ શકવાનું કે જ્યાં સુધી અછૂત સમાજ પોતાને સંગઠિત ના કરી લે. અમે તો માનીએ છીએ કે તેઓનું સ્વયંને અલગ સંગઠિત થવું ને મુસ્લિમોની બરાબર સંખ્યામાં હોવાથી એમના બરાબર હકની માગ કરવી આશાજનક સંકેત છે. કાં તો સાંપ્રદાયિક ભેદભાવની માથાકૂટને જ ખતમ કરી દો અથવા તો તેમને અલગ અધિકારો આપી દો. કાઉન્સિલ્સ અને એસેમ્બ્લીઝની ફરજ છે કે સ્કૂલ-કોલેજીસ, કૂવા તથા રસ્તાનો ઉપયોગ કરવાની તેમને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવે. માત્ર કહેવા પૂરતી નહીં પણ સાથે ચાલીને તેઓને કૂવા પર ચઢાવે. તેમના બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવે. પણ, જે લેજિસ્લેટિવમાં બાળ વિવાહના વિરુદ્ધમાં રજૂ કરાતા બિલ તથા ધર્મના નામે હોબાળો મચી જાય છે, ત્યાં તેઓ અછૂતોને પોતાનાં સાથે સામેલ કરવાનો વિચાર કઈ રીતે કરી શકે?

અને એટલે જ અમે માનીએ છીએ કે તેમના પોતાના જનપ્રતિનિધિ હોય. તેઓ પોતાના માટે અધિક અધિકાર માગે. અમે તો સ્પષ્ટ કહીએ છીએ કે ઉઠો! અછૂત કહેવાતા સાચા જનસેવકો તથા ભાઈઓ! પોતાનો ઇતિહાસ જૂઓ! ગુરૂ ગોવિંદસિંહનાં સૈન્યની ખરી તાકત તમે જ હતાં! શિવાજી તમારા પ્રતાપે એ બધું કરી શક્યાં જેના કારણે આજે પણ તેમનું નામ અમર છે. તમારા બલિદાનો સ્વર્ણ અક્ષરે લખાયેલા છે. તમે જ તો નિત્યપ્રતિ સેવા કરીને જનતાનાં સુખોમાં વધારો કરી, તેમનું જીવન શક્ય બનાવી, બહુ મોટો ઉપકાર કરી રહ્યાં છો, જેને અમે લોકો નથી સમજતાં. લેન્ડ-એલિયેશન એક્ટ અનુસાર તમે ધન ભેગું કરીને પણ જમીન ખરીદી શકો એમ નથી. તમારા પર એટલાં અત્યાચારો થઈ રહ્યાં છે કે મિસ મેયો(મિસ મેથેરિન મેયો, પુસ્તકઃ મધર ઈન્ડિયા) કહે છે કે ઉઠો આપની શક્તિ ઓળખો. સંગઠિત થઈ જાવ. વાસ્તવમાં જાતપ્રયત્નો કર્યા વગર કશું  જ મળી નહીં શકે. સ્વતંત્રતા માટે સ્વાધિનતા ઈચ્છનારાઓએ પ્રયત્ન કરવો જોઈએ. માણસજાતને એવી ટેવ પડી ગઈ છે કે તે પોતાના માટે તો વધારે અધિકાર ઈચ્છે છે પણ, જેઓ તેને લાયક છે, તેમને તેઓ પગની જૂતીનીચે દબાવી રાખવા ઈચ્છે છે. કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે’. મતલબ કે સંગઠિત બની, પોતાના પગ પર ઉભા રહી, આખા સમાજને પડકાર ફેંકો. આવું થશે ત્યારે કોઈ પણ તમને તમારા અધિકાર આપવાનો ઈન્કાર કરવાની હિંમતસુદ્ધા નહીં કરી શકે. તમે બીજાનો હાથો ના બનો. બીજાની આંખે જોવાનું બંધ કરો. નોકરશાહીની જાળમાં ન ફસાઓ. તેઓ તમારી કોઈ પણ જાતની મદદ કરવા નથી ઈચ્છતી, માત્ર તમને પોતાનું મ્હોરું બનાવવા ઈચ્છે છે. આ જ મૂડીવાદી નોકરશાહી તમારી ગુલામી અને ગરીબીનું સાચું કારણ છે. એટલે તેઓ સાથે ક્યારેય મળતા નહીં. તેમની ચાલથી ચેતતા રહેશો તો જ બધુ ઠીક થશે. તમે જ ખરા સર્વહારા છો... સંગઠિત થઈ જાઓ. તમારું કોઈ કંઈ બગાડી શકવાના નથી. સામાજિક આંદોલન દ્વારા ક્રાંતિ પેદા કરી દો અને રાજકીય તેમજ આર્થિક ક્રાંતિ માટે તૈયારી કરી લો. તમે જ દેશનો મુખ્ય આધાર છો. વાસ્તવિક શક્તિ છો. ઉંઘેલા સિંહો! ઉઠો અને વિદ્રોહ કરી દો.


*


હવે સાચી દિશામાં
થોડાક માનવકલાકો વપરાશે તો વેડફાશે નહીં
,
થોડુંક લોહી રેડાય તો વ્યર્થ નથી
,
થોડીક આગ લાગે તો વાજબી છે.
ડુક્કરોની સંસદ પર એક વિશેષ બોમ્બ ઝીંકવાનો હજુ બાકી છે.
કાન હજુ પણ બહેરા છે.
-ગણપત વણકર