Friday 27 September 2013

ભગતસિંહનાં ‘અછૂત’વિચારોઃ આજ તું હોતા તો યહ ના હોતા!



હવા મેં રહેંગી મેરે ખ્યાલ કી બીજલી,
યે મુશ્તે ખાક હૈ, ફાની રહે યા ના રહે.

હજુ પચ્ચીસી પણ પુરી ન કરી હોય એવું આજનું યુથ શેમા મશગુલ હશે
? વોટ્સએપ પર! ફેસબુક પર! કે ટ્વિટર પર!  કદાચ કોલેજ બંક કરવામાં અને જો કોઈ રણ્યું ધણ્યું બાકી હશે તો રંગીન સપનાઓ જોવામાં! આ ઉંમર જ છે એ મુગ્ધતાની, મનમોહક સહવાસની ને મોજીલા થઈ ફાટતા ફરવાનીપણ, મુગ્ધ કરી મુકતી આ ઉંમરે જો કોઈ ક્રાંતીની, સત્તા-સમાજ પરિવર્તનની, વિશ્વ બંધુત્વની, માર્ક્સવાદની વાત કરે તો? તો ચોક્કસ એનું ચસકી ગયું હોવાનું!!!

...અને એનું પણ ચસકી ગયું હતું. વર્ષોથી ગુલામીની બેડીઓમાં ઝકળાયેલા રહેલા નિર્વિર્ય સમાજને જોઈને એનું ચસકી ગયું હતું. ઢંગધડાં વગરનાં ધાર્મિક પાખંડો અને તેને કારણે આવેલી પરાધીનતાથી એનું ચસકી ગયું હતું. મધપુડાને આદર્શ માનતી સમાજ વ્યવસ્થાની સ્થૂળતાથી એનુ ચસકી ગયું હતું અને એટલે જ
તાજે સર્જેલી તારાજીએ એની પીન છટકાવી દીધી હતી.

તવારીખ ગવાહ છે કે માથાફરેલાઓએ જ ઈતિહાસ લખ્યો છે અને એણેય ઈતિહાસ લખ્યો હતો. ફાટફાટ થતી યુવાનીમાં, ગુલામ દેશમાં એની આઝાદ જવાનીમાં. બહેરા કાનોને સંભળાવવા
ધમાકેદાર ઇતિહાસ લખ્યો. ભગતસિંહે પોતાનો અને પોતાના દેશનો ઈતિહાસ પોતાના હાથે લખ્યો. લાલ લોહીની જ્વાળાઓ ઓકતી લાલકલમથી લખ્યો. સુપ્રીમ સેક્રિફાઈસ કરનારા એ શહિદ-એ-આઝમ પર હજ્જારો વર્ષોથી લખાયું છે. લખાતું રહેશે. ફિલ્મો બની છે ને બનતી રહેશે. ચર્ચા થઈ છે ને થતી રહેશે. ભગતના વિચારો કેટલા જલદ હતા એ હરકોઈ જાણે છે. એણે ક્રાંતિ પર, રાષ્ટ્ર પર, વિશ્વ પર, શોષણ પર, ધર્મ પર અને સમાજ પર એમ લગભગ દરેક વિષયો પર લખ્યું છે. ક્રાંતિકારી લખ્યું છે.

પણ, કેટલાને ખબર છે કે ભગતસિંહે અછૂતો પર, અછૂત સમસ્યા પર પણ ગહન ચિંતન કર્યું હતું. એટલુ કે
છોતરા કાઢી નાખે એવું જલદ. એ જલદ આક્રોશનું બેકગ્રાઉન્ડ બન્યું કાકીનાડા કોંગ્રેસ અધિવેશન બાદ દેશમાં ઉભો થયેલો માહોલ. વાત જાણે એમ હતી કે કાકીનાડામાં 1923માં કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું. જેમા મહમ્મદ અલી જિન્નાએ પોતાના ભાષણમાં એ સમયે અછૂત તરીકે ઓળખાતી જાતિઓને હિંદુ-મુસ્લિમ મિશનરી સંસ્થાઓમાં વહેંચી દેવાની સુફિયાણી સલાહ આપી. એ સમયે બન્ને ધર્મના ધુરંધરો, પૈસાવાળાઓએ આ ભેદભાવની આગમાં ઘી હોમવા માટે નાણાની કોથળી ખુલ્લી મુકી દેવા તૈયારી બતાવી. આમ અછૂતોનાં એ હમદર્દો ધર્મનાં નામે એ 'બિચારાઓ'ને ભાગે પડતા વહેંચી લેવા ઉતાવળા થયાં.

એ સમયે દેશ આખામાં આ અંગે ચર્ચા ચકડોળે ચડી હતી. વિવાદનો વંટોળ ફૂંકાયો હતો અને એવામાં ભગતસિંહે એક લેખ લખ્યો.
અછૂતનો પ્રશ્ન’... એ સમયે 1928ના અમૃતસરથી પ્રસિદ્ધ થતાં કિરતીમાં એ છપાયો. જેમાં ભગતે મજૂરવર્ગની શક્તિની સરહદોનું આંકલન કર્યું. તેમની પ્રગતિ માટે કેટલાક ભગીરથી ઉકેલો આલેખ્યાં. વીસમી સદીના ત્રીજા દાયકામાં લખાયેલો એ લેખ આજે 21મી સદીના પ્રથમ દાયકાઓમાં પણ એટલો જ સાંપ્રત છે. ત્યારે સ્થાપિત હિતો જરા સંભાળીને...હીઅર આર ધી વર્ડ્ઝ ઓફ ધી ગ્રેટ કોમરેડ ભગતસિંહ...
                                     
*
આપણા દેશ જેવા ખરાબ હાલ દુનિયાનાં કોઈ બીજા દેશના નથી થયા. અહીં વિચિત્ર પ્રશ્નો ઉઠતા રહે છે. આમાનો એક મહત્વનો પ્રશ્ન એટલે અછૂત-સમસ્યા. સમસ્યા એ છે કે 30 કરોડની વસ્તી ધરાવતાં દેશમાં જે 6 કરોડ લોકો અછૂત કહેવાય છે, તેમના અડવા માત્રથી ધર્મ ભ્રષ્ટ થઈ જશે. મંદિરોમાં તેમનો પ્રવેશ દેવોની નારાજગી નોતરી દેશે. કૂવામાંથી તેમના દ્વારા પાણી ભરાશે તો કૂવો અભડાઈ જશે. આ બધા પ્રશ્નો વીસમી સદીમાં પૂછાઈ રહ્યાં છે. જેને સાંભળવા માત્રથી માથું શરમથી ઝૂકી જાય છે.

આપણો દેશ બહુ જ આધ્યાત્મવાદી છે પણ આપણે માનવીને માનવીનો દરજ્જો આપતાં પણ અચકાઈએ છીએ. જ્યારે બીજી બાજુ, સંપૂર્ણપણે ભૌતિકવાદી કહેવાતું યુરોપ સદીઓથી ક્રાંતિનો અવાજ બુલંદ કરી રહ્યું છે. તેમણે અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન જ સમાનતાનું એલાન કરી દીધું હતું. આજે રશિયાએ પણ દરેક જાતના ભેદભાવ ભૂલીને ક્રાંતિ માટેની તૈયારીઓ કરી લીધી છે પણ આપણે હમેંશથી આત્મા-પરમાત્માનાં અસ્તિવને લઈને ચિંતા કરતાં રહ્યાં અને એ અંગેની ચર્ચામાં ગુંચવાયેલા રહ્યાં કે શું અછૂતને જનોઈ ધારણ કરવાનો અધિકાર આપવો કે કેમ
? તેઓ વેદ-શાસ્ત્રો વાંચવાનાં અધિકારી છે કે નહી? આપણે બળાપો કાઢીએ છીએ કે વિદેશોમાં આપણી સાથે સારૂં વર્તન કરવામાં નથી આવતું. અંગ્રેજી સત્તા આપણને અંગ્રેજોથી નીચ ગણે છે પણ શું આપણને આ ફરિયાદ કરવાનો અધિકાર છે ખરો?

સિંધના એક મુસ્લિમ સજ્જન અને બમ્બઈ કાઉન્સિલના સભ્ય શ્રી નૂર મહમ્મદ આ વિષય પર કહે છે કે,

“If the Hindu society refuses to allow other human beings, fellow creatures so that to attend public school, and if the president of local board representing so many lakhs of people in this house refuses to allow his fellows and brothers the elementary human right of having water to drink, what right have they to ask for more rights from the bureaucracy? Before we accuse people coming from other lands, we should see how we ourselves behave toward our own people.How can we ask for greater political rights when we ourselves denies  elementary rights of human beings.”

તેઓ કહે છે કે જ્યારે તમે કોઈને પીવાનું પાણી આપવાનો પણ ઈનકાર કરી દો છો, સ્કૂલમાં ભણવા પણ નથી દેતા, ત્યારે તમને ખુદને કયો એવો હક છે કે પોતાના માટે વધારે અધિકારોની માગ કરો
? જ્યારે તમે એક માણસને સમાન અધિકાર આપવા પણ તૈયાર નથી ત્યારે તમને વધુ રાજકીય અધિકાર માગવાનાં હકદાર કોણે બનાવી દીધા?

વાત એકદમ સાચી છે. પણ કારણ કે આવું એક મુસ્લિમે કહ્યું છે એટલે હિંદુઓ કહેશે કે જૂઓ, તે પેલા અછૂતોને મુસલમાન બનાવી પોતાનામાં ભેળવી દેવા માગે છે. તમે જ્યારે તેઓને પશુઓથી પણ હલકા સમજશો તો તેઓ ચોક્કસ એ ધર્મમાં સામેલ થઈ જશે જ્યાં તેમને વધારે અધિકાર મળે, માણસો જેવું વર્તન કરવામાં આવે. બાદમાં એવું કહેવાનું કે જુઓ ભાઈ, ઈસાઈ અને મુસ્લિમો હિંદુ સમાજને હાની પહોચાડી રહ્યાં છે, બકવાસ હશે.  

કેટલું સ્પષ્ટ કથન છે! પણ, આ અંગે સાંભળીને આગ લાગી જાય છે. જોકે, આ પ્રકારની ચિંતાઓ હિંદુઓને પણ થવા લાગી છે. સનાતની પંડિતો પણ આ મુદ્દા પર થોડું-ઘણું વિચારવા લાગ્યાં છે. વચ્ચે મોટા યુગાંતરકારી તરીકે ઓળખાતા પણ આ ચિંતામાં સામેલ થયા છે. પટણામાં હિંદુ મહાસભાનું અધિવેશન અછૂતોનાં બહુ મોટા સમર્થક ગણાતા લાલા લજપતરાયની અધ્યક્ષતામાં યોજાયું તો ભારે વિવાદ થઈ ગયો. સારી એવી ચડસાચડસી થઈ ગઈ. મૂંઝવણ એ હતી કે શું અછૂતોને યજ્ઞોપવીત ધારણ કરવાનો હક ખરો કે નહીં? શું તેમને વેદ-શાસ્ત્રો ભણવાનો અધિકાર છે? મોટા મોટા સમાજ સુધારકોનાં ભવાં ચડી ગયાં પણ એ તો લાલાજીએ સૌને સહમત કરી લીધા. સંબંધિત બન્ને વાતો સ્વીકૃત કરાવી હિંદુ ધર્મની લાજ રાખી લીધી.

બાકી,  જરા વિચારો કે કેટલી શરમની વાત થાત. કૂતરું આપણાં ખોળામાં રમી શકે, આપણાં રસોડામાં આપણી સાથે આટાં મારી શકે પણ જો એક માણસ આપણને અડી લે તો આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. આ એ સમય છે કે જેમાં માલવીયજી જેવા બહુ મોટા સમાજ સુધારક, અછૂતોનાં બહુ મોટા સ્નેહી અને કોણ જાણે શું શું કહેવાતા લોકો પણ બાકાત નથી. તેઓ એક મહેતરના હાથે પોતાના ગળે હાર તો પહેરી લે છે. પણ જ્યાં સુધી કપડાં સહિત સ્નાન ના કરી લે ત્યાં સુધી પોતાની જાતને અશુદ્ધ જ સમજે છે. આ તે કેવી રમત ચાલી રહી છે
? સૌને પ્રેમ કરનારા ભગવાનની પૂજા માટે મંદિર બનાવ્યું છે પણ ત્યાં કોઈ અછૂત જઈ ચડે તો તે મંદિર અપવિત્ર થઈ જાય. ભગવાન ક્રોધાયમાન થઈ જાય. જ્યારે ઘરની અંદર જ આવી સ્થિતિ હોય ત્યારે બહાર આપણે સમાનતા માટે લડીએ એ શું સારા લાગીએ?  આપણા આ વર્તનમાં કૃતઘ્નતાની પણ હદ દેખાઈ આવે. જે એકદમ નિમ્નત્તમ કામ કરીને આપણે માટે સુવિધા ઉપલબ્ધ કરાવી આપે છે તેમને જ આપણે આઘા ખસેડીએ છીએ. પશુઓની આપણે પૂજા કરીએ પણ માણસને પાસે ફરકવા દેતા નથી.

આજે એ સવાલ પર બહુ જ હોબળો થઈ રહ્યો છે. એ વિચારો પર આજકાલ બહુ ધ્યાન અપાઈ રહ્યું છે. દેશમાં જે રીતે સ્વતંત્રતાની કામના વધી રહી છે તેમાં સાંપ્રદાયિક ભાવનાઓએ કોઈ લાભ પહોંચાડ્યો હોય કે ના હોય પણ એક બાબતે ચોક્કસ લાભ પહોંચ્યો છે અને એ બાબત એટલે કે વધારે ને વધારે અધિકારો માટે પોત પોતાનાં ધર્મનાં અનુયાયીઓની સંખ્યા વધારવા સૌ ઉતાવળા બની ગયાં છે. આ બાબતને મુસ્લિમોએ થોડી વધારે ગંભીરતાથી લઈ લીધી છે. તેમણે અછૂતોને મુસ્લિમ બનાવી પોતાના બરાબર અધિકારો આપવાનું શરૂ કરી દીધું અને એથી હિંદુઓનો અહમ ઘવાયો. સ્પર્ધા વધી છે . હુલ્લડો પણ થયા છે. આવામાં શીખોએ પણ વિચાર્યું કે કદાચ આપણે પાછળ ના રહી જઈએ
! તેમણે પણ અમૃતપાન શરૂ કરી દીધું. હિંદુ-શીખો વચ્ચે અછૂતોને જનોઈ ઉતારવા કે વાળ કાંપવા પર ઝઘડા થયાં. માહોલ એવો સર્જાયો છે કે ત્રણેય ધર્મો અછૂતોને પોત-પોતાની તરફ ખેંચી રહ્યાં છે. ભારે ઉહાપોહ મચી ગયો છે. બીજી બાજુ, ખ્રિસ્તીઓ મૂંગા મોઢે પોતાનો પ્રભાવ વધારી રહ્યાં છે. ચાલો, આ બધી જ હાય-હાય ને કારણે દેશના દૂર્ભાગ્યનું કલંક તો ઓછું થઈ રહ્યું છે!

હવે આ બધા વચ્ચે જ્યારે અછૂતોએ જોયું કે તેમને લીધે ધર્મો વચ્ચે
ઝઘડાઓ થઈ રહ્યાં છે. ધર્મનાં ઠેકેદારો તેમને પોતાનો 'ચારો' સમજી રહ્યાં છે, તો તેઓ જ શા માટે અલગ સંગઠિત ના થઈ જાય! અછૂતોને આવેલા આ વિચારમાં અંગ્રેજી સરકારનો કોઈ હાથ હોય કે ના હોય પણ એક વાત ચોક્કસ છે કે આ પ્રચારમાં સરકારી મશીનરીની બહુ મોટો હાથ છે. આદી ધર્મ મંડળ જેવા સંગઠનો આ વિચારનાં પ્રચારનું જ પરિણામ છે.

*

કોમરેડની કલમ હજુ ચાલું છે પણ આપણે અટકવું પડશે. બ્લોગ પોસ્ટની જાતે બાંધેલી મર્યાદા કરતાં પોસ્ટ વધુ લંબાતી હોય ભગતનો આર્ટિકલ બે ભાગમાં વહેંચી દેવો પડે તેમ છે. જોકે, અહીંથી સિંહની ત્રાડ વધુ બુલંદ થઈ જાય છે. વધુ જલદ બની જાય છે અને તે સ્થાપિત હિતોને ઉખાડી ફેંકવા હાંકલ કરી દે છે. સાથે જ સમસ્યાનો ઉકેલ પણ બતાવી આપે છે. એ ઉકેલ એટલે....

ભગતસિંહનાં
અછૂતવિચારોઃ આજ તું હોતા તો યહ ના હોતા! (પાર્ટ-
2

to be continued…

6 comments:

  1. ભાઈ અભ્યાસ ઘણો તલસ્પર્શી છે તે દેખાઈ આવે છે,પરંતુ લખાણ બહુ ભારેખમ લાગ્યું.(જસ્ટ માય ઓપિનિયન) આજના ફેસબુકિયા યુવાધનને આવા પ્રયત્નો થકી ભગતસિંહ જેવા ક્રાંતિકારીનો એકાદ વિચાર કે કાર્ય સ્પર્શી જાય તો પણ ઘણું ભગીરથ કાર્ય કહેવાશે....

    ReplyDelete
  2. હિન્દુઓમાં બદીઓ ન હોત તો કદાચ દેશની મોટા ભાગની સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ ગઈ હોત.આ વાક્યનું તમારી મરજી મુજબ અર્થઘટન કરી શકો.આમ પણ દેશવાસીઓ ભગતને તેની જન્મ જયંતિ કરતાં મરણતિથિએ વધુ યાદ કરે છે. ઘણીવાર વિજેતાઓ નહીં પણ
    ફના થઈ જનારા પણ ઈતિહાસ લખે છે, જયબાબુ.ભગત, સુભાષબાબુ અને બીજા અલગ-અલગ ક્રાંતિની મશાલ જલાવનારા ક્રાંતિકારીઓ એક થઈને લડ્યા હોત તો ક્યારનો અંગ્રેજોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હોત.મને આજે પણ અંગ્રેજો પ્રત્યે સખત નફરત છે અને તેનું એકમાત્ર કારણ અમારા ભગત, અશફાક ઉલ્લાહ ખાં અને રામપ્રસાદ બિસ્મિલ જેવા દુધમલ જવાનોને પોતાના બાપનું રાજ સમજી અંગ્રેજ સરકારે ફાંસી આપી. ચાલો, કોઈને તો ભગતની જન્મ જયંતિ યાદ તો છે, આપણને જન્માષ્ટમી અને રામનવમી યાદ રહેતી હોય તો ભગતજયંતિ કેમ નહી?

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. It's appreciable.... :)
    its sound great tht "koi to he jo hmare shahido ko yad karta hai apni kalam se jagrut rakhta hai"
    mr. jay i don't think so at present condition or even in future we will see this that type of revolutionary person!
    aaj ki generation khokhali hai ...
    but first i hate nehru, coz of him still we have to follow that bullshit angrez ppl's rules nd regulation!!!!!
    btw " kalam ku6 bhi kar sakti hai " kp writting .... ;)
    vande mataram jai hind

    ReplyDelete
  5. Nice writing bro carry on......for part-2

    ReplyDelete
  6. LAGE CHE KE JAY MAKVANA INTERNATIONAL OTHOR ..THAVAMA HAVE 2 KADAM DUR CHE.....VAH MAJA PADI

    ReplyDelete